વિવાદ:ઇટાલિયા મુદ્દે કાચું કપાયું? દિલ્હી પોલીસ લઈ ગયા બાદ છોડી મૂક્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આયોગ સમક્ષ જવાબ આપવા ગયા અને અટકાયત થઈ
  • કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢાનો ‘ભાજપ ડરી ગઈ’ તેવો આક્ષેપ

એક જૂના વીડિયો મુદ્દે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ જવાબ લખાવવા ગયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પોલીસ ઉઠાવી ગઈ હતી. જો કે, એ પછી પોલીસે આશ્ચર્યજનક રીતે થોડા જ કલાકોમાં ઇટાલિયાનો જવાબ લેવાઈ ગયો છે તેમ કહી તેમને મુક્ત કર્યા હતા.

મહિલા આયોગે ઇટાલિયા તપાસમાં સહયોગ આપી રહ્યા નથી તેમ જણાવી પોલીસ બોલાવી હતી. આ તરફ દિલ્હીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મહિલા આયોગની કચેરીનો ઘેરાવ કરતાં આ મામલે રાજકીય ગરમાવો આવ્યો હતો. ઇટાલિયાની અટકાયત બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને મુક્ત કરવાની માંગણી સાથેના મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજકોટ આવેલા આપના ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ભાજપ આપથી ડરી ગઈ તેવો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જૂના વીડિયો બહાર લાવીને ઇટાલિયાને હેરાન કરાય છે. તેમણે ખોટું કર્યું હોય તો ધરપકડ કરી શકાય.

હું સરદાર પટેલનો વંશજ છું : ઇટાલિયા
ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, મહિલા આયોગનાં અધ્યક્ષા મને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજું શું આપી શકે ? ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલોથી ડરતો નથી. મને જેલમાં નાખી દો. તેમણે પોલીસ બોલાવી લીધી છે. મને ધમકાવી પણ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...