તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રસિદ્ધિમાં મગ્ન સરકારનો અનોખો કેફ:હજુ કોરોના ગયો નથી, બીજી વેવમાં હજારો મર્યા, ધંધા-રોજગાર ઠપ થયા છતાં રૂપાણી સરકાર 5 વર્ષની ભવ્ય ઉજવણીની તૈયારીમાં પડી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર
  • વિધાનસભા ચૂંટણી પહેલાં જ વ્યક્તિગત પ્રસિદ્ધિમાં માટે જિલ્લે-જિલ્લે ટોળાં ભેગાં કરી ઉજવણી કરાશે
  • 7 ઓગસ્ટે રૂપાણી સરકારનાં 5 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ઉજવણીના કાર્યક્રમો ઘડવા 5 મંત્રીઓની સમિતિની રચના પણ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જ કહ્યું હતું કે, કોરોના હજુ ગયો નથી અને ત્રીજી લહેરની ચેતવણી સામે છે ત્યારે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓ ભેગાં થતાં હોય તે યોગ્ય નથી. તેના બીજા જ દિવસે તેમના જ ગૃહરાજ્ય ગુજરાતની વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળના પૂર્ણ થવાની ઉજવણીમાં લોકોનાં ટોળેટોળાં ભેગાં કરવાનું આયોજન કરી દીધું છે. કોરોનાની બીજી લહેર હજુ શાંત થઈ નથી, રાજ્યમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, હોસ્પિટલમાં પથારીઓ મેળવવાથી લઈને સ્મશાનોમાં મૃતદેહો બાળવા માટે કતારો લાગી હતી, લોકો દવાઓ મેળવવા માટે કાળાં બજારમાં ઊંચા દામ ચૂકવવા તૈયાર હતા અને તેની વિપરીત અસરને કારણે આજે પણ વેપાર રોજગાર ઠપ થયેલા છે, તેમાં હવે સરકારને વિધાનસભા ચૂંટણી પહેલા પ્રસિદ્ધિ મેળવવાનું ચાનક ચડ્યું છે.

ગુજરાત સરકારની બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ થયો હતો અને તેમાં રાજ્ય સરકારના દરેક મંત્રી અને પદાધિકારીઓ જિલ્લે જિલ્લે જઈ લોકઉજવણીના માધ્યમથી સરકારનો પ્રચાર પ્રસાર કરે અને લોકોને ભેગાં કરી કાર્યક્રમો યોજવાનું નક્કી કરી દીધું છે. સરકારે કોરોનાની બીજી લહેરમાં વ્યવસ્થાનો અભાવ રાખ્યો, પણ હવે એ ઘા પર મલમ લગાડવા માટે યોજનાઓના લાભની વહેંચણી કરીને ચૂંટણી વખતે મત પાકા કરવાનો સ્વાર્થી અભિગમ અપનાવ્યો છે.

હમણાં અમદાવાદ સહિત રાજ્યમાં યોજાયેલી રથયાત્રામાં કોરોના પ્રસરે નહીં તે માટે જગન્નાથના રથ સીમિત વાહનો સાથે કલાકોમાં જ મંદિરે પાછાં લાવી દેવાયાં. ભક્તો દર્શન કરવા ન આવી જાય તે માટે તેમના ઘર આગળ તાળાબંધી કરી દેવાઈ હતી. જોકે આ ઉજવણીનો કાર્યક્રમ પહેલીથી 10 ઓગસ્ટ દરમિયાન એક સપ્તાહના સળંગ દિવસો દરમિયાન યોજાશે અને તેને કોઈ રૂડું રૂપાળું નામ અપાશે. કાર્યક્રમની રૂપરેખા માટે સરકારના પાંચ વરિષ્ઠ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, આર.સી.ફળદુ, ગણપતસિંહ વસાવા અને પ્રદીપસિંહ જાડેજાના સભ્યપદે એક સમિતિની રચના કરી છે. સરકારને ધારણા છે કે આ કાર્યક્રમને કારણે લોકોએ કોરોના સમયે ઝીલેલાં ઘા તેઓ ભૂલી જશે અને ચૂંટણીમાં ભરપૂર વોટ આપશે.

વિવિધ યોજના હેઠળ લાભનું વિતરણ કરાશે
સૂત્રોના જણાવ્યા મુજબ કાર્યક્રમોની રૂપરેખા ઘડવા માટે બનાવેલી સમિતિ કોરોના અંગેની કોર કમિટી દરમિયાન કાર્યક્રમ કેવા અને ક્યાં તથા કેટલી જનમેદની વચ્ચે યોજાવા તે નક્કી કરશે. હાલ કોરોનાને કારણે મુકાયેલાં નિયંત્રણને કારણે જાહેર કાર્યક્રમમાં કે અંત્યેષ્ઠીમાં પણ વધુ લોકો ભેગા થઈ શકતા નથી, પરંતુ હવે સરકાર પોતાના આ કાર્યક્રમમાં સામેલ થનારાની સંખ્યાની મર્યાદા હટાવી લેશે. આ કાર્યક્રમોમાં સરકારની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને તે લાભનું વિતરણ કરાશે, જેમાં હાલમાં જ સરકારે જાહેર કર્યા મુજબ કોરોનાકાળમાં અનાથ થયેલાં બાળકોને સહાયની રકમ ચૂકવાશે.

અન્ય સમાચારો પણ છે...