ઉત્તરાયણ પર્વ નિમિત્તે એસ ટી નિગમે બસના માર્ગ અકસ્માતો નિવારવા ડ્રાઇવર અને કંડક્ટરોને સૂચના આપી છે. તેમાં પતંગ લુંટવા માટે રોડ ઉપર દોડતા બાળકો અને યુવાનો બસની અડફેટે આવે નહી તે રીતે સાવચેતી પૂર્વક બસ હંકારવાનું માર્ગદર્શન આપવાનો રાજ્યભરના તમામ ડેપો મેનેજરને નિગમે આદેશ કર્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સલામતી સવારી બસ અમારી સ્લોગન થકી મુસાફરોને સલામતીનો ભરોસો આપવામાં આવી રહ્યો છે. ત્યારે સામાન્ય રીતે ઉત્તરાયણ પર્વમાં માર્ગ અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે. જ્યારે ચાલુ વર્ષે શુક્રવારે ઉત્તરાયણ અને શનિવારે વાસી ઉત્તરાયણ તેમજ રવિવારે જાહેર રજા હોવાથી ઉત્તરાયણનો પર્વ યુવાનો અને બાળકોમાં આકર્ષણ વિશેષ રહેશે.
ત્યારે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં દોડતી એસ ટી બસની અડફેટે રોડ ઉપર પતંગ માટે દોડતા યુવાનો અને બાળકો આવે નહી તેની તકેદારી રાખીને બસ ચલાવવાનો આદેશ એસ ટી નિગમે કર્યો છે. ઉપરાંત ચાર રસ્તા ઉપરથી બસ લઇને પસાર થતાં ખાસ તકેદારી રાખવાની પણ ડ્રાઇવર અને કંડક્ટરોને સુચના આપી છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દોડતી બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ ગામની અંદર પ્રવેશતા માર્ગ ઉપર કે ગામમાંથી પસાર થતી વખતે પણ સાચવીને બસ હંકારવાની રહેશે. ઉપરાંત સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અકસ્માત નિવારવાના પગલાં લેવાના રહેશે. વધુમાં કોવિડ-19 અંતર્ગત નિગમે આપેલી સુચનાઓનું ચુસ્ત પાલન કરવાનો પણ એસ ટી નિગમના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેને ધ્યાનમાં રાખીને જે તે ચાલકોએ અમલ કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.