તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્વર્ડ યુનિવર્સિટીનો સરવે:સરકાર કહે છે કે, ‘આખા રાજ્યમાં કોરોનાથી 10,081 મોત’, હાર્વર્ડના નિષ્ણાતોએ કહ્યું, ‘5% વસતીમાં જ 16 હજારથી વધુ મોત’

ગાંધીનગરએક મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • હાર્વર્ડ યુનિ.ના નિષ્ણાતોએ 54 નગરપાલિકામાં વર્ષ દરમિયાન નોંધાયેલા મૃત્યુઆંકનો અભ્યાસ કર્યો
  • 54 નગરપાલિકામાં એપ્રિલમાં ગયા વર્ષના મુકાબલે 480 ટકા વધુ મોત નોંધાયા, જે વિશ્વભરમાં સૌથી વધુ છે
  • અગાઉના વર્ષો કરતાં નોંધાયેલા 16 હજારથી વધુ મોતમાંથી મોટાભાગના કોરોનાથી થયા હોવાની આશંકા
  • વર્ષ 2019માં દર મહિને મૃત્યુઆંક 2,500થી નીચો રહ્યો, 2020માં તે 4000થી ઉપર ન ગયો

હાર્વર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ તાજેતરમાં ગુજરાતમાં થયેલાં મૃત્યુના આંકડા અંગેનો એક અભ્યાસ અહેવાલ તૈયાર કર્યો તે પ્રમાણે એપ્રિલ 2021માં ગુજરાતની પાંચ ટકા વસ્તીમાં જ મૃત્યુનો આંકડો ધારણા કરતાં 480 ટકા વધારે રહ્યો હતો. ગુજરાતની અલગ-અલગ 54 નગરપાલિકાઓમાં નોંધાયેલાં મૃત્યુના આંકડાને લઇને હાથ ધરાયેલા આ અભ્યાસ પ્રમાણે આ વિસ્તારોમાં માર્ચ 2020થી લઇને એપ્રિલ 2021ના સમયગાળામાં મૃત્યુનો આંકડો ધારણા કરતાં 16,000 જેટલો વધુ રહ્યો છે. શુક્રવારે સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોનાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 10,081 મોત થયાં છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

આ સર્વેક્ષણમાં નિષ્ણાતોએ કહ્યું છે કે આટલાં મોટા પ્રમાણમાં થયેલાં મોતનો આંકડો એ પ્રતિપાદિત કરે છે કે મૃત્યુ કોરોનાને કારણે જ થયાં હોવાં જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન અન્ય કોઇ હોનારત કે રોગચાળો હતો નહીં. આ નિષ્ણાતોએ વર્ષ 2019, 2020 અને વર્ષ 2021ના દરેક મહિનામાં મૃત્યુના આંકડા નગરપાલિકાઓના મૃત્યુનોંધના રજિસ્ટરમાંથી મેળવ્યા છે. આ 54 નગરપાલિકાઓની કુલ વસતી ગુજરાતની કુલ વસતીના માત્ર 5 ટકા થાય છે અને તેમાં રાજ્યની મોટી મહાનગરપાલિકાઓનો સમાવેશ કરાયો નથી. આથી આ આંકડો કેટલો ઊંચો હોઈ શકે તે કલ્પના કરી શકાય તેમ છે. આ સંસ્થાએ તુલનાત્મક અહેવાલ રજૂ કરવા માટે 2019ના દરેક મહિનામાં થયેલાં મૃત્યુના આંકડાને બેઝ બનાવીને તેને આધારે 2020 તથા 2021ની સાલના દરેક મહિનાના મૃત્યુના કેસ સાથે સરખામણી કરી છે.

જાન્યુ.થી એપ્રિલ 2021માં 17,882 મૃત્યુ
આ સંસ્થાએ તૈયાર કરેલા અહેવાલમાં જે આલેખ દર્શાવાયાં છે તેમાં વર્ષ 2019ના દરેક મહિનામાં મૃત્યુનો આંક 2,500થી ક્યારેય વધ્યો ન હતો. જે 2020ના જૂન મહિના બાદ 2,500થી વધીને 4,000થી નીચે સુધી રહ્યો. જ્યારે જાન્યુઆરી 2021થી એપ્રિલ 2021 સુધીના સમયગાળામાં આ વિસ્તારોમાં 17,882 મૃત્યુ નોંધાયાં હતાં.

