તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર ઝડપાયો:મંદિરમાં 500 વર્ષના તપસ્વી સાધુના દર્શન કરાવવાના બહાને સોનાના દાગીના સેરવી લેતો દહેગામનો મદારી ઝડપાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના 16 શહેરોમાં વાતોની માયાજાળ રચી અનેક લોકોના દાગીના ચોરી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું

ગાંધીનગર સહિત ગુજરાતનાં 16 જેટલા શહેરમાં જઈ એકલ દોકલ વ્યક્તિઓને મંદિરમાં 500 વર્ષ જુના સાધુ બેઠા હોવાનું કહી દર્શન કરાવી આપવાની વાતોમાં ભોળવીને સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરનાર દહેગામના મદારીને પોલીસે પૂર્વ બાતમીના આધારે આબાદ ઝડપી લઈ સંખ્યા બંધ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

મદારી સોનાના દાગીના વેચવા માટે ફરી રહ્યો હતો

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લૂંટ, ચોરી તેમજ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી દેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. જેનાં પગલે દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. કે રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના સબ ઇન્સ્પેકટર પી.જે. સોલંકી, ડી.ડી.રાઠોડ વિગેરે દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન જમાદાર નીકુલકુમાર તેમજ અવિનાશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે દહેગામ પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા દહેજ પ્રતિબંધિત ધારા હેઠળના ગુનાનો આરોપી બનાનાથ ઉર્ફે વનરાજ કંચનનાથ મદારી (રહે મદારી નગર, ગણેશપૂરા, દહેગામ) સોનાના દાગીના વેચવા માટે ફરી રહ્યો છે.

સોનાની ચેઇન મળી કુલ રૂ. 91 હજારનો મુદ્દામાલ જપ્ત

જેનાં પગલે પોલીસ કાફલો હરસોલ ચોકડી ધસી ગયો હતો અને બનાનાથ મદારીને આબાદ રીતે ઝડપી લીધો હતો. પોલીસે તેની અંગ ઝડતી કરતા સોનાના દાગીના મળી આવ્યા હતા. જેની પાસે દાગીના અંગેના આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. આથી તેની કડકાઈથી પૂછપરછ કરતાં ત્રણ દાગીના દહેગામના સોનીને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે સોની પાસેથી સોનાની બે વીંટી અને સોનાની ચેઇન મળી કુલ રૂ. 91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બનાનાથનો મૂળ ધંધો મદારીનો છે

આ અંગે દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. કે રાઠોડે જણાવ્યું હતું કે, બનાનાથનો મૂળ ધંધો મદારીનો છે. જેનાં વિરુદ્ધ દહેગામમાં દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધાયો છે. તેમજ રાજપીપળા પોલીસ મથકમાં પણ આઇપીસી કલમ 328, 379 હેઠળ ગુનો દાખલ થયેલો છે. જેની કડકાઈથી પૂછતાછ કરતાં વીસ દિવસ અગાઉ ગોધરા ખાતેથી બે સોનાની વીંટી તેના સાગરિત અરજણ સાથે મળીને ચોરી કરી હોવા ઉપરાંત પાલનપુર, છાલા, મહીસાગર, હિંમતનગર, સુરત, ડીસા, વિરમગામ, સુરેન્દ્રનગર, દાતા અંબાજી, ઈડર પાટણ, ભરૂચ તેમજ કડી વિસ્તારોમાં પણ એકલ દોકલ વ્યક્તિઓને પાસેથી સોનાની વીંટી તેમજ સોનાના દોરા ચોરી લીધા હોવાનું ખુલવા પામ્યું છે.

મોડસ ઓપરેન્ડીથી સંખ્યા બંધ ચોરીઓ કરી

વધુમાં ઇન્સ્પેકટર રાઠોડે જણાવ્યું હતું જે બનાનાથ તેના સાગરિતો સાથે મળીને નિર્જન વિસ્તારના મંદિરોએ જતાં હતાં. જેમાથી એક ઈસમ મંદિરમાં તપસ્વી સાધુનો વેશ ધારણ કરીને બેસી જતો હતો. જ્યારે અન્ય સાગરિતો એકલ દોકલ વ્યક્તિઓને અટકાવીને મંદિરમાં 500 વર્ષની ઉંમરના તપસ્વી સાધુ બેઠા હોવાનો વિશ્વાસ અપાવી દર્શન કરાવી આપવાની લાલચ આપતા હતા. બાદમાં જે તે વ્યક્તિનું ધ્યાન બીજે ભટકાવી સોનાના દાગીના ચોરી લેતા હતા. જો કે મોટા ભાગના લોકોએ ફરિયાદ દાખલ કરાવી નથી. પરંતુ આરોપી બનાનાથ ની પૂછપરછમાં તેણે ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીથી સંખ્યા બંધ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં રાજપીપળા પોલીસ તેને ટ્રાન્સ્ફર વોરંટના આધારે તપાસ અર્થે લઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...