હારજીતનો ફેંસલો:ગાંધીનગર મનપાના 11 વોર્ડની 5 કેંદ્રો પર મતગણતરી હાથ ધરાશે, 162 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતગણતરી પૂર્વે સ્ટાફને તાલીમ આપવામા આવી
  • 300 કર્મચારીઓ ગણતરી સમયે હાજર રહેશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી જંગની આવતીકાલે પાંચ કેન્દ્રો પર મતગણતરી યોજવામાં આવનાર છે. આ પાંચેય કેન્દ્રો પરથી મનપાનાં 11 વોર્ડના 44 બેઠકોનું પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. જે માટે ચૂંટણી તંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. ત્યારે આવતીકાલે 162 ઉમેદવારોનું ભાવિનો ફેંસલો થશે.

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણી જંગમાં આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હોવાથી ત્રિપાંખિયો જંગ બની ગયો છે. ગઈકાલે ત્રીજી ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા રાજકીય ડ્રામા વચ્ચે સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીનોને સેકટર - 15 ખાતેના સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયા હતા. ત્યારે આવતીકાલે પાંચમી ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો સંસદીય મત વિસ્તાર હોવાથી ગાંધીનગર મનપાનાં પરિણામો પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ગાંધીનગરના સેક્ટર 15માં જ 5 કેન્દ્ર પરથી મત ગણતરી શરૂ થશે.

કયા વોર્ડની ક્યાં મતગણતરી થશે? વોર્ડ નંબર 1 (સેક્ટર - 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જી ઈ બી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15 ની ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે. જેમાં 70 થી વધુનો સ્ટાફ રહેવાનો છે. જ્યારે વોર્ડ નંબર - 3(સેકટર - 24,27, 28) અને વોર્ડ નંબર - 4(સેકટર - 20, 29,જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપૂર/ શાહપુર ટીપી - 25) ની મતગણતરી સેકટર - 15 આઈઆઈટીઈ માં 48 EVM ની મતગણતરી કરાશે.

એજ રીતે વોર્ડ નંબર - 5(સેકટર - 9,10, 10A, 10B, 18,19, 20,21, 22,23, 29,30) અને વોર્ડ નંબર - 6(સેકટર - 11,12,13,14,15,16,17, ફતેપુરા, ગોકુળપૂરા, વાવોલનાં કુબેરનગર, તળાવ પાસેના છાપરા) માટે સેકટર - 15 કોમર્સ કોલેજ માં 47 EVM ની મત ગણતરી કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નંબર - 7(કોલવડા, વાવોલ) અને વોર્ડ નંબર - 8(સેકટર 4,5,વાસણા હડ મતિયા, સરગાસણ, પોર, અંબાપુરનાં તારાપુર-ઉવારસદ ટીપી વિસ્તાર) માટે 54 EVM ની મત ગણતરી સેકટર - 15 ની સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં યોજાશે. જ્યારે વોર્ડ નંબર - 9(સેકટર - 2,3,3ન્યુ, ઈન્ફોસિટી, કુડાસણ) અને વોર્ડ નંબર - 10 (સેકટર - 1,6,7,8, રાંદેસણ , રાયસણ, કોબા, કુડાસણ ધોળાકૂવા ટીપી - 6) તેમજ વોર્ડ નંબર - 11( ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, નભોઈ, ભાટ, કોટેશ્વર) માટે સેકટર - 15 સરકારી કોલેજમાં 93 EVM મશીનની મત ગણતરી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સવારે 8:30 કલાકે બેલેટ પેપર ચકાસ્યા બાદ સવારે 9:00 કલાકથી EVMની મતગણતરી હાથ ધરવામાં આવશે. જેના માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. આવતીકાલે 11 વોર્ડ ની 44 બેઠકો માટે 162 ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે. સમગ્ર મત ગણતરી દરમિયાન 300 જેટલો સ્ટાફ દ્વારા મત ગણતરી કરાશે. તેમજ કોઈ અનિચ્છય ઘટના નાં ઘટે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...