તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020@ કોર્ટના કડક ચુકાદા:3 વર્ષની બાળકી પર દુષ્કર્મના પિશાચીઓને મરે નહીં ત્યાં સુધી જેલની સજા, ધોળકાની ચૂંટણી રદ કરવાનો આદેશ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2020માં કોર્ટ દ્વારા સમાજમાં દાખલારૂપ ચુકાદા આપીને આરોપીઓને આકરી સજા ફટકારાઈ હતી. - Divya Bhaskar
વર્ષ 2020માં કોર્ટ દ્વારા સમાજમાં દાખલારૂપ ચુકાદા આપીને આરોપીઓને આકરી સજા ફટકારાઈ હતી.
  • દુષ્કર્મના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવી આવા બનાવો બનતા અટકાવવા દાખલારૂપ આકરી સજા ફટકારી
  • ગુજરાત હાઇકોર્ટે શિક્ષણમંત્રી અને ભાજપના કદાવર નેતાને પણ કાયદાનો પાઠ ભણાવતાં કડકાઈથી નિર્ણય લીધો

કોરોનાના કકળાટ અને ફફડાટ વચ્ચે વીતેલા 2020ના વર્ષમાં રાજ્યની કોર્ટ કચેરીઓએ પણ દાખલારૂપ ચુકાદા આપીને ન્યાયતંત્ર પરનો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. બાળકી પર આચરાતા દુષ્કર્મ જેવા જઘન્ય કેસમાં કોર્ટે કોઈપણ પ્રકારની દયા દાખવ્યા વગર સમાજમાં અન્ય કેસ ન બને એ માટે કડકમાં કડક સજા ફટકારીને આરોપીઓમાં ધાક બેસાડવા પ્રયત્ન કર્યા છે. એમાં સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારને જીવનના છેલ્લા શ્વાસ સુધી અને રાજકોટમાં 3 વર્ષની બાળકીને ચૂંથનાર આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બીજી તરફ, રાજકીય રીતે ભારે વગ ધરાવતા નેતાઓને પણ કાયદાનો પાઠ ભણાવાયો હોય એમ ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી દીધી હતી, સાથે જ સાવલી કોર્ટે રાજ્યમાં બીજી વાર દુષ્કર્મનો ભોગ બનેલી બે પીડિતાને વચગાળાનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

સુરતના આરોપીએ બાળકીને જ નહીં, તેના આત્માની હત્યા કર્યાનું કોર્ટે નોંધ્યું હતું.
સુરતના આરોપીએ બાળકીને જ નહીં, તેના આત્માની હત્યા કર્યાનું કોર્ટે નોંધ્યું હતું.

સુરતમાં દુષ્કર્મના આરોપીને જીવનપર્યંત જેલ (11 ડિસેમ્બર,2020)
ઓગસ્ટ 2018માં માનવતાને શર્મશાર કરતા સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ઘરની બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી જઈ 24 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કારખાનામાં કામ કરતા કર્મચારીએ માસૂમ બાળકીને અંધારામાં લઇ જઇને હવસનો શિકાર બનાવી હતી. પિતાએ નરાધમના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ચૌધરીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં ટાંક્યું હતું કે બનાવથી ભોગ બનનાર બાળાની બાકીની સામાન્ય જિંદગી પર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે છે તેવો ગુનો તો છે જ, પરંતુ વ્યક્તિના આત્માનું પણ મૃત્યુ થાય તેવો ગુનો છે.

રાજકોટમાં 3 વર્ષની બાળકીને ચૂંથનાર આરોપીનો બાર એસોસિયેશને પણ કેસ ન લડવા નિર્ણય કર્યો હતો.
રાજકોટમાં 3 વર્ષની બાળકીને ચૂંથનાર આરોપીનો બાર એસોસિયેશને પણ કેસ ન લડવા નિર્ણય કર્યો હતો.

રાજકોટમાં ત્રણ દાયકા પછી ફાંસીની સજા સંભળાવાઈ (18 માર્ચ, 2020)
રાજકોટમાં સ્પે.પોક્સો કોર્ટના એડિશનલ જજ ડી.ડી.ઠક્કરે 18 માર્ચ 2020ના રોજ ત્રણ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સજા સંભળાવી હતી. રાજકોટમાં 38 વર્ષ બાદ ત્રણ વર્ષની બાળકીને પીંખનારને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. બાર એસોસિયેશને આરોપીનો કેસ ન લડવા ઠરાવ પણ કર્યો હતો. દોષિત ઠરેલા પીપળિયા ગામના રમેશ બચુ વેદુકિયાએ ત્રણ વર્ષ પહેલાં ચુનારાવાડમાંથી પરપ્રાંતીય દંપતીની ત્રણ વર્ષની માસૂમ પુત્રીનું અપહરણ કરી એક જ કલાકમાં બે વાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવાવરૂં સ્થળે લઇ જઇ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. અદાલતે ફાંસીની સજાનો ચુકાદો આપ્યા પછી પણ આરોપી રમેશને કોઇ રંજ કે અફસોસ જોવા મળ્યો ન હતો.

ભાજપના દિગ્ગજ નેતાને હાઈકોર્ટનો ઝટકો (12 મે, 2020)
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે વિડિયો-કોન્ફરન્સિંગથી ચુકાદો આપ્યો હતો. મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. આ કારણોસર ચૂંટણી રદ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવવો જોઈએ એવી માગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ કરવાનો નિર્ણય ગેરકાયદે હોવાનો ચુકાદો આપ્યો હતો. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ થતાં ચૂડાસમાને વિજેતા જાહેર કરાયા હતા. ભૂપેન્દ્રસિંહ 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. ચુકાદો ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વિરુદ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી હતી.

કોર્ટે પીડિતાઓની આર્થિક સ્થિતિને જોતાં વચગાળાનું વળતર ચૂકવવા હુકમ કરતાં રાજ્યનો બીજો બનાવ બન્યો હતો.
કોર્ટે પીડિતાઓની આર્થિક સ્થિતિને જોતાં વચગાળાનું વળતર ચૂકવવા હુકમ કરતાં રાજ્યનો બીજો બનાવ બન્યો હતો.

સાવલી કોર્ટે કિશોરીઓની દયનીય હાલતની નોંધ લીધી(7 નવેમ્બર,2020)
પોસ્કો એક્ટ, 2012ની વિવિધ કલમો હેઠળ વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકમાં બે માસૂમ કિશોરીઓ પર બળાત્કારના ગંભીર જાતીય અત્યાચારની બે જુદી-જુદી ફરિયાદો નોંધાઇ હતી. તેની સુનાવણી દરમિયાન અદાલતે બંને બાળ/ કિશોરીઓની દયનીય હાલતની નોંધ લીધી હતી અને ગુજરાત સરકારની ગુજરાત વિક્ટિમ કોમ્પેન્શેસન સ્કીમ-2019 હેઠળ ભોગ બનનારી છોકરીઓને સત્વર નાણાકીય મદદ મળી શકે એ બાબત અદાલતે ધ્યાનમાં લઈને પહેલથી એટલે કે સુઓમોટો આ આદેશ કર્યો, જે આ ઘટનાનું વધુ એક જમા પાસું છે. સરકારી વકીલે પણ વિક્ટિમ કોમ્પેન્શેસનની યોજના હેઠળના આ આદેશનું સમર્થન કર્યું હતું, જેથી સ્કીમ હેઠળ 2 લાખ અને બીજી કિશોરીને 75 હજારનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે ગુજરાત રાજ્યની બીજી ઘટના હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો