મહત્ત્વનાં મુહૂર્ત:લગ્નસરાની સિઝનમાં કોર્પોરેશન હસ્તકનાં રંગમંચો ફેબ્રુઆરી સુધી પૅક!

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે મહત્ત્વનાં મુહૂર્ત માટે અત્યારથી જ બુકિંગ થઈ ગયાં

ચાર્તુમાસના લાંબા વિરામ બાદ 15 નવેમ્બરથી લગ્નસરાની સિઝન શરૂ થઈ છે. લગભગ 4 મહિના બાદ જિલ્લામાં લગ્નની શરણાઈ ગૂંજી રહી છે. તુલસી વિવાહથી શરૂ થયેલા લગ્નગાળામાં નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 5 મળી કુલ 12 શુભ મુહૂર્ત છે. 400 લોકોની મર્યાદા સાથે શરૂ થયેલી લગ્નસરાની સિઝનમાં લોકો ઘરઆંગણે તેમજ પાર્ટી પ્લોટ-રંગમંચમાં લગ્નપ્રસંગ યોજવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનામાં મોકૂફ રહેલાં કેટલાંક લગ્નો પણ આ સિઝનમાં લેવાયાં છે, જેને પગલે ગાંધીનગર કોર્પોરેશન હસ્તકના રંગમંચો ફેબ્રુઆરી સુધી પૅક હોવાની સ્થિતિ છે.

જેમાં મનપામાં આવેલા રંગમંચો ફેબ્રુઆરી સુધી મહત્ત્વની તારીખો માટે અત્યારથી જ બુક થઈ ગયા છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ધનારક કમુરતાં તેમજ શુક્ર અને ગુરૂ ગ્રહની અસ્તની સ્થિતિમાં લગ્ન લઈ શકાતાં નથી. આ મુજબ 15 ડિસેમ્બર, 2021થી 14 જાન્યુ., 2022 સુધી કમુરતાં રહેશે. આ દરમિયાન 5થી 12 જાન્યુઆરી સુધી શુક્ર ગ્રહ અસ્તનો રહેશે જ્યારે 21 ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી ગુરૂ ગ્રહ પણ અસ્તનો થતો હોઈ આ સમયગાળામાં લગ્નની સિઝનને બ્રેક લાગશે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે કમુરતાંના દિવસોને બાદ કરતાં મહત્ત્વની તારીખોમાં રંગમંચ અને પાર્ટી પ્લોટ્સ બુક છે.

સે.-22નો રંગમંચ 40 દિવસ માટે બુક!
લગ્નસિઝનમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે મુહૂર્તના દિવસોમાં સેક્ટર-22નો રંગમંચ અત્યારથી જ 40 દિવસ માટે બુક થઈ ગયો છે. આ સમયગાળામાં સેક્ટર-16નો રંગમંચ 17 દિવસ, સેક્ટર-20નો રંગમંચ 7 દિવસ, સેક્ટર-28નો રંગમંચ 17 દિવસ, સેક્ટર-29નો રંગમંચ 22 દિવસ તથા સેક્ટર-30નો રંગમંચ 10 દિવસ માટે બૂક થઈ ગયા છે. કુડાસણમાં આવેલો મનપા હસ્તકનો પાર્ટી પ્લોટ પણ અત્યારથી જ 20 દિવસ માટે બુક થઈ ગયો છે.

ખાનગી પાર્ટી પ્લોટધારકોને આંશિક રાહત થશે
કોરોનાનાં 2 વર્ષના માહોલને પગલે ખાનગી પાર્ટી પ્લોટધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ત્યારે આ વર્ષે ધીરે ધીરે લગ્ન સિઝન શરૂ થતાં ખાનગી પ્લોટધારકોને રાહત થઈ છે. સામાન્ય રીતે ખાનગી પાર્ટી પ્લોટમાં જગ્યા, મંડપ ડેકોરેશન સહિતના સવા લાખથી માંડીને ઊંચી કિંમતોમાં પ્લાર્ટી પ્લોટ મળે છે. આ અંગે વાવોલમાં વિઠ્ઠલ પાર્ટી પ્લોટ ધરાવતા પૂર્વિન પટેલે કહ્યું હતું કે, ‘આ વર્ષે રૂટીન કરતાં થોડું સારું છે. એટલે બહુ ખાસ કોઈને આવક નહીં થાય પણ મેઇન્ટેનન્સ સહિતના ખર્ચા નીકળી જશે. 2 વર્ષથી ધંધો સાવ ઠપ હતો એટલે આ વખતે થોડી રાહત થઈ છે.’

રંગમંચનું ભાડું 17 હજાર અને ડિપૉઝિટ 10 હજાર
કોર્પોરેશન વિસ્તારમાં વર્ષો જૂના રંગમંચોનું નવીનીકરણ કરીને પાર્ટી પ્લોટ જેવા બનાવાયા છે. પ્રાઈવેટ પાર્ટી પ્લોટ્સના ઊંચાં ભાડાં સહિતની માથાકૂટો વચ્ચે કોર્પોરેશન 17 હજાર ભાડું અને 10 હજાર ડિપૉઝિટ લે છે, જેને પગલે નાગિરકો પહેલાં રંગમંચ માટે પ્રયત્ન કરે છે.

અન્ય સમાચારો પણ છે...