કેરળની યુવતીના લગ્ન તેના જ સમાજના સેક્ટર 7મા રહેતા યુવક સાથે ચાર વર્ષ પહેલા થયા હતા. લગ્ન કરતા પહેલા યુવતી તબીબનો અભ્યાસ કરી રહી હતી. જ્યારે લગ્નના ત્રણ વર્ષ પછી યુવતીને તેના સાસુ અને પતિ દ્વારા દહેજ બાબતે માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરતા યુવતી પરેશાન થઇ ગઇ હતી. જ્યારે એક દિવસ સાસરીપક્ષે યુવતીના ભાઇને ફોન કરીને કહ્યુ હતુ કે, તમારી દિકરી બાથરૂમમા પડી ગઇ છે, ત્યારબાદ પિયરીયા આવતા તેનુ મોત થયુ હોવાનુ સામે આવતા પતિ અને સાસુ સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
ડૉ. વી.કે.સુધાકરન (રહે, સોપાનમ, કોપમ, કેરળ) હાલ નિવૃત જીવન વિતાવી રહ્યા છે. તેમણે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, મારી 30 વર્ષિય દિકરી ડૉ.અનુપમાના લગ્ન 2018મા અમારા સમાજના ક્ષિતિજ રવિન્દ્ર નાથન પીલ્લઇ (રહે, સેક્ટર 7 પરિમલ એપાર્ટમેન્ટ. મૂળ રહે, કેરળ) સાથે થયા હતા. ત્યારપછી ડૉ. અનુપમાના લગ્નના ત્રણ વર્ષ પછી ઓક્ટોબર 2021મા દિકરીએ કહ્યુ હતુ કે, તેના પતિ તેની પાસે દહેજની માગણી કરે છે. મ્હેણાટોણા મારીને તેની સાથે મારઝુડ કરવામા આવે છે. તેની સાથે સાસુ સવિતા પિલ્લાઇ પણ હેરાન કરી રહ્યા છે.
તેણે કહ્યુ હતુ કે, લગ્નમા આપવામા આવેલા 800 ગ્રામ સોનાના દાગીના લગ્નના બીજા જ દિવસે સાસુ અને પતિએ લઇ લીધા હતા. જ્યારે અનુપમાનો બીડીએસનો અભ્યાસ ચાલુ હતો, તેમ છતા પિતાના ઘરે ગયા પછી ઉદાસ રહેતી હતી. તે ગાંધીનગર તેના પતિના ઘરે આવતી હતી, ત્યારે એરપોર્ટ ઉપર કોઇ લેવા મુકવા આવતુ ન હતુ. પોતાની બહેનને જમાઇ સારી રીતે રાખે તે માટે ભાઇએ જમાઇ અને તેની બહેન માટે ગોવાની ટુર નક્કી કરી હતી, છતા જમાઇ ક્ષિતિજ ગયો ન હતો.
પતિએ તેને પિતાના ઘરેથી તાત્કાલિક ગાંધીનગર આવી જા કહીને બોલાવી હતી અને જો ના આવવુ હોય તો છુટાછુડા લઇ લેજે કહ્યુ હતુ. દિકરી સાથે ફોન ઉપર વાત કરતા તે ડરેલી લાગતી હતી અને અહિંયા બીક લાગે છે તેમ પણ કહેતી હતી. જ્યારે 14 જાન્યુઆરી 22ના રોજ અનુપમાના સસરાનો યુવતીના ભાઇ પ્રણવ ઉપર ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે, તાત્કાલિક ગાંધીનગર આવી જાઓ, અનુપમા બાથરૂમમાંથી પડતા મૃત્યુ પામી છે. જેને લઇને આ બાબતે દિકરીના પરિવારજનોએ પતિ ક્ષિતિજ અને સાસુ સવિતા પિલ્લાઇ સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.