ખેડુતોને માથે વધુ એક આફત:માવઠાથી રાઇ, વરિયાળી, કપાસને નુકસાન

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
માવઠાથી રવિ સીઝનના પાકને નુકશાનથી ખેડુતોને માથે વધુ એક આફત. - Divya Bhaskar
માવઠાથી રવિ સીઝનના પાકને નુકશાનથી ખેડુતોને માથે વધુ એક આફત.
  • રાઇમાં ફૂલ ખરી પડે તેમજ કપાસમાં કાલાં ખૂલી જવાથી નુકસાન થતું હોવાનું અનુમાન
  • જો વધવરસાદ પડે તો બટાટા તથા ઘઉંના પાકને પણ વ્યાપક નુકસાન થવાની શક્યતા

ગાંધીનગર ચાલુ વર્ષે ખેડુતોની માઠી દશા બેઠી હોય તેમ પુન: માવઠાથી ખેડુતોને આર્થિક માર સહન કરવાની સ્થિતિ ઉભી થઇ છે. જોકે માવઠાથી રવી પાક રાઇ, જીરૂ, ચણા, કપાસ, દિવેલા, વરીયાળી પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. રાઇના પાકનું ફુલ ખરી પડે અને કપાસનું કાલુ ફુટી ગયું હોય તો કપાસ કાળો પડી જવાથી હાથમાં આવેલો કોળિયો છિનવાઇ જશે. કિસાનો માત્ર ત્રીસ જ દિવસમાં ચાર માવઠાનો માર રવી પાકમાં સહન કરી રહ્યા છે.

પ્રથમ માવઠા વખતે વાવેતર કર્યું હોવાથી બિયારણ ફેલ જવાની દહેશત ખેડુતોની નિંદર હરામ કરી દીધી હતી. પરંતુ માત્ર ભૂમીપૂજન જેવો વરસાદ થતાં રવી પાકના વાવેતરને કોઇ જ નુકશાન થયું નહી. જોકે બીજું અને ત્રીજા માવઠામાં પણ વરસાદ નહીવત પડતા ખેડુતોને રાહત થઇ હતી. ઉપરાંત તાત્કાલિક પિયતવાળા પાકને પિયત આપવામાંથી છુટકારો ખેડુતોને મળ્યો હતો. જોકે હાલમાં રવી પાકમાં રાઇ, વળીયારી, જીરૂના પાકમાં ફુલ આવી ગયા છે.

જ્યારે કપાસના કાલા ફુટી ગયા હોવાથી વરસાદથી કપાસ કાળો પડી જશે તેમ ખેડુતોએ જણાવ્યું છે. ઉપરાંત રાઇ અને વરીયાળીના પાકમાં ફુલ આવી ગયા હોવાથી વરસાદ થતાં ફુલ ખરી પડે છે. જ્યારે રાઇમાં મોલો મસ્સીનો ઉપદ્રવ વધવાથી તેની અસર ઉત્પાદન ઉપર પડી શકે છે તેમ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ગાભુભાઇ પટેલે જણાવ્યું છે.

માવઠાથી દિવેલાના પાકમાં પાકી ગયેલી સિંગો પલળવાથી દિવેલા કાળો પડી જાય છે. ચણાના પાકના પોપટા આવી ગયા હોવાથી વરસાદથી પોપટા ખરી પડવાથી ખેડુતોને નુકશાન થઇ શકે છે. જ્યારે જીરૂના પાકને માવઠાથી મોટા પ્રમાણમાં નુકશાન થાય તેમ ખેડુતોએ જણાવ્યું છે.

જો વધુ વરસાદ પડે તો બટાટા અને ઘઉંના પાકને પણ નુકશાન થવાની શક્યતા રહેલી છે. વધુ વરસાદથી બટાટા અને ઘઉંના ખેતરમાં પાણી ભરી રહેવાથી કોહવારો આવી શકે છે. જોકે હવામાન વિભાગે ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુરૂવારે જિલ્લામાં નહિવત વરસાદ થતાં ખેડુતોને રાહત થઇ છે. જોકે આગામી દિવસો પણ આવો જ વરસાદ પડે તો રવી પાકને કોઇ જ નુકશાન થાય નહી. પરંતુ જે પાકમાં તાત્કાલિક પીયત આપવાનું હોય તેમાંથી ખેડુતોને છુટકારો મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...