ઉનાળા વેકેશનમાં ફરવા ગયેલા લોકોને કારણે વેકેશન બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવવાની ચિંતા રાજ્યના આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે. ઉપરાંત રાજ્યભરના તમામ જિલ્લા આરોગ્ય તંત્રને એલર્ટ રહેવાની પણ સુચના આપી છે. જોકે જિલ્લામાં છેલ્લા બે માસમાં નોંધાયેલા કોરોનાના 128 કેસમાંથી અન્ય રાજ્યોમાંથી આવેલી વ્યક્તિઓ સંક્રમિત થઇ છે. ઉપરાંત અન્ય સંક્રમિત વ્યક્તિના સંપર્કથી કોરોનામાં સપડાયાના કેસ છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે લોકો ઘર મૂકીને ક્યાંય ફરવા ગયા નથી. તેમાં પ્રથમ ઉનાળું વેકેશન લોકડાઉનમાં ગયું હતું. જ્યારે બીજા ઉનાળા વેકેશનમાં કોરોનાની બીજી લહેરની ભયાનકતા જોવા મળી છે. ત્યારે હાલમાં કોરોનાનું સંક્રમણ મંદ પડ્યું હોવાથી લોકો ઉનાળા વેકેશનમાં પરિવાર સાથે અન્ય રાજ્યોના પ્રવાસન સ્થળોએ ફરવા નિકળી પડ્યા છે. જેને પરિણામે કોરોનાનું મંદ પડેલું સંક્રમણ પુન: સળવળે તેવી ચિંતા રાજ્યના આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે. જોકે દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત કોરોનાના કેસ વધવાની શક્યતા રહેલી હોવાથી રાજ્યના તમામ જિલ્લાઓના આરોગ્ય તંત્રને એલર્ટ રહેવા સુચના આપી છે. તેમાં દવાનો પુરતો સ્ટોક રાખવા તેમજ આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ વધારવા સહિતની જરૂરી સુચના અપાઈ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્ર ટેસ્ટિંગ વધારશે
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવું, સેનેટાઇઝર તેમજ સાબુથી હાથ ધોવાની અપીલ જિલ્લાવાસીઓને કરવામાં આવી છે. ઉપરાંત બહાર ફરવા ગયેલા લોકોએ કોરન્ટાઇન રહેવા અપીલ કરવામાં આવી છે.
મનાલી ટ્રેકિંગ કરવા ગયેલો સેક્ટર-28નો યુવાન કોરોનાથી સંક્રમિત થયો
જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. તેમાં મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ મનાલીમાં ટ્રેકિંગ કરવા ગયેલો સેક્ટર-28નો 29 વર્ષનો યુવાન ઘરે આવ્યા બાદ શરદી અને તાવની બિમારી થતાં ટેસ્ટ કરાવતા કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હોમ આઇસોલેશન સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ જિલ્લાના ચારેય તાલુકામાંથી એકપણ કેસ નોંધાયો નથી.તે રીતે જિલ્લાના તાલુકામાં તો હાલ ખાસ કોઈ ચિંતાજનક સ્થિતી જણાતી નથી.
2 માસમાં જિલ્લામાં નોંધાયેલા કેસ
બે માસમાં જિલ્લામાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. તેમાંથી મોટાભાગના કેસ અન્ય રાજ્યોમાંથી આવેલી વ્યક્તિઓના તેમજ તેઓના સંપર્કમાં આવતા થયા છે. તેમાં એપ્રિલમાં લો કોલેજ, આઇઆઇટી, પીડીપીયુ જ્યારે ગત મેમાં એનઆઇડીમાંથી નોંધાયેલા કેસ અન્ય રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ કે કર્મીઓના હતા.
બાળકો સંક્રમિત થાય નહી તેની તકેદારી રાખવા લોકોને અપીલ કરાઈ
રાજ્યના આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે હરવા ફરવા ગયેલી વ્યક્તિઓએ ઘરે આવ્યા બાદ એક સપ્તાહ સુધી ઘરમાં જ રહેવું. કોઇને હળવુ મળવું નહી. ઉપરાંત શરદી, ખાંસી કે તાવની બિમારી જણાય તો તાકિદે કોરોનાનો ટેસ્ટ કરાવીને નજીકના પ્રાથમિક કે સામુહિક તેમજ અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવો. વધુમાં નવું શૈક્ષણિક સત્રનો પણ આગામી 13મી જૂનથી પ્રારંભ થઇ રહ્યો હોવાથી બાળકો સંક્રમિત થાય નહી તેની ખાસ તકેદારી રાખવા માતા-પિતાને અપીલ કરી છે. રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો થયો હતો પણ હાલમાં વેકેશનના કારણે લોકો અન્ય રાજ્યમાં ફરવા ગયા બાદ પરત આવતા કેટલાંક લોકો કોરોનાથી સંક્રમિત થયાનું બહાર આવ્યુ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.