મહેંગાઈ માર ગઈ:કોરોના ઈફેક્ટ: ઉત્પાદન ઓછું થતાં પતંગના ભાવમાં 20 %નો વધારો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ પતંગ , દોરીની ખરીદીમાં તેજી . - Divya Bhaskar
ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ પતંગ , દોરીની ખરીદીમાં તેજી .
  • ઉત્તરાયણની આગલી રાતે ખરીદીમાં ભીડ જામી, વેપારીઓએ માલ ઓછા રાખતાં સ્ટોલ ખાલી થઈ ગયા
  • { શહેરના મોટાભાગના વેપારીઓએ નબળા વેચાણની અપેક્ષાએ સામાન્ય સ્ટોક કરતાં 60 ટકા જ માલ રાખ્યો હતો

ઉત્તરાયણના લઈને ગાંધીનગરના બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીનો મહોલ જોવા મળ્યો હતો. કારણ કે કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થયો હોય તેમ કેસ વધી રહ્યાં છે પરંતુ મોટાભાગના નાગરિકો પોતાના ધાબા પર પોતાના સગાઓ સાથે ઉત્તરાયણ ઉજવવામાં કોરોનાનો કોઈ ખતરો ન હોવાનું માને છે. પતંગ-દોરીનું ઉત્પાદન ઓછું થતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. માલની અછતના કારણે ભાવમાં 20 ટકાનો વધારો પણ થયો છે. વેપારી કિરીટભાઈ પટણીના જણાવ્યા અનુસાર જે એક કોડી પતંગની કિંમત ગત વર્ષે 100 હતી, તેની કિંમત આ વર્ષે 150 કે તેથી વધારે રહી છે.

તેવી જ રીતે હજાર વાર ફિરકીની કિંમત ગત વર્ષે 150 હતી તે હવે 200 રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે.’ એટલે ગત વર્ષે જે સાદા બે કોડી પતંગ અને હજારવાર ફીરકી મળીને 350 થતાં હતા તે ખર્ચો આ વર્ષે 500ની આસપાસ પહોંચી ગયો હતો. બજારમાં પતંગની સાઈઝ પ્રમાણે 90 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી પતંગ વેચાયા હતા. ફીરકીમાં પણ દોરીની ગુણવત્તાના તારના આધારે કિંમત વધી જાય છે.

ઉત્તરાયણ નિમિત્તે ખરીદીમાં કોરોનાની ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ થયો, નગરના સેક્ટર-21, 24 સહિતના બજારમાં નગરવાસીઓની ભીડ
ઉત્તરાયણની છેલ્લી ઘડીની ખરીદી કરવા નગરવાસીઓ ઉમટી પડતા બજારમાં કોવિડની ગાઇડ લાઇનના લીરે લીરા ઉડ્યા હતા. જોકે હાલમાં કોરોનાનું સંક્રમણ બેફામ ગતિએ વધી રહ્યું છે. ત્યારે લોકો જ તેનું પાલન કરવામાં ઉણા ઉતરતા આગામી સમય વધારે ખતરનાક બની રહેશે. આનંદ અને ઉલ્લાસનો પર્વ ઉત્તરાયણ આગામી દિવસમાં કોરોનાના ઘરે ઘરે ખાટલાની સ્થિતિ ઉભી કરે તેવી શક્યતા રહેલી છે.

કેમ કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બજારમાં પતંગ, દોરી, શેરડી, બોર, ચિક્કી, જામફળ, તેમજ શાકભાજીની ખરીદી માટે લોકો નિકળતા નગરના સેક્ટર-21, સેક્ટર-7 અને સેક્ટર-24ના માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ભીડને જોતા લોકોને કોરોનાના ડર કરતા ઉત્તરાયણ પર્વના આનંદની વધારે ચિંતા હોય તેમ લાગી રહ્યું છે. જોકે હાલમાં જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્રની સાથે લોકોની એટલી જ જવાબદારી છે.

{ શાકમાર્કેટમાં સામાજિક અંતર રહે તેટલી જગ્યા જ નથી સેક્ટર-21 શાકમાર્કેટમાં વેપારીઓ માટે ઓટલા બનાવાયા છે. જ્યારે ફ્રુટના વેપારીઓ માટે દુકાનો છે. પરંતુ વેપારીઓ દ્વારા ઓટલાની સાથે ખુલ્લી જગ્યામાં પણ ટેબલ ગોઠવાયા છે આથી લોકોને સામાજિક અંતર જાળવવું હોય તે જળવાય તેવી સ્થિતિ નથી.

ઉત્તરાયણના પર્વ નિમિત્તે શહેરનાં બજારો ભરચક
ઉત્તરાયણ પર્વમાં શેરડી, બોર, જામફળ અને ચિક્કી આરોગતા પતંગની મજા અબાલવૃદ્ધ માણતા હોય છે. બજારમાં શેરડી, બોર, ચિક્કી, જામફળ, પિપુડા, મુખોટા, ગોગલ્સ સહિતની ખરીદી કરતા લોકો નજરે પડી રહ્યા હતા સામાન્ય દિવસોમાં ખાલી લાગતું સેક્ટર-21નું બજાર નાના મોટા વેપારીઓ વેચાણ માટે બેસતા ભરચક લાગી રહ્યું છે. ઉત્તરાયણ પર્વમાં ટોપી, ગોગલ્સ પહેરવાનો યુવાનોમાં નવો ક્રેઝ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...