અકસ્માત:ભાટની એપોલો હોસ્પિટલ નજીક કારની ટક્કરથી બાઈક સવાર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં રોજમદાર કર્મચારીનું મોત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભત્રીજા સાથે બાઇક ઉપર ધોળાકુવા આવી રહ્યા રહ્યા હતા એ દરમ્યાન કાર પૂરપાટ ઝડપે અથડાઈ હતી

ગાંધીનગરના ભાટની એપોલો હોસ્પિટલ નજીક કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને અચાનક વળાંક લઈ બાઈક ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોજમદાર તરીકે નોકરી કરતાં 59 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના ભત્રીજાને પણ શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી. આ અંગે અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાકા-ભત્રીજો કામ અર્થે અમદાવાદ ગયા હતા
અમદાવાદના નિકોલ ખાતે રહેતાં ધર્મેન્દ્ર વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના કાકા અમરતભાઇ મોહનભાઈ વાઘેલા (રહે. ધોળાકુવા) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા હતા. ગત તા. 3 જી સપ્ટેમ્બરે ધર્મેન્દ્ર બાઈક લઈને ધોળાકુવા આવ્યો હતો અને રાત્રે અહીં જ રોકાઈ ગયો હતો. બીજા દિવસે ગઈકાલે તેના કાકા અમરતભાઈએ નોબલનગર કામ અર્થે જવાનું કહેતા બંને જણા અમદાવાદ ગયા હતા.

પૂરપાટ ઝડપે કાર ચાલકે ટર્ન મારી બાઈકને ટક્કર મારી
જ્યાં કામ પતાવીને પરત ધોળાકુવા આવવા માટે નીકળ્યા હતા. એ વખતે બાઈક ધર્મેન્દ્ર ચલાવતો હતો. અને સાંજના આશરે સવા છ વાગ્યાના સુમારે ભાટ એપોલો હોસ્પીટલ આગળથી પસાર થતા હતાં. તે વખતે એક કારનો ચાલક તેની કાર પુરઝડપે એપોલો સર્કલ તરફથી ચલાવી રોડ વચ્ચેના ડીવાઇડરના કટમાંથી એકદમ રોડ ક્રોસ કરી એપોલો હોસ્પીટલ તરફ જવા વાળી દીધી દઈ બાઈકને કાર અથડાવી દીધી હતી.

બંને ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા
આ અકસ્માત થતાં કાકા ભત્રીજો બાઈક પરથી રોડ પર પટકાયા હતા. જ્યારે કાર ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અમરતભાઈને મૃત જાહેર કર્યા હતા. અને ધર્મેન્દ્રની સારવાર કરી દાખલ કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...