દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના જમીન દલાલ યુવકની લાશ અમિયાપુર કેનાલમાંથી મળી આવી હતી. જ્યારે તેની કાર સળગેલી હાલતમાં નીકોલ પોલીસ મથકની હદમાંથી મળી આવતાં પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારે આ પ્રકરણમાં લોકલ ક્રાઇમ દ્વારા યુવાનને તેના ખાસ મિત્રએ પોતાની પત્ની સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખીને કેનાલમાં ધક્કો મારીને હત્યા કરાયાનો હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમા રહેતો 24 વર્ષિય પાર્થ કમલેશભાઇ ઠાકોર જમીન દલાલી અને ફાઇનાન્સના વ્યવસાય કરતો હતો. જે ગત તા. 4થી મે બુધવારના રોજ ઘરેથી બિલાસીયા ગામમા સામાજિક પ્રસંગમા ગયો હતો. રાત વિતવા છતા દિકરો ઘરે નહીં આવતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી હતી અને દિકરાની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે તેની કાર અડધી સળગેલી હાલતમા નિકોલ પાસેથી મળી આવી હતી. જ્યારે પાર્થનો મૃતદેહ અમિયાપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાની શંકા વ્યક્ત કરવામા આવી હતી. જેનાં પગલે જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ.પી. ઝાલાએ ઘનિષ્ઠ તપાસનો દોર ધરી સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકી દેવામાં આવ્યો છે.
આ અંગે પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું કે, જે જગ્યાએથી લાશ અને સળગી ગયેલી ગાડી મળેલી તે સ્થળે ટેકનીકલ સોર્સ તેમજ આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતાં સી.સી.ટી.વી. ફુટેજકમાં એક એક્ટિવા ચાલકની હીલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી. જેથી પોલીસે ચિરાગ વિનોદભાઇ પટેલ (રહે. ડી/59, સ્વામીનારાયણ ફ્લેટ સધી માતાના મંદિરવાળો રોડ ન્યુ નરોડા અમદાવાદ)ને ઝડપીને કડકાઈથી પૂછતાંછ કરતાં સિલસિલાબંધ વિગતો પ્રકાશમાં આવી હતી.
મૃતક પાર્થ ઠાકોર છેલ્લા બે વર્ષથી ચિરાગનો મિત્ર હોવાથી તેના ઘરે આવતો જતો હતો. પાર્થને પોતાની પત્ની સાથે આડા સંબંધો હોવાનો ચિરાગને શંકા હતી. ગત. તા. 4 મેના રોજ રાત્રી દરમિયાન પોતાનું એક્ટિવા લઇ આ ચિરાગ પટેલ એણાસણ ગામે ગયો હતો અને ત્યાં પાર્થ ઠાકોર તેની ઉપરોકત સ્વિફટ ગાડી લઇને ઊભો હતો. તેણે પોતાનું એક્ટિવા કેનાલ પાસે આવેલા જોગણી માતાના મંદીર પાસે અંધારામાં મુકી દીધું હતું અને પાર્થ ઠાકોરની ગાડી લઇ બંને જણા નિકોલ પો.સ્ટે.ની હદમાં આવેલા ટીમલી હનુમાનજીના મંદિરે ગયા હતા.
પાર્થે તેની ગાડી હનુમાનજીના મંદિરથી થોડી દુર પાર્ક કરી હતી અને ત્યારબાદ આ બંને જણા સ્વિફટ ગાડી ત્યાં જ મુકીને પેસેંન્જર ગાડીમાં બેસી પરત એણાસણ આવી ગયા હતા. ચિરાગ પટેલના એક્ટિવા ઉપર તેઓ એણાસણથી રાયપુર નર્મદા કેનાલ ઉપર રાબેત મુજબ બેસવા જતા હોઇ જેથી ત્યાં બેસવા માટે ગયા હતા. જ્યાં બંનેએ ગાંજા વાળી સિગારેટ પીધી હતી અને પાર્થ કામધંધા બાબતે ચિરાગને ઠપકો આપવા લાગ્યો હતો. એટલે ચિરાગ અગાઉથી મનમાં દાઝ રાખીને બેઠો જ હતો. એમા પાર્થ ઠપકો આપવા લાગ્યો હતો. એવામાં આ તકનો લાભ લઇ તેણે પાર્થ ઠાકોરને કેનાલમાં ધક્કો મારી દીધો હતો. જેથી તે નર્મદા કેનાલના પાણીમાં પડી ગયો. ત્યારબાદ તે એક્ટિવા લઇ તેના ઘરે આવી ગયો હતો.
ત્યારબાદ આ ગાડીમાં મરણ જનાર પાર્થ ઠાકોર સાથે પોતે પણ બેઠેલ હતો જેથી ગાડીમાં તેની ફીંગરપ્રિન્ટ આવે નહી અને પોતાનું નામ ન આવે તે માટે આ ગાડીને સળગાવી મુકવાનું નક્કી કરી રાત્રી દરમિયાન ઉપરોકત સ્વિફટ ગાડી જે જગ્યાએ પાર્ક કરેલી હતી, ત્યાં પેટ્રોલ લઇને ગયો અને આ ગાડી ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઇ પોતાના ઘરે પરત જતો રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.