નવી સરકાર માટે 4 મોટા પડકાર:કોરોના, નાણાં, શિક્ષણ અને ખેતી પરસેવો પડાવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર મંત્રીમંડળમાં નવા એટલે કે પ્રથમવારના મંત્રીઓનો સમાવેશ કર્યો છે પરંતુ બિનઅનુભવી મંત્રી મંડળ માટે નાણાં, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ એ ચાર ક્ષેત્રમાં સૌથી મોટા પડકારો છે. નવા નિમાયેલા મંત્રીઓ પાસે વહીવટી અનુભવ નથી કે વિભાગનો પણ અનુભવ નથી. આ ચારેય ક્ષેત્રોમાં પ્રશ્નો ઘણા જૂના છે જેનો ઉકેલ શોધીને જનતા માટે સારી વ્યવસ્થાઓ ગોઠવીને પોતાની કુશળતા સાબિત કરવાની ચેલેન્જ શપથ લેતાની સાથે જ આ મંત્રીઓ પર આવી છે. સરકારની ફેરબદલથી નવી સરકાર પાસે લોકોની અપેક્ષા વધી છે અને તે અપેક્ષાઓને પાર પાડવાની જવાબદારી પણ નવા મંત્રીમંડળ ઉપર છે.

નાણાંઃ કોરોના અને લોકડાઉન બાદ ઘટતી આવકો વચ્ચે વધતા ખર્ચનો તાલમેળ સાધવો મુશ્કેલ
1ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમવાર મંત્રી બનેલા કનુ દેસાઇ પર રાજ્યની તિજોરીની ચાવી આવી છે. કોરોના કાળ અને લોકડાઉન બાદ સરકારની આવકો ઘટી છે, જીએસટીનો કેન્દ્ર તરફથી મળતો ફાળો અનિયમિત થયો છે જેની સામે કોરોનાને કારણે આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ ઉભી કરવા અને વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં ખર્ચ વધી રહ્યો છે. આવક અને ખર્ચનો તાલમેલ જાળવવો મુશ્કેલ બન્યો છે. ભાજપ સરકાર માટે ઓવરટ્રાફ્ટ ન લેવાની પ્રથા જાળવી રાખવી એ સરકાર માટે પડકાર છે.

આરોગ્યઃ કોરોનાની ત્રીજી લહેરની તૈયારીથી લઇ રસીકરણનો લક્ષ્યાંક પાર પાડવાનો પડકાર
2કોરોના મહામારી દરમિયાન આરોગ્યમંત્રીનું મહત્વ વધ્યું છે. નવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય તરીકે જૂના છે પણ મંત્રીપદ પ્રથમવાર મળ્યું છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે પણ નિષ્ણાતો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે. બીજી લહેરમાં રૂપાણી સરકારને ભારે બદનામીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ત્રીજી લહેરની આગોતરી વ્યવસ્થાનો ભાર હવે નવા આરોગ્યમંત્રી પર છે. આ જ રીતે સૌથી મોટી જવાબદારી રસીકરણનો લક્ષ્યાંક પાર પાડવાની છે. 100 ટકા રસીકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો પડકાર છે.

શિક્ષણઃ ઓનલાઇન- ઓફલાઇન વચ્ચે અથડાતી શિક્ષણ વ્યવસ્થાને લાઇન પર લાવવી પડશે
3શિક્ષણ વિભાગની જવાબદારી જીતુ વાઘાણીને સોંપી છે. વાઘાણી ધારાસભ્ય તરીકે સિનિયર છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે પરંતુ શિક્ષણ વિભાગના પડકારો પણ ઘણા વધારે છે. 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. સતત દોઢ વર્ષથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ઓનલાઇન- ઓફલાઇન વચ્ચે અથડાતી રહી છે. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી મોટો પડકાર છે. કોરોના કાળમાં પરીક્ષાઓનું આયોજન પણ મહત્વપૂર્ણ છે. શિક્ષકોના પ્રશ્નો, અનિયમિત ભરતી સહિતની જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવાની કુશળતા વાઘાણીએ બતાવવી પડશે.

કૃષિઃ જૂના પ્રશ્નો, અછત અને પૂરની સ્થિતિ વચ્ચે ખેડૂતોને ખુશ કરવાનો પડકાર
ખેડૂતોના પ્રશ્નો અંગે સતત સચિવાલયમાં રજૂઆત કરતા જોવા મળતા રાઘવજી પટેલ ઉપર હવે ખેડૂતોના હિતમાં કામ કરવાની મહત્વની જવાબદારી કૃષિ મંત્રી તરીકે આવી છે. જેમાં તેમણે પોતાની આવડત સાબિત કરવી પડશે. રાઘવજી ધારાસભ્ય તરીકે વર્ષો જૂના છે અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાઘવજી પટેલ માટે વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવાનો પડકાર છે. તૌકતે વાવાઝોડામાં અપૂરતી સહાય મુદ્દે હજુ પણ અસંતોષ છે, કોંગ્રેસ આ મુદ્દે આંદોલન ચલાવી ચૂકી છે. વરસાદ ખેંચાતા પાક ઉપર ખતરો, જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી પાકને નુકસાન સહિતના પ્રશ્નો તાજા છે. ખુદ ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ આંદોલન ચલાવી ચૂક્યું છે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાથી લઇને પાકની ટેકાના ભાવે ખરીદી સહિતની વ્યવસ્થાઓ ગોઠવવાનો મોટો પડકાર રાઘવજી સામે છે.

અન્ય સમાચારો પણ છે...