સરકારી કર્મચારીઓને દિવાળી:રાજ્યના 9.61 લાખથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું મળશે, એરિયર્સના 50 % ચૂકવશે, દિવાળીના તહેવાર પહેલા ખાતામાં જમા થશે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિનાના મોંઘવારી ભથ્થા અટવાયા હતા
  • રાજ્ય સરકાર પર 464 કરોડનો બોજો પડશે
  • નિવૃત્ત કર્મચારીઓને પણ લાભ મળશે

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે દિવાળી પહેલા મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના 9 લાખ 61 હજારથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. વર્ગ 4ના 30 હજાર કર્મચારીઓને રૂ. 3500 લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાશે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવાતા રાજ્યની તિજોરી પર રૂ 464 કરોડનો બોજ પડશે.

1 જુલાઈ 2019થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ 2019થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવે છે. 1 જુલાઈ 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ-6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાની થતી હતી.

રાજ્ય સરકાર પર કુલ-464 કરોડનો બોજો આવશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ/ કર્મચારીઓ/પેન્શનરોને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે રાજ્ય સરકાર પર કુલ-464 કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના કુલ-5 લાખ 11 હજાર 129 જેટલા કર્મચારીઓ તથા 4 લાખ 50 હજાર 509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

કર્મચારીઓને બોનસ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને રૂ. 3500ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-4ના કુલ 30,960 કર્મચારીઓને લાભ મળશે.

6 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવાયું ન હતું
પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કારણે સરકારની આવક ઘટી ગઈ છે. કોરોનાના કારણે અનેક કામો અટવાઈ ગયા હતા. એટલું જ નહીં રાજ્યના કર્મચારીઓને છેલ્લા 6 મહિનાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવી શકાયું ન હતું. હવે દિવાળી પહેલા વર્ગ4ના કર્મચારીઓને રૂ.3500 લેખે મોંઘવારી ભથ્થુ આપી દેવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...