પરિવારજનોની કરતૂત:પરિવારની સંમતિ વિના પ્રેમ લગ્ન કરનાર દીકરીનું પિતાએ જ અપહરણ કર્યું, ગાંધીનગરના કરાઈની બ્રાઇટ કોલેજની બહારની ઘટના

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં કરાઈની બ્રાઇટ કોલેજમાં પતિ સાથે નર્સિંગનું ફોર્મ ભરવા આવેલી પત્નીનું ગઈકાલે ઈકો કારમાં અપહરણ કરીને સસરા સહિતના દસ જેટલા ઈસમો ફરાર થઈ ગયા હતા. પરિવારની સંમતિ વિના પ્રેમ લગ્ન કરનાર દીકરીનું પિતાએ અપહરણ કરી લેતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના પાલડી કોચરબ ગામમાં રહેતો 24 વર્ષીય યુવક બર્ગર સેન્ડવીચનો વેપાર કરે છે. અગાઉ તેના ઘર નજીક ભાડાના મકાનમાં એક યુવતી તેના મોટા બાપા સાથે રહેતી હતી. જે દરમ્યાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારે ગત તા. 28/5/2022 નાં રોજ બન્નેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્નની પરિવારને જાણ થાય નહીં તે માટે યુવતી તેના ઘરે રહેતી હતી. અને 28 જાન્યુઆરી 2023ના રોજ યુવક સાથે રહેવા આવી ગઈ હતી. આથી યુવતીના પિતાએ ફોન કરતા પણ તે ઉપાડતી નહીં. જેણે યુવકને કહેલું કે આ પ્રેમ લગ્ન તેના પિતા સહિતના ઘરના લોકોને મંજૂર નથી.

ગઈકાલે સવારે યુવક કરાઈ ખાતેની બ્રાઇટ કોલેજમાં યુવતીને લઈ નર્સિંગનું ફોર્મ ભરવા આવ્યો હતો. જ્યાં ગેટ આગળ ઉતરીને યુવતી ફોર્મ લેવા માટે કોલેજમાં ગઈ હતી. જ્યારે યુવક એક્સેસ લઈને નજીકના ગલ્લાએ પાણી લેવા માટે ગયો હતો. થોડીવાર પછી યુવતીએ ફોન કરીને બહાર આવવાની વાત કરતાં યુવક એક્સેસ લઇ કોલેજના ગેટ આગળ ગયો હતો. જ્યાં ત્રણ ચાર બુકાનીધારી ઈસમો યુવતી તરફ જઈ રહ્યા હતા. એટલે યુવકને વહેમ પડ્યો હતો. એટલે તેણે બૂમ પાડીને યુવતીને કોલેજની અંદર ભાગી જવા કહ્યું હતું. જેથી યુવતી કોલેજની અંદર જવા પાછી વળી હતી. પણ ત્રણ ચાર ઈસમોએ યુવતીને પકડી પાડી ઊંચી કરીને ઈકો ગાડીમાં નાખી હતી. તે વખતે યુવકે જોયેલ તો યુવતીના પિતા તથા મોટા બાપા, બીજી ત્રણ ચાર લેડીઝો સહિતના અન્ય માણસો ઈકો તેમજ બોલેરો ગાડીમાં શિલ્પાનું અપહરણ કરીને નાસી ગયા હતા.

આ બનાવના પગલે યુવક ગભરાઈ ગયો હતો. અને સમગ્ર ઘટનાની જાણ તેના ઘરે કરી હતી. બાદમાં યુવતીને સતત ફોન કર્યા હતા. પણ તેનો ફોન બંધ આવતો હતો. આખરે યુવકે તેની પત્નીનું સસરાએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...