ગામડાના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવાનો આધાર વેરાની વસુલાત ઉપર રહેલો છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાંથી વેરાની વસુલાત 30 ટકા જેટલી જ થતાં ડીડીઓ લાલઘૂમ થયા છે. વેરાની નબળી વસુલાતમાં ટીડીઓની નિષ્કાળજી પ્રથમ દ્દષ્ટીએ ફલિત થતું હોવાથી જિલ્લા વિકાસ અધિકારીએ ચારેય તાલુકા વિકાસ અધિકારીઓને નોટીસ ફટકારીને તાકિદે ખુલાસો કરવાની સુચના આપી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવે છે.
જોકે ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ ત્યારે જ આપી શકાય જ્યારે ગામડાઓમાંથી વેરાની વસુલાત 100 ટકા કરવામાં આવે ત્યારે જ શક્ય બને છે. જેટલી વેરાની વસુલાત નબળી તેટલા જ પ્રમાણમાં ગામડાના વિકાસ માટે આપવામાં આવતી ગ્રાન્ટ ઓછી મળે છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમે તાજેતરમાં જ ચારેય તાલુકાના ટીડીઓની સાથે બેઠક કરીને વેરાની વસુલાતની વિગતો માંગી હતી. વર્ષ-2022-23નો સાતેક માસથી પણ વધારે સમય થવા આવ્યો છે. તેમ છતાં જિલ્લાના ચારેય તાલુકામાં વેરાની વસુલાત 30 ટકાથી નીચે રહેવા પામી છે.
આથી ગત નવેમ્બર-2022 સુધીમાં વેરાની વસુલાત ઓછી થઇ છે. જેને પરિણામે જિલ્લા વિકાસ અધિકારીએ દહેગામ, કલોલ, ગાંધીનગર અને માણસા તાલુકા વિકાસ અધિકારીઓને નબળી વેરા વસુલાત બદલ નોટીસ ફટકારવામાં આવી છે. વેરાની ઓછી વસુલાતથી ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં વિપરીત અસર પડતી હોવાનું જણાયું છે કેમ કે નબળી વેરા વસુલાતને પગલે ગ્રામ પંચાયતને મળવાપાત્ર પ્રોત્સાહક ગ્રાન્ટ ઓછી મળતી હોય છે.
આથી વેરાની વસુલાતની કામગીરી સઘન કરવા તલાટી કમ મંત્રીઓને સુચના આપવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ ચારેય તાલુ કાના ટીડીઓને કર્યો છે. માર્ચ-2023 સુધીમાં 100 ટકા વસુલાતનો આદેશ આપ્યો છે. વેરાની નબળી વસુલાતને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ ચારેય તાલુકાના ટીડીઓને નોટીસ ફટકરી છે. ઉપરાંત આગામી તારીખ 31મી, માર્ચ-2023 સુધીમાં વેરાની વસુલાત 100 ટકા કરવાનો આદેશ કર્યો છે. જેના માટે વેરા વસુલાતનું યોગ્ય આયોજન કરવા તેમજ તેનો અહેવાલ મોકલવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.