ગ્રામ પંચાયતોમાં તલાટીઓ હાજર નહી રહેતા હોવાની લોકોમાંથી ફરીયાદો ઉઠી હતી. જેને પરિણામે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના દફતરની ચકાસણી કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. જેમાં અમુક ગ્રામ પંચાયતોમાં છ માસથી એક વર્ષ સુધીના રોજમેળ જ લખવામાં આવ્યા નથી. જિલ્લાની ગ્રામ પંચાયતોમાં તલાટીઓની હાજરીને લઇને અનેક ફરીયાદો જિલ્લા વિકાસ અધિકારીને મળી હતી. જેને પરિણામે તલાટીઓને ગ્રામ પંચાયતોમાં હાજર રહેવાની અનેક સુચના આપવા છતાં તેની અમલવારી થતી નહી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાનમાં આવ્યું છે.
જેને પરિણામે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમે જિલ્લાના તમામ ગામોની ગ્રામ પંચાયતોના દફતરી તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની દફતરી તપાસ માટે પાંચ કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી છે. જે તબક્કાવાર ગ્રામ પંચાયતોના દફતરની ચકાસણી કરીને તેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીનો સોંપવામાં આવશે. જોકે પ્રથમ તબક્કે જિલ્લાના નાસ્મેદ, ઉનાલી, ખાત્રજ, વઝાપુરા અને વેડા ગ્રામ પંચાયતોના દફતરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ખાત્રજ ગ્રામ પંચાયતનું છેલ્લા એક વર્ષથી રોજમેળ લખવામાં જ આવ્યું નહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેને પરિણામે ખાત્રજ ગ્રામ પંચાયતના તલાટીને રૂબરૂ બોલાવવામાં આવ્યો હતો. તેમાં રોજમેળ કોમ્પ્યુટરમાં લખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોમ્પ્યુટરની કોપી લાવવામાં આવી નહી. વધુમાં અન્ય ગામોમાં છ માસથી રોજમેળ લખવામાં નહી આવ્યું હોવાથી તેના તલાટીઓને પણ નોટીસ ફટકારીને રૂબરૂ બોલાવીને તેમનો જવાબ લેવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા પંચાયતના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. ગ્રામ પંચાયતોમાં તલાટીઓ હાજર રહેતા ન હોવાથી લોકોના પ્રશ્નો વણઉકેલ્યા રહેતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે પંચાયતોમાં દફ્તરની ચકાસણીના આદેશ કરાયા હતા.જેમાં રોજમેળ લખાયા ન હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.