31ની ઉમરે કેસ, 56ની વયે ચુકાદો:કોન્ટ્રાક્ટરને બાકી લેણા નહીં ચુકવનાર દહેગામ પાલિકાને કોર્ટનો આદેશ, ચુકવણી નહીં કરી તો મિલકત જપ્ત થશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1996માં કોન્ટ્રાક્ટરે 78 હજારનાં બિલ માટે કેસ કર્યો હતો, 25 વર્ષ કેસ ચાલ્યો, બે વકીલોનાં મૃત્યુ પણ થઈ ગયાં

દહેગામ નગરપાલિકા દ્વારા 1996ના એક કામ માટે કોન્ટ્રાક્ટરને પૈસા ન ચૂકવાતા સમગ્ર મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં કોર્ટે પાલિકાને પૈસા ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે પૈસા ન ચૂકવાતા કોન્ટ્રાક્ટર કોર્ટના માણસો સાથે મિલકત જપ્તી માટે પહોંચ્યા હતા. જેમાં પાલિકા દ્વારા સમયની માંગણી કરતાં સમય અપાયો છે.

આ કેસમાં કોન્ટ્રાક્ટર દ્વારા 31 વર્ષની ઉંમરે 78 હજારનાં બિલ માટે શરૂ કરેલી લડતમાં 25 વર્ષે તેમને ન્યાય મળ્યો હતો, જેમાં કોર્ટે વ્યાજ સહિત 1.87 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. 31 વર્ષ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરેલી લડતમાં હાલ તેઓ 56 વર્ષના થઈ ગયા છે. લડત દરમિયાન તેઓને અંદાજે દોઢ લાખ જેટલો ખર્ચ થઈ ગયો છે અને તેઓએ રોકેલા બે વકીલોનો પણ અવસાન થઈ ચૂક્યા હતા.

ઘટનાની વિગતો પ્રમાણે વિજાપુર તાલુકાના રણાસણ ખાતે રહેતાં નવીનભાઈ પટેલે 1996માં દહેગામ નગરપાલિકા માટે કામ કર્યું હતું. રોડની કામગીરીના 78 હજાર જેટલું બિલ પાલિકા દ્વારા તેઓને ચૂકવાયું ન હતું. જેને પગલે તેઓએ આ મુદ્દે અનેક રજૂઆતો બાદ સમગ્ર મુદ્દે હાઈકોર્ટ, ગાંધીનગર કોર્ટ અને દહેગામ કોર્ટમાં લડત આપી હતી. જેમાં દહેગામ કોર્ટે નગરપાલિકાને કોન્ટ્રાક્ટરને વ્યાજ સહિત 1.87 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. જેમાં પાલિકા દ્વારા એક મહિનાની અંદર બિલ ચુકવણી કરવામાં ન આવે તો મિલકત જપ્તીનો હુકમ કર્યો હતો. જે અન્વય એક માસની મુદત પૂર્ણ થતાં શુક્રવારે કોન્ટ્રાક્ટર તેમજ કોર્ટના માણસો મિલકત જપ્તી માટે નગરપાલિકા પહોંચ્યા હતા. નગરપાલિકા દ્વારા વધુ મુદત માંગવામાં આવતા હાલ પુરતી મિલકત જપ્તીની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટર નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા 25 વર્ષથી પાલિકા, કોર્ટ સહિતના જે ધક્કા ખાઉ છે તેનો પરેશાની અકલ્પનિય હતી. જોકે મારે કોઈપણ ભોગે ન્યાય જોઈતો હતો. મારી લડતમાં મે હાઈકોર્ટ, ગાંધીનગર કોર્ટ, દહેગામ કોર્ટે અસંખ્ય ધક્કા ખાધા છે. દોઢ લાખ જેટલો ખર્ચ થઈ ગયો છે, મુદ્દતો દરમિયાન બે વકીલનું પણ અવસાન થઈ ગયું હતું. આ ત્રીજા વકીલના સહારે હું કોર્ટમાં કેસ જીત્યો છું.’

ચુકાદા બાદ નગરપાલિકાએ કહ્યું, સમય મળ્યો છે પાલિકાની બેઠકમાં નિર્ણય લેવાશે
1997ની આ મેટર છે, જે બાદ પાલિકાની અનેક બોડી બદલાઈ છે. કોન્ટ્રાકટરનું બાંધકામ અંગેનું બિલ બાકી છે તે અનુસંધાને કોર્ટે કરેલા આદેશ મુજબ મિલકત જપ્તી માટે આવેલા કોન્ટ્રાક્ટર અને કોર્ટના માણસો પાસે બિલ ચુકવણી અંગે વધુ એક માસની મુદત માગવામાં આવતા તેઓએ માન્ય રાખી હતી. આગામી સમયમાં પાલિકાની બેઠકમાં આ અંગે ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે.’ > ભદ્રેશ પટેલ, દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...