માવઠાંથી કિસાનો ચિંતિત:પાક અને યાર્ડમાં અનાજને નુકસાન, અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હજુ 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે: હવામાન વિભાગ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં માવઠાથી વાવણી અને કાપણી પાકોને નુકસાન થાય તેવી કિસાનોમાં દહેશત છે. હાલ ખેતરમાં મગફળી, ડાંગર સહિતના પાક સુકવવા રાખ્યા છે. જ્યારે બીજી તરફ વરિયાળી, રાઇ, મકાઇ, ઘઉં, બટાટા સહિતના પાકોની વાવણી કરાઈ છે. ત્યારે માવઠું થતાં વાવેતર ફેલ જવાની દહેશત ખેડૂતોને સતાવી રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે અને છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

માવઠાથી ખેતરમાં રહેલા કાપણી કરેલા પાકને નુકસાનની શક્યતા વ્યક્ત કરી છે. માવઠાને પગલે ઠંડીનું જોર વધતા નગરનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 4.5 ડીગ્રીનો તફાવત રહ્યો હતો. તેમાં નગરનું મહત્તમ તાપમાન 26.0 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 21.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 54 ટકા અને સાંજે 88 ટકા રહ્યું હતું. ઉપરાંત નગરમાં વરસાદ 1.0 મીમી પડ્યો હોવાનું જાણવા મળે છે.

ભારે વરસાદ પડે તો જ નુકસાન થાય : ખેતીવાડી અધિકારી
રવી સીઝનનું વાવેતર થઇ ગયું છે. પરંતુ છુટા છવાયા કે હળવા વરસાદથી નુકસાન થાય નહી. જો પાંચ ઇંચથી વધુ ભારે વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાઇ રહે તો જ કાપણી કરેલા અને વાવણી કરેલા પાકને નુકશાન થાય. - ડી.પી.જાદવ, માવઠા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી

વાદળછાયા હવામાનથી નગર હિલસ્ટેશન બન્યું
વરસાદની આગાહીથી આકાશ વાદળોથી ઢંકાઇ ગયું છે. સવારે ભૂમિપૂજન કરે તેવો વરસાદ પડતા જ નગરનું વાતાવરણ હિલસ્ટેશન જેવું બની ગયું હતું. વરસાદ પડતા જ ઠંડીમાં વધારો થયો હતો.

માવઠાંના કારણે ખેડૂતોએ કાળજી રાખવી
માવઠાના કારણે હાલમાં ખેડૂતોએ ખાતર નાંખવું નહી, જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહી અને પિયત આપવું નહી. ઉપરાંત ઘાસચારો, ઉત્પાદિત થયેલો પાક અને કઠોળ સહિત જણસ ખુલ્લા ખેતરમાં પડ્યો હોય તો સલામત સ્થળે ખસેડી દેવો જોઇએ.

દહેગામ પંથકમાં પણ વરસાદ

દહેગામ ઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મોસમે તેના મિજાજમાં કરવટ લીધી હતી જેથી ગુરુવારે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ દહેગામ શહેર સહિત તાલુકામાં માવઠુ થતા ચોમાસુ પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા હતા.દહેગામ પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થતાં મગફળી, વરિયાળી અને કપાસના પાકને નુકસાન પહોંચવાની દહેશતથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું દહેગામમાં કમોસમી માવઠાને કારણે કારતક મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો.તેના કારણે અલગ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...