માંગ:ધોરણ 1થી 8માં ઓનલાઇન, 9થી 12 માટે નવી માર્ગદર્શિકા બનાવો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા વાલી મંડળની માંગ

વિદ્યાર્થીઓ સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ બંધ કરવું જોઇએ. જ્યારે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ માટે નવી ગાઇડ લાઇન જાહેર કરીને પાલનની ખાસ વ્યવસ્થા ઉભી કરવાની માંગણી ગુજરાત વાલી એકતા મંડળે શિક્ષણમંત્રીને રજુઆત કરી છે. હાલમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે તેવી પરિસ્થિતિમાં પણ ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તો વાલીઓ માટે વિકટ પરિસ્થિતિ સર્જાઇ શકશે તેવી શક્યતા છે. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થાય અને પરિસ્થિતિ બેકાબુ બની જાય નહી તે માટે ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણને બંધ કરી ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી વાલીઓમાં ઉઠી રહી છે.

ધોરણ-9થી 12માં પણ ઓફલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થાય નહી તેમજ તેઓનું આરોગ્ય જળવાય તે માટે સમીક્ષા કરાય તેવી વાલીઓની માંગણી છે. ઉપરાંત ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓના ઓફલાઇન શિક્ષણ માટે નવી ગાઇડ લાઇન જાહેરા કરીને તેનું શાળાઓમાં ચોક્સાઇથી પાલન કરાવવા ખાસ વ્યવસ્થા ઉભી કરવા માંગણી કરાઈ છે.

ઉપરાંત ધોરણ-9થી 12 માટે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખીને ઓફલાઇન કે ઓનલાઇન શિક્ષણ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને નક્કી કરવા દેવાની માંગણી સાથે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.

બાયોમેટ્રિક હાજરી બંધ કરવા શિક્ષક સંઘની માગણી
કોરોનાના વધતા જતા કેસને પગલે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બાયોમેટ્રીક હાજરી બંધ કરવાની માંગણી ઉઠી છે. શાળાઓમાં ઓનલાઇન અને બાયોમેટ્રીક હાજરી પુરવાથી સંક્રમિત થવાની શક્યતા રહેલી છે. આથી કોરોનાના કેસને જોતા રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રીક હાજરી બંધ કરવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...