કોરોનાની ચોથી લહેર દસ્તક હોય તેમ કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેમાં ગુરૂવારે 1 વર્ષની બાળકી અને 9 વર્ષનો બાળક સહિત કુલ-19 વ્યક્તિ કોરોનામાં સપડાઈ છે. તેમાં પાટનગરમાંથી 11 અને ગાંધીનગર તથા કલોલ તાલુકામાંથી 8 કેસ નોંધાયા છે. જોકે ચાર દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક હોસ્પિટલાઇઝ અને બાકીના દર્દીઓ હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે.
આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આગામી સમયમાં કોરોનાના કેસ વધુ નોંધાય તેવી શક્યતા રહેલી છે. જોકે ચાલુ માસમાં છેલ્લા દસેક દિવસથી કોરોનાના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અન્ય રાજ્યો અને દેશમાં ફરવા ગયેલા પરત આવ્યાને દસેક દિવસ બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવવાની રાજ્યના આરોગ્ય વિભાગની આગાહી હાલમાં સાચી પડી રહી છે.
પરંતુ રાહતની બાબત એ છે કે કોરોનાથી સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર 0.01 ટકા જેટલી પડી રહી છે. પરંતુ હોમ આઇસોલેશન સારવારથી જ સાજા થઇ રહ્યા હોવાથી રાહતની બાબત છે. ઉપરાંત કોરોનાથી સંક્રમિતોમાંથી મોતનું પ્રમાણ નહીવત હોવાથી આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
મનપા વિસ્તારમાંથી નવા 11 લોકો સંક્રમિત
મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આઇઆઇટીના કર્મચારીના 77 વર્ષીય માતા અને 69 વર્ષીય પિતા સંક્રમિત થયા છે. જ્યારે આઇઆઇટીનો 32 વર્ષીય કર્મચારી અને તેની એક વર્ષની દિકરી કોરોનામાં સપડાઇ છે. ઉપરાંત ઇન્ફોસીટીના 53 વર્ષીય આધેડ, સેક્ટર-30નો 9 વર્ષનો વિદ્યાર્થી, સેક્ટર-7માંથી 35 વર્ષીય મહિલા, 67 વર્ષીય વૃદ્ધ, 61 વર્ષીય વૃદ્ધા કોરોનાગ્રસ્ત થયા છે. સેક્ટર-14નો 32 વર્ષીય યુવાન અને કુડાસણની 63 વર્ષીય વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી નવા આઠ કેસ
જિલ્લાના ગાંધીનગર તાલુકાના અદાણી શાંતિગ્રામમાંથી 58 વર્ષીય બે આધેડ, 56 વર્ષીય બે મહિલાઓ, અડાલજનો 42 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. કલોલ તાલુકાના વડસરની 24 વર્ષીય યુવતી, રાંચરડાની 60 વર્ષીય મહિલા અને નગરપાલિકા વિસ્તારમાં રહેતી 56 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે. જ્યારે કોરોનાના ચાર દર્દીઓ સાજા થયા છે.
જિલ્લામાં રોજના 1200 ટેસ્ટ કરાય છે
જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વેગ પકડતા આરોગ્ય કેન્દ્રોમાં આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ સઘન કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લાના ચારેય તાલુકામાં 800 ટેસ્ટ અને મનપા વિસ્તારમાં 400 ટેસ્ટ કરવામાં આવે છે. તેમાંથી કુલ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.