જૂનાગઢમાં અમુક નાગરિકોને અપાયેલી કોરોના રસીના પ્રમાણપત્રો ફિલ્મી કલાકારોના નામે જારી થયા હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. આ અહેવાલના પડઘા ગુજરાત વિધાનસભામાં પડ્યા અને તેની અસરરૂપે રાજ્ય સરકારને આ મામલે તપાસના આદેશ આપ્યો હોવાનું ગૃહમાં જાહેર કરવું પડ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં બોલિવૂડ સેલિબ્રિટીઓ જૂહી ચાવલા, જયા બચ્ચન અને મહિમા ચૌધરીના નામે જારી કરાયેલા બોગસ COVID-19 રસીના પ્રમાણપત્રો અંગે ગૃહમાં ખુલાસો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ભિખારીઓ, સંન્યાસીઓ અથવા અન્ય જગ્યાઓએથી સ્થળાંતરિત થયેલી વ્યક્તિઓ પાસે ઓળખ કાર્ડ ન હોવાથી રસીકરણ કેન્દ્રના કર્મચારીએ ઉતાવળમાં નિષ્કાળજીથી તેમના પ્રમાણપત્રોમાં આવાં નામ નોંધી નાંખ્યા હતા. તેઓને ખાસ ઝુંબેશ હેઠળ રસીકરણ કેન્દ્રોમાં લાવવામાં આવ્યા હતા અને આ લોકોને ત્યાં સુધી લઇ આવનારી વ્યક્તિએ કર્મચારીને તે લોકોના નામ આ પ્રમાણે લખવા જણાવ્યું હતું.
વિપક્ષ કોંગ્રેસે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન દિવ્ય ભાસ્કરના આ અહેવાલને લઇને બોલિવૂડ હસ્તીઓના નામે જારી કરાયેલા નકલી COVID-19 રસીના પ્રમાણપત્રોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછ્યું કે સરકાર આ માટે જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલાં લેવા માંગે છે કે કેમ.તેના જવાબમાં ઋષિકેશ પટેલે ગૃહને જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન ઓળખ કાર્ડ બતાવ્યા વિના લોકોને કોરોના વાયરસ સામે રસીકરણ કરવા માટે ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન આવી ઘટનાઓની સત્યતા ચકાસવા માટે કન્સલ્ટન્ટ્સની ટીમે પ્રાથમિક ચકાસણી હાથ ધરી છે અને આમ કેવી રીતે બન્યું તેની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.