ગાંધીનગરમાં રખડતા ઢોરની સાથોસાથ કૂતરાંઓનો ત્રાસ પણ વધી રહ્યો છે. ગાંધીનગરના આંતરિક માર્ગો લગભગ દરેક ચોકમાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોવા છતાં કોર્પોરેશન તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. છેલ્લા પંદર દિવસમાં જ સેકટર - 7 વિસ્તારમાં રખડતાં કૂતરાએ છ લોકોને બચકા ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર કોર્પોરેશન તંત્ર દ્વારા કૂતરાની વધતી જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ મનપા તિજોરી ઉપર પાડવામાં આવી રહ્યો છે. તેમ છતાં ગાંધીનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી દિન પ્રતિદિન કૂતરાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ચૂક્યો છે. શહેરમાં જાહેર-આંતરિક માર્ગો સિવાય મોટાભાગના દરેક ચોક વિસ્તારમાં 8 થી 10 કૂતરા જોવા મળી રહ્યા છે.
એકસાથે મોટી સંખ્યામાં કૂતરાની વસ્તી વધી જવાથી નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરિસ્થિતિ એવી વિકટ બની છે કે વસાહતીઓને એક ચોકઠામાંથી બીજા ચોકઠામાંથી જવું પણ મુશ્કેલ બની ગયું છે. રખડતા કૂતરાં આખી રાત ભસ્યા કરે તેમજ નાગરિકોની પાછળ પડતાં હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. સેક્ટર - 2/સી વિસ્તારની જ વાત કરીએ તો અત્રેના વિસ્તારમાં 200થી વધુ કૂતરાની સંખ્યા થઈ ગઈ છે.
જ્યારે સેક્ટર - 7 માં પણ આજ સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 15 દિવસમાં આ વિસ્તારમાં છ લોકો રખડતાં કૂતરાનો શિકાર બની ચૂક્યા છે. અત્રેના વિસ્તારમાં રહેતાં રાજુભાઈ રાજગોર રસ્તેથી પસાર રહ્યા હતા ત્યારે કૂતરાંએ અચાનક આવીને બચકું ભરી લેતાં તેમને સિવિલમાં દોડવું પડયું હતું. કોર્પોરેશન તંત્ર દ્વારા અહીં કૂતરા પકડવાની દોડધામ કરવામાં પણ આવી હતી. જોકે, સ્થાનિક વસાહતીએ વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ પણ અહીં રહેતી વૃદ્ધ મહિલાને કૂતરાઓએ ઘેરી લઈ આખા શરીરે બચકા ભરી લેતાં વસાહતીઓ દોડી આવ્યા હતા. જેનાં કારણે મહિલાનો જીવ તો બચી ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.