કલોલમાં કોલેરા કૌંભાંડ:2021માં પાણીના 31.10 લાખના બીલો ચૂકવી કૌભાંડ આચરાયું, જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવા પોલીસ વડાને ફરિયાદ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ - 2021 માં કલોલ રેલ્વે પૂર્વમાં કોલેરા ફાટી નીકળતા પાણી પુરવઠો બંધ કરી દેવાયો હતો
  • તંત્રની તિજોરીને આર્થિક નુકસાન કરનાર જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવા ફરિયાદ
  • આરટીઆઈ મારફતે માહિતી માંગવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું

કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા રેલવે પૂર્વમાં ફાટી નીકળેલા કોલેરા દરમિયાન પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. જોકે, નગરપાલિકાએ બાઈક અને કાર જેવા વાહનોને પાણીના ટેન્કરો હોવાનું દર્શાવી રૂ. 31.10 લાખના બીલોનું ચુકવણું કર્યાનો આરટીઆઇમાં ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ મામલે તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં નહી આવતા આખરે સમગ્ર પ્રકરણ અંગે ફોજદારી ગુનો દાખલ કરવા માટે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી છે.

જુલાઈ-2021માં કોલેરા ફાટી નીકળ્યો હતો

કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં જુલાઈ-2021માં કોલેરા ફાટી નીકળતા કલેકટરે અત્રેના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા પાણી પુરવઠો બંધ કરીને પૂર્વ વિસ્તારમાં ટેન્કરો મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના ટેન્કરોની જગ્યાએ બાઈક, ફોર વ્હીલ ગાડી જેવા વાહનોને પાણીના ટેન્કરો દર્શાવીને રૂ. 31.10 લાખના બીલો ચૂકવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું RTO કચેરીમાં કરવામાં આવેલી આરટીઆઈમાં ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે.

વિસ્તારને ટેન્કર મારફતે પાણી અપાતું હતું

જિલ્લા કલેક્ટર દ્વારા જુલાઈ 2021માં રેલવે પૂર્વ વિસ્તારનાં બે કિલોમીટરના એરિયાને કોલેરા ગ્રસ્ત જાહેર કરીને કોલેરાને અંકુશમાં લેવા અસરકારક પગલાં લેવા તંત્રને આદેશો આપવામાં આવ્યાં હતાં. તો કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા અહીંના વિસ્તારમાં પાણીની પુરવઠો બંધ કરી દઈ ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચતું કરવામાં આવ્યું હતું. જે પાણીના બીલો પેટે 31.10 લાખનું ચુકવણું પણ કરી દેવાયું હતું.

બીજી તરફ આરટીઆઇ એક્ટિવીસ્ટ કાનજીભાઈ વાઘેલાએ કલોલ નગરપાલિકા તંત્ર પાસે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેનાં પગલે નગરપાલિકા તંત્રએ પાણી પુરવઠો પૂરો પાડવામાં માટે દોડાવવામાં આવેલા વાહનોના નંબરો સાથે પ્રત્યુત્તર આપ્યો હતો. ત્યારે એ વાહનોના નંબરની ખરાઈ કરવા ફરીવાર કાનજીભાઈ વાઘેલાએ આરટીઓ કચેરીમાં માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી.

જેનાં જવાબમાં બહાર આવ્યું હતું કે, કલોલ નગરપાલિકા તંત્રએ જે વાહનોને પાણીના ટેન્કરો દર્શાવીને બીલો ચૂકવી દીધા છે. એ વાસ્તવમાં બાઈક, કાર, ઈન્ડિકા, આઈસર વાહનોના નંબરો છે. આમ કલોલ નગરપાલિકા તંત્રએ કોલેરાનાં રોગ દરમિયાન પાણીના ટેન્કરોની જગ્યાએ અન્ય વાહનોને રૂ. 31.10 લાખનું ચુકવણું કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે આઇટીઆઈ એક્ટિવીસ્ટ કાનજીભાઈ વાઘેલાએ કલોલ નગરપાલિકા તંત્રની તિજોરીને લાખોનું આર્થીક પહોંચાડનાર જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરાઈ છે. ઉપરાંત આ સમગ્ર કૌભાંડની વિગતો પુરાવા સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી, રાજ્ય મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...