બારોબાર દવા લેનારાને ટ્રેસ કરાશે:શરદી-ખાંસી અને તાવની મેડિકલમાંથી દવા લેતા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાશે, મેડિકલ સ્ટોરને ડેટા રાખવા આદેશ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટોર્સધારકોને એડવાન્સ કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન પર રોજ ડેટા અપલોડ કરવા જણાવાયું
  • વહીવટી તંત્રને શંકાસ્પદ દર્દીઓનો ચોક્કસ આંકડો મળતો ન હોવાથી લેવાયું પગલું

કોરોનાની ત્રીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને પગલે તંત્ર એક્ટિવ થયું છે. રાજ્યમાં શરદી-ખાંસી અને તાવના દર્દીઓ બારોબાર મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ રહ્યા છે અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા નથી, જેને પગલે કલેક્ટર દ્વારા તમામ મેડિકલ સ્ટોરને આદેશ આપવામાં આવ્યો છે કે આ પ્રકારના દર્દીઓનો ડેટા એપ્લિકેશનમાં સ્ટોર કરવામાં આવે. આ ડેટાના આધારે દર્દીઓને ટ્રેસ કરવામાં આવશે અને તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે, જેથી કોરોના શંકાસ્પદ દર્દીઓને શોધી શકાય અને આ મહામારીના સંક્રમણને વધતું અટકાવી શકાય.

ડેટા અપલોડ નહીં કરે તો કાનૂની પગલાં પણ ભરવામાં આવશે
ગાંધીનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે મેડિકલ સ્ટોર્સમાંથી બારોબાર દવા લઈ લેતા કોવિડના શંકાસ્પદ દર્દીઓનો ડેટા એડવાન્સ કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન પર દરરોજ અપલોડ કરવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આદેશો આપ્યા છે, જેને માટે દરેક મેડિકલધારક એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજેરોજનો ડેટા અપલોડ નહીં કરે તો કાનૂની પગલાં પણ ભરવામાં આવશે.

શંકાસ્પદ દર્દીઓનો ચોક્કસ આંકડો મળતો ન હતો
ગાંધીનગરમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં વેઇટિંગ તેમજ સમયસર સારવાર નહીં મળવાને કારણે ઘણા શંકાસ્પદ દર્દીઓ બારોબાર મેડિકલ સ્ટોર્સમાંથી કોવિડની દવા ખરીદી લેતા હતા, જેને કારણે વહીવટી તંત્ર પાસે શંકાસ્પદ દર્દીઓનો ચોક્કસ આંકડો મળતો ન હતો. એને પગલે અગાઉ પણ મેડિકલ સ્ટોર્સધારકોને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ દવાની ખરીદી કરે તો ડેટા રાખવાની સૂચનાઓ અપાઈ હતી.

મેડિકલ સ્ટોર્સધારકોને આદેશો આપી દેવાયા
હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે કોઈ કચાશ રહી ન જાય એ માટે ફરીવાર મેડિકલ સ્ટોર્સધારકોને આદેશો આપી દેવાયા છે. એના માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં પણ ઘણા લોકો ટેસ્ટિંગની જગ્યાએ બારોબાર દવા ખરીદીને સારવાર મેળવી રહ્યા છે. એને પગલે આવા દર્દીઓનું સમયસર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરી સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરી શંકાસ્પદ દર્દીઓને સઘન સારવાર આપવા માટે મેડિકલ સ્ટોર્સને કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે.

ડેટા આરોગ્યતંત્રને મોકલી આપશે
જે ડેટા સંબંધિત આરોગ્ય કેન્દ્ર પણ જોઈ શકશે અને નામ નંબર અને સરનામાના આધારે આરોગ્યની ટીમ તરત એક્શન લઈને શંકાસ્પદ દર્દીને કોવિડ ટેસ્ટ કરી તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરાવી એ ડેટા આરોગ્યતંત્રને મોકલી આપશે. આ અંગે મેડિકલ સ્ટોર્સના હિરેનભાઈ મોદીએ જણાવ્યું હતું કે અમે જાહેરનામા મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જે કોઈ શંકાસ્પદ દર્દી એટલે કે શરદી ખાંસી તેમજ તાવની દવા લેવા આવે તેવા લોકોનાં નામ-સરનામા તેમજ ફોનનંબર પણ અપલોડ કરવા માટે રજિસ્ટર મેઈન્ટેન કરવાના છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલની સ્થિતિને જોતાં માસ્ક અને સેનિટાઈઝરનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરી લીધો છે. સરકાર જે પ્રકારે આદેશો જાહેર કરશે એ મુજબ અમે દવા વિતરણ કરવા માટે તૈયાર છીએ.

અન્ય સમાચારો પણ છે...