ટિકિટ કપાય:અમદાવાદમાં કપાયા અને સુરતમાં સચવાયા, કેમ?

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક કાર્યકરે કહ્યું: સુરત કોર્પોરેશનમાં પછડાટ બાદ પાર્ટી ચાન્સ લેવા નથી માગતી

ગાંધીનગર સ્થિત ભાજપનું મુખ્યાલય કમલમ. વર્ષોથી સત્તા અને શક્તિનું કેન્દ્ર. બે દિવસ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ હવે આ જગ્યા જુદા કારણોસર ચર્ચાનું કેન્દ્ર બની છે. કમલમમાં પાર્ટીના સિનિયર નેતાઓની ટિકિટ કપાયા વિશે કે મંત્રીઓની ટિકિટ કપાવા અંગે કોઈ ચર્ચા નથી. પણ અમદાવાદના 10 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ એની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

સુરતમાં એવું તે શું હતું કે માત્ર એક જ ટિકિટ કપાઈ?
ભાજપના કાર્યકર્તા, પદાધિકારીઓમાં મોટેભાગે એક જ સવાલ થઈ રહ્યો છો કે આખરે એવું તે શું થયું કે આખું ઘર બદલાઈ ગયું? અહીં બધાની ટિકિટ કાપી પણ સુરતમાં એવું તે શું હતું કે માત્ર એક જ ટિકિટ કપાઈ? પાછું, આ સવાલનો જવાબ શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર પડી નહીં. એક-બે વરિષ્ઠ કાર્યકર્તાએ બચાવ કરતા કહ્યું કે, સુરતમાં ડર હતો.

જેમની ટિકિટ કપાઈ છે એમનો રિપોર્ટ સરવેમાં નેગેટીવ ​​​​​​​
કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બેઠકો જીતી લેતા એવી બીક હતી કે ટિકિટ કાપીશું તો ક્યાંક ખરાબ પરિણામ આવે નહીં. સાથે જ જ્ઞાતિઓની નારાજગી વેઠવી પણ પોષાય એમ નથી. એટલે ત્યાંની ટિકિટ રિપીટ કરવામાં આવી. અમદાવાદ તો આપણું ઘર છે. કોઈને પણ મેદાનમાં ઉતારીશું તો વડાપ્રધાનના નામથી જ જીતી જશે. જેમની ટિકિટ કપાઈ છે એમનો રિપોર્ટ સરવેમાં નેગેટીવ હતો.

ટિકિટનો સમય આવ્યો તો સીધો બહારનો રસ્તો બતાવી દેવાયો
​​​​​​​
ઘણા ધારાસભ્યોથી લોકો ખુશ નહોતા. ઘણા પર પૈસા બનાવવાનો રિપોર્ટ હતો. એમના વિશે પાર્ટીના ઉચ્ચ સ્તરેથી લઈને વડાપ્રધાન સુધી સૌને ખબર હતી. પાર્ટીનું ‘ખુફિયા’ તંત્ર પરદા પાછળની બધી જ વાતો પહોંચાડી દે છે. એમની દખલના કારણે જ ટિકિટ કપાઈ છે. લોકશાહી છે એટલે એમને મોંઢા પર તો કહી શકાય એમ નહોતું કે જમીની સ્તરે તમારો રિપોર્ટ ખરાબ છે. હવે જ્યારે ટિકિટનો સમય આવ્યો તો સીધો બહારનો રસ્તો બતાવી દેવાયો.

ક્યાંક ધમકાવ્યા તો નથીને?
કમલમમાં માતરના ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ એક દિવસ પહેલા જ આપમાં સામેલ થયા બાદ બીજા દિવસે ભાજપમાં પરત ફર્યા એની પણ ઘણી ચર્ચા હતી. અગાઉથી વિવાદીત રહેલા આ ધારાસભ્યને 38 કલાકમાં પાર્ટી બદલવાની ચર્ચા હાઇવૉલ્ટેજ જેવી હતી. રાજીનામુ આપ્યા બાદ તેઓ આપમાં સામેલ થયા હતા. આ ચર્ચા હજુ ચાલતી હતી ત્યાં તેઓ ભાજપમાં પાછા આવી ગયા. આ ચર્ચા ચાલતી હતી ત્યાં બાજુમાં ઉભેલો એક કાર્યકર્તા તુરંત બોલ્યો, અરે એક જ દિવસમાં તેઓ પાર્ટીમાં પાછા કેવી રીતે આવી ગયા? ત્યાં ઉભેલા એક વડીલ કાર્યકર્તાએ કહ્યું, અરે એમને ધમકાવ્યા હશે એટલે પાછું આવવું પડ્યું. જેમણે એમને ટિકિટ આપી હતી એમણે જ પાછા ફરવા માટે કહ્યું હશે.

પ્રચાર સામગ્રીની દુકાન પર મંદી
કમલમના મુખ્ય ગેટની બહાર ભાજપની ચૂંટણી સામગ્રીની દુકાન લાગી છે. અહીં ખેસ, ભગવા ટોપીથી લઈને બિલ્લા, મોદીના કટઆઉટ તથા પોસ્ટર્સ સજાવવામાં આવ્યા છે. દુકાન પર કોઈ ગ્રાહક આવી રહ્યા નથી. વેપારીને પૂછ્યું કે દિવસમાં આશરે કેટલું વેચાણ થાય છે? તો જવાબ મળ્યો કે હમણાં તો મંદી છે. આવનારા દિવસમાં વેચાણ વધશે એવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...