આક્ષેપ:ગાંધીનગરમાં વિજીલન્સ કમિશ્નરનાં હુકમ પછી પણ મેયર ગ્રાંટનો હિસાબ આપવામાં કોર્પોરેશનનાં ઠાગાઠૈયા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મેયરની ગ્રાંટને પોતાની ગ્રાન્ટમાં ખપાવી કૌભાંડ આચર્યાનો આક્ષેપ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિજીલન્સ કમિશ્નરનાં હુકમની અવગણના કરીને મેયરને ફાળવેલી ગ્રાંટનાં નાણાં થકી વિકાસના કયા કયા કામો કરાયા તેનો હિસાબ આપવાનાં ઠાગાઠૈયા કરવામાં આવતા વધુ એક વખત વોર્ડ નંબર 6નાં પૂર્વ કાઉન્સિલર દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી સમગ્ર કૌભાંડમાં કોર્પોરેશનનાં અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો કથિત આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસના કામોની આડમાં મસમોટો ભ્રષ્ટાચાર કરાયો હોવાની અનેક રજૂઆતો ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કસૂરવાર સામે કોઈ કાર્યવાહી કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાંટનો ક્યાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરાયો તેની તપાસ પણ કરવામાં આવતી નથી. ત્યારે વોર્ડ નંબર 6નાં પૂર્વ કાઉન્સિલર પિંકી પટેલ દ્વારા કોર્પોરેશન તંત્ર દ્વારા વિગતો છુપાવીને પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

પૂર્વ કાઉન્સિલર પિંકી પટેલે જણાવ્યું હતું કે, મેયરને ફાળવેલ પ્રજાના ટેક્સના નાણાં માંથી વર્ષ 2018-19, 2019-20 તેમજ વર્ષ 2020-2021 દરમિયાન ફાળવવામાં આવેલી ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાઈ તેનાં માટે ત્રણ વખત અગાઉ પત્ર લખવામાં આવ્યા હતા, પરંતુ પૂરતી વિગતો નહીં મળતા વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી. જે અન્વયે વિજિલન્સ કમિશનર ધ્વારા પણ ગ્રાન્ટની વિગતો આપવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા જે વિગતો આપવામાં આવી છે તેમાં અમોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. થોડા વખત અગાઉ જ પૂર્વ મેયરના ગેરકાયદેસર બિલ્ડીંગનાં ભોંયરામાંથી જથ્થા બંધ ખુરશીઓ મળી આવી હતી. તેની વિગતો છુપાવવામાં આવી છે. જે ખુરશીઓ કોર્પોરેશન દ્વારા પૂર્વ મેયર રીટાબેન પટેલને ભેટમાં આવી છે કે નહીં તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પતંગ કૌભાંડ ખોટા જીએસટી બીલો સાથે કરવામાં આવ્યું હતું તેનો પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી વિગતોનો છેદ ઉડાવી દેવાયો છે. હમણાં જ મેયર ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટર પણ ખરીદવા આવ્યા હતા તેનો હિસાબ પણ રજૂ કરવામાં આવ્યો નથી કે ક્યાંય ઉક્ત ગ્રાન્ટ વિશે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

આ સિવાય અનાજ કીટનું વિતરણ કરાયું હતું જે ક્યાંથી ખરીદી ને ક્યાં ક્યાં આપવામાં આવી તેની પણ વિગતો આપવામાં આવતી નથી. મારે તો આફતને ખીસ્સા ભરવાનો અવસર ઉજવ્યો તેની વિગતો જોઈએ છે. વધુમાં ગેરકાયદેસર રીતે મંજૂર કરાયેલા પીકઅપ બસ સ્ટેન્ડનો જે હિસાબ આપવામાં આવ્યો છે. તેમાં પણ ધુપ્પલ ચલાવવામાં આવ્યું છે.

વર્ષ 2018-19 અને વર્ષ 2019 - 20માં પીકઅપ બસ સ્ટેન્ડનો ખર્ચ મેયરની ગ્રાન્ટમાંથી કરાયો હોય તો તે વખતે તો મેયર તરીકે પ્રવિણભાઈ પટેલ હતા નહીં કે રીટાબેન પટેલ. તેમ છતાં કોર્પોરેશનનાં અધિકારીઓએ બસ સ્ટેન્ડ પર રીટાબેન પટેલનું નામ લખવામાં આવ્યું છે. જેથી કોર્પોરેશન ચાલતા ઉક્ત ભ્રષ્ટાચારની તપાસ કરી ગાંધીનગરની પ્રજાને ન્યાય અપાવવા માટે મ્યુનિસિપલ કમિશ્નર ડો. ધવલ પટેલને પત્ર લખી રજૂઆત પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...