તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:મોબાઇલ ટાવરોની બેટરીઓની ચોરી કરતી દસક્રોઈની ગેંગ ગાંધીનગરમાંથી ઝડપાઈ, રૂ. 8.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાનો દિપક ગુર્જર નામનો મુખ્ય આરોપી આ પકડાયેલા આરોપીઓને ત્રણ હજાર રૂપિયા કામ કરાવતો

મોબાઇલ ટાવરો તેમજ ટેલિફોન એક્સચેન્જનાં તાળા તોડી બેટરીઓની ચોરી કરી ફરાર થઈ જતી અમદાવાદના દસક્રોઈ તાલુકાના એણાંસણ ગામની ગેંગને ચિંલોંડા પોલીસે મહુનદ્રા પાટીયા પાસેથી પીકઅપ ડાલા સાથે ઝડપી લઈ 100 નંગ બેટરી સહિત રૂ. 8.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી ચિંલોડા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર આઈ. એમ. હુદડના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ચિંલોંડા હિંમતનગર હાઈવે રોડ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હિંમતનગર તરફથી પૂરપાટ ઝડપે આવતા પીકઅપ ડાલાને મહુનદ્રા પાટીયા પાસેથી પીછો કરીને ઝડપી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન પીકઅપ ડાલામાંથી એક ઈસમ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

બાદમાં પોલીસે રામેશ્વરનાથ ચકોનાથ યોગી, ભગવતીલાલ ગુર્જર, પૂરણનાથ ભીમનાથ યોગી તેમજ ઉદેનાથ ધર્માનાથ યોગી (તમામ રહે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના એણાંસણ ગામ)ની અટકાયત કરી લીધી હતી. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર પણ મળી આવ્યો હતો. ઉપરાંત પીક અપ ડાલામાંથી બેટરીઓનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો.

પોલીસે આરોપીઓની પૂછતાંછ કરતાં મોડાસાનો દિપક ગુર્જર તેમને ત્રણ હજાર રૂપિયા આપીને પીકઅપ ડાલામાં લઈને આવતો હતો અને મોબાઇલ ટાવરો તેમજ ટેલિફોન એક્સચેન્જમાંથી બેટરીઓની ચોરી કરાવતો હતો.

આ બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર હરદીપસિંહ ઝાલા દ્વારા ઉક્ત ઈસમોની વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ શરૂ કરવામાં આવતા તેઓ પોપટની જેમ બોલવા લાગ્યા હતા. ત્યારે ઉક્ત બેટરીઓ હિંમતનગર, મહેસાણાના સતનગર, નવા નગર, ગાંધીનગરના રખીયાંલ, ગલુદણ અને ચંદ્રાલામાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી જુદી જુદી કંપનીઓની રુપિયા પાંચ લાખની કિંમતની 100 નંગ બેટરી, છ મોબાઈલ ફોન, પાના પકડ, ડિસમિસ, વાયર કાપવાનુ કટર, પીકપ ડાલુ મળીને રૂ. 8.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...