દહેગામ બાયડ રોડ ઉપર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં મજૂરી કામ કરતાં 20 વર્ષીય શ્રમજીવી યુવકનું અકસ્માતે લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું, આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કટ્ટાઓને ઉપર સુધી લઈ જવા માટે લિફ્ટ લગાવવામાં આવી છે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામ બાયડ રોડ ઉપર આવેલા બારોટના મોસમપુરા નજીકના શિવ શક્તિ કોલ્ડ સ્ટોરેજની લિફ્ટમાં આવી ગયેલા યુવકનું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. અત્રેના કોલ્ડ સ્ટોરેજમાં કટ્ટાઓને ઉપર સુધી લઈ જવા માટે લિફ્ટ લગાવવામાં આવી છે. ગઈકાલે સાંજના સમયે અન્ય મજૂરોની સાથે 20 વર્ષીય અવરેનકુમાર મુખિયા પણ મજૂરી કામ કરી રહ્યો હતો.
લિફ્ટમાં ફસાઈ જતા ગંભીરઈજા પહોંચી હતી
આ દરમિયાન અચાનક તે લિફ્ટમાં આવી જતાં ફસાઈ ગયો હતો. આ ઘટનાના પગલે અન્ય મજૂરો દોડી આવ્યાં હતા અને કામ રોકી દઈ લિફ્ટમાંથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં અવરેનકુમારને બહાર કાઢ્યો હતો. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં ઇજાગ્રસ્ત યુવકને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે, ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.