વિશ્વના કોઈ દેશ કે વિસ્તારમાં મૃત્યુના આંકમાં આટલો વધારો નોંધાયો નથી
આ વિસ્તારમાં 2019ના વર્ષના એપ્રિલ માસમાં થયેલાં મૃત્યુના આંકડાને બેઝ બનાવીને તેની ધારણા કરતાં 2021ના એપ્રિલમાં થયેલાં મૃત્યુનો આંકડો 480 ટકા એટલે કે પાંચ ગણો વધુ નોંધાયો છે. વિશ્વના દરેક દેશ અને વિસ્તારોમાં આ જ પદ્ધતિથી થયેલી ગણતરી પ્રમાણે ગુજરાતના આ વિસ્તારોમાં થયેલો મૃત્યુઆંકનો વધારો સૌથી વધુ છે. આ પદ્ધતિ પ્રમાણે એપ્રિલ 2020માં ઇક્વાડોરમાં 411 ટકા જ્યારે એપ્રિલ 2021માં પેરુમાં 345 ટકાનો વધારો થયો હતો.

54 નગરપાલિકામાં 44,568 મૃત્યુ પામ્યા
હાર્વર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા મૃત્યુઆંકનો અભ્યાસ કર્યા બાદ તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં નગરપાલિકાના ચોપડે થયેલાં મૃત્યુઆંક પ્રમાણે માર્ચ 2020થી લઈને એપ્રિલ 2021ના 13 મહિના દરમિયાન કુલ 44,568 લોકો મૃત્યુ પામ્યાં હોવાનું નોંધાયું છે. જે આગલાં વર્ષના જાન્યુઆરી-2019થી લઇને ફેબ્રુઆરી 2020ના 13 મહિનાના ગાળામાં થયેલાં મૃત્યુઆંક કરતાં 16,000 વધુ છે.જે આંકડો સમગ્ર રાજ્યના કોરોનાના મૃત્યુઆંકથી પણ વધુ છે.

મોતના આંકડાઓનું અંકગણિત
જાન્યુઆરીથી એપ્રિલ 2021માં થયેલાં કુલ મૃત્યુઆંક 17,882 રહ્યો, જે પાછલાં બે વર્ષોમાં આ જ મહિનાઓ દરમિયાન નોંધાયેલાં મૃત્યુઆંક કરતાં 102 ટકા જેટલો વધુ રહ્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ 2021ની સરખામણી પાછલાં બે વર્ષના આ જ ચાર મહિનાઓના સમયગાળા સાથે કરીએ તો 50થી 60 વર્ષની વયજૂથના લોકોમાં મૃત્યુનું પ્રમાણ 164 ટકા જેટલું વધ્યું હોવાનું આ અભ્યાસમાં નોંધાયું છે. જ્યારે 40થી 50 વર્ષની વયજૂથના લોકોમાં મૃત્યુનું પ્રમાણ 152 ટકા વધ્યું જે દોઢ ગણો વધારો સૂચવે છે. જ્યારે 10 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓમાં મૃત્યુનું પ્રમાણ 22 ટકા ઘટ્યું હતું. કુલ મૃત્યુઆંક પ્રમાણે મહિલાઓના મૃત્યુના પ્રમાણમાં 107 ટકાનો જ્યારે પુરુષોના મૃત્યુના પ્રમાણમાં 103 ટકાનો વધારો થયો છે.

આરોગ્ય સચિવે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
દિવ્ય ભાસ્કરે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ સમગ્ર અહેવાલ હાર્વર્ડના નિષ્ણાત સભ્યોના આધારે તૈયાર કર્યો છે.

કોણ અભ્યાસમાં જોડાયું હતું
1. હાર્વર્ડ ટીસી ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ
2. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ
3. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે