ગાંધીનગર કોરોના LIVE:જિલ્લામાં આજે નવા 624 કેસ નોંધાયા, માત્ર ત્રણ દિવસમાં શહેરમાં 1300થી વધુ સંક્રમિત મળી આવ્યા

ગાંધીનગર4 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ્યમાં 179 અને શહેરમાં 445 કેસ સાથે તરખાટ મચાવ્યો

રાજયમાં આજે વધુ 21 હજાર જેટલા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગ્રામ્ય વિસ્તાર મળીને 624 સંક્રમિતોએ રાજ્યના કોરોના કેસોમાં નોંધપાત્ર હાજરી પુરાવી છે. આજે ગ્રામ્યમાં 179 અને શહેરમાં 445 મળીને 624 કોરોના પોજીટીવ કેસ સરકારી દફતરે નોંધાયા છે. આમ છેલ્લા છ દિવસમાં જ શહેર અને ગ્રામ્યમાં 2180 લોકો કોરોના પોજીટીવ આવતાં ગાંધીનગર માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવા છતાં નગરજનો બેકોફ ફરશે તો જાન્યુઆરી મહિનો પૂર્ણ થતાં કોરોનાનો આંકડો અકલ્પનીય રહેવાની પૂરેપૂરી શકયતા વર્તાઈ રહી છે.

કોરોનાના સંક્રમણમાં સતતને સતત વધારો થઇ રહ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો વાયરસ બેકાબુ થતાં દરરોજ હવે 400 થી વધુ પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાય છે. આ ઉપરાંત પણ ઘણા પોઝિટિવ કેસ છે કે જે તંત્રના ધ્યાને પડયાં જ નથી અને તેનાથી સંક્રમણ વધતું જ જાય છે.

કોરોનાનું સંક્રમણ વાયુવેગે ફેલાઇ રહ્યું છે. તેમાં ગાંધીનગર કોર્પોરેશનની કચેરી ઉપરાંત કોર્ટમાંથી પણ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ. ભોરણિયા પોઝિટિવ આવ્યા બાદ તેમના સીરસ્તેદારનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એટલુ જ નહીં, ગાંધીનગર મામલતદાર વિવેક દરજીને છેલ્લા બે દિવસથી શરદી અને કફની તકલીફ થઇ હતી. જેમણે કોરોનાનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. જેઓ હોમ આઇસોલેશનમાં છે.કલેક્ટર કચેરીમાં પણ કોરોનાનો ચેપ પ્રસરી રહ્યો છે જેને લઇને અન્ય કર્મચારીઓ તથા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

બીજી તરફ આજે કોર્પોરેશન વિસ્તાર એટલે કે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 445 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગ્રામ્યમાં 179 સંક્રમિતો મળી આવતાં આજે કોરોનાનો આંકડો 624 નોંધાઈ ચૂક્યો છે. જે ગાંધીનગર જિલ્લા અત્યાર સુધીમાં સૌથી વધુ છે. નોંધનીય છે કે જાન્યુઆરીની પહેલી તારીખમાં જિલ્લામાં કુલ 20 કોરોના પોજીટીવ દર્દીઓ મળી આવ્યા હતા. જે આજની તારીખ 19 મી જાન્યુઆરીએ 445 આવતાં 18 દિવસમાં જ કોરોનાનો આંકડો જિલ્લામાં કોરોના કેસનો આંકડો 4 હજાર થી ઉપર પહોંચી ચૂકતા નગરજનો માટે આ આંકડો લાલ બત્તી સમાન છે.

ગાંધીનગરમાં 30થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
ગાંધીનગર મ્યુનિસિપલ કચેરી, કોર્ટ કચેરી માં કોરોનાનો પગ પેસારો થઈ ચૂક્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંભાળનાર પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બનવા લાગ્યા છે. જિલ્લાના પાંચ અધિકારી સહિત 30 થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેનાં કારણે પોલીસ બેડામાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઉછાળો દિવસે ને દિવસે નોંધાઈ રહ્યો છે. દિવાળીના તહેવારો પછી ગાંધીનગરમાં કોરોનાની બિલ્લી પગે એન્ટ્રી થઈ ચૂકી હતી. પરંતુ તહેવારોના ઉન્માદમાં નાગરિકોએ અને ખાસ કરીને સરકારે પણ કોરોનાની ધીમી ગતિને નજર અંદાજ કરી હતી. જેનું પરિણામ સ્વરુપે ગાંધીનગરમાં કોરોનાનો આંકડો ઉતરોત્તર વધી જવા પામ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી શરૂઆતથી કોરોનાએ મધ્યમ ગતિ પકડી હતી. પરંતુ ઉત્તરાયણની મજા લીધા પછી હવે કોરોનાની ફોજ ગાંધીનગર જિલ્લાને સંક્રમણનાં ભરડામાં લેવા લાગી છે. અત્યાર સુધીમાં છેલ્લા 18 દિવસમાં કોરોના નો આંકડો 3 હજાર 329 નાગરિકો કોરોનાનો શિકાર બની ચૂક્યા છે. જેમાં સૌથી વધુ સંક્રમણ કોર્પોરેશન વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે.

ગઈકાલે મંગળવારે કોર્પોરેશન વિસ્તારમાં 409 કોરોનાના કેસ મળી આવ્યા હતા. ત્યારે આજે પણ વધુ 445 લોકો શહેરી વિસ્તારમાં કોરોનાનો શિકાર બની ચૂક્યા છે. મ્યુનિસિપલ કચેરીનો સ્ટાફ, કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. એવામાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંભાળનાર જિલ્લા પોલીસ કર્મચારીઓમાં કોરોના પ્રસરી રહ્યો છે.

વિશ્વસનીય સુત્રોના જણાવ્યું અનુસાર ગાંધીનગર જિલ્લા પોલીસ બેડામાં પાંચ અધિકારીઓ અને 24 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં સેકટર - 21 પોલીસ મથક વિસ્તારમાં કાયદો વ્યવસ્થા સંભાળનાર પીઆઈ ભરવાડ સહિત 7 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમણનો શિકાર બની ચૂક્યા છે. એજ રીતે જિલ્લા પોલીસ કર્મચારીઓ એક પછી એક કોરોના પોઝિટિવ આવતાં જિલ્લામાં 30 થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી જતાં પોલીસ બેડામાં પણ ચિંતાનું મોજુ ફરી ફરી વળ્યું છે.

ગાંધીનગર શહેરમાં વહેલી સવારથી જ ટેસ્ટિંગ માટે લાઈનો લાગી
રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી કોરોનાએ અજગરી ભરડો લેવાની શરૂઆત કરતાં જ 18 દિવસમાં કોરોનાના આંકડો સાડા ત્રણ હજારની ઉપર પહોંચી જવા પામ્યો છે. એમાંય ખાસ કરીને કોર્પોરેશન વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થતાં ગઈકાલે રાજયમાં ગાંધીનગર કોર્પોરેશન પાંચમા સ્થાને પહોંચી ગયું હતું. ત્યારે વધતા જતાં સંક્રમણને પગલે વહેલી સવારથી જ નાગરિકો ફફડાટના માર્યા ટેસ્ટિંગ માટે લાંબી કતારમાં ઊભા જોવા મળી રહ્યા છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવતાં શહેરીજનો ફફડી ઉઠયા છે. એકતરફ કોરોનાની ત્રીજી લહેર અને બીજી તરફ વાતાવરણમાં અચાનક આવતાં બદલાવનાં કારણે પણ શરદી, ખાસ, તાવના ઘરે ઘરે ખાટલા થવા લાગ્યા છે. વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓ પણ વધી રહ્યા છે. જેનાં કારણે ખાનગી દવાખાના સહિત સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ઉપર નજર કરીએ તો તા. 1 જાન્યુઆરીએ જિલ્લામાં 20 કોરોના સંક્રમિત દર્દીઓ સરકારી દફતરે નોંધાયા હતા. જેમાં રોકેટ ગતિએ વધારો થતાં ગઈકાલે મંગળવારે 483 કોરોનાના કેસો જિલ્લામાંથી મળી આવ્યા હતા. એમાંય વાત કરીએ તો ગ્રામ્ય કરતાં કોર્પોરેશન વિસ્તારમાં એટલેકે શહેરમાં કોરોના અજગરી ભરડો ભરી રહ્યો હોય એમ સૌથી વધુ સંક્રમણ શહેરમાં ફેલાઈ રહ્યું છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના છેલ્લાં 18 દિવસમાં કોરોનાની સંખ્યા પહેલી તારીખે 14 હતી જે ચારસોની સ્પીડ સાથે વધતાં ગઈકાલે શહેર વિસ્તારમાં 409 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જે છેલ્લા અઢાર દિવસની સરખામણીએ સર્વોચ્ચ છે. ગઈકાલે મંગળવારે એકસાથે 409 લોકો પોઝિટિવ હોવાનો રિપૉર્ટ આવતાં રાજ્યમાં ગાંધીનગર કોર્પોરેશન અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટ પછી પાંચમા સ્થાને પહોંચી ગયું હતું.

અત્યાર સુધીના આંકડા જોઈએ તો જિલ્લામાં 3 હજાર 329 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાથી શહેર વિસ્તારમાં જ તા. 1 થી 18 જાન્યુઆરી સુધીમાં 2 હજાર 402 લોકોનો રિપૉર્ટ પોઝિટિવ હોવાની નોંધ સરકારી દફતરે કરાઈ છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં 927 કોરોના કેસ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે. આમ ગ્રામ્ય કરતાં શહેર વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી જવાથી શહેરીજનો ફફડી ઉઠયા છે. અને વહેલી સવારથી જ ટેસ્ટિંગ સેન્ટરો પર કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવવા માટે લાંબી કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.

માણસાની જિલ્લા હૉસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ શરૂ કરાશે
માણસા ખાતેની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં આરટી-પીસીઆર ટેસ્ટિંગની કામગીરી આગામી સપ્તાહથી શરૂ કરાશે. આ માટે આઇસીએમઆરની મંજૂરી મળી ગઈ છે. રોજ 500 ટેસ્ટિંગ કરી શકાશે. જોકે હાલમાં જીબીઆરસી અને આઈઆઇપીએચ ખાતે પણ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્રે માણસાની જિલ્લા કક્ષાની હૉસ્પિટલમાં આરટી-પીસીઆર ટેસ્ટની કામગીરી શરૂ કરવા રાજ્યના આરોગ્ય વિભાગમાં માગણી કરી હતી. જે અંતર્ગત રાજ્યનુ આરોગ્ય વિભાગ, રાજ્યના આરડીડી, પીઆઈયુ વિભાગ અને જિલ્લા કલેકટરની ગ્રાન્ટમાંથી માણસા હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર ટેસ્ટીગની લેબોરેટરી ઊભી કરવામાં આવી છે.

ત્રીજી લહેરમાં કોરોનાથી પહેલું મૃત્યુ : 4 દિવસની સારવાર બાદ વૃદ્ધાનું મોત
કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણનો વેગ ભલે પાંચ ગણો વધારે છે પરંતુ 20 દિવસથી પીક પકડેલા કોરોનાના સંક્રમણથી હજુ સુધી એક પણ દર્દીનું મોત થયું નથી પરંતુ મંગળવારે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ 60 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. સિવિલ હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ 60 વર્ષીય વૃદ્ધા 17 જાન્યુઆરીએ દાખલ થયાં હતાં. જોકે વૃદ્ધાના મોતનું સાચું કારણ ડેથ ઓડિટના આધારે જ જાણવા મળશે પરંતુ દર્દીની ડેડ બોડીને કોવિડની ગાઇડલાઇન મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરના વળતા પાણી દરમિયાન ગત તારીખ 12મી, જુલાઇ-2021ના રોજ કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું અવસાન થયું હતું. ત્યાર બાદ છેલ્લા 172 દિવસના લાંબા વિરામ બાદ કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.

જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ કરતા 32 કર્મચારી પૉઝિટિવ
જિલ્લાનાં આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા મેડિકલ ઑફિસર, આયુષ તબિબ સહિત 32 કર્મચારી સંક્રમિત થયા છે. આથી આરોગ્ય તંત્રની કામગીરી ઉપર અસર પડી રહી છે. ત્યારે સંક્રમિત થયેલા કર્મચારીઓ ટેસ્ટિંગ સહિતની કામગીરીમાં રોકાયેલા હતા. આરોગ્ય તંત્રના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ મેડિકલ ઓફિસર, આયુષ તબિબ સહિત કુલ-32 કર્મચારીઓ સંક્રમિત થયા છે. તેમાં પાંચ મેડિકલ ઓફિસર, 1 આયુષ તબિબ, 1 ફાર્માસિસ્ટ, 2 લેબ આસિસ્ટન્ટટ, 2 તાલુકા આરોગ્ય સુપરવાઇઝર, 4 એમપીએચડબલ્યુ, 7 ફિમેલ હેલ્થ વર્કર, 1 ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, 3, સીએચઓ, 1 અર્બન એસઆઇ, 2 આશા વર્કર, 2 ડ્રાઇવર સહિતના કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. આરોગ્ય તંત્રના આટલા કર્મચારીઓ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગાંધીનગર કોર્ટમાં 2 જજ સહિત 20 કર્મચારી પૉઝિટિવ
ગાંધીનગર શહેરમા કોરોનાનો આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. એક પછી એક સરકારી કચેરીના અધિકારીઓ કોરોના પૉઝિટિવ થઇ રહ્યા છે. તેવા સમયે મંગળવારે ગાંધીનગર કોર્ટમાં જજ સહિતના અધિકારી અને કર્મચારીઓ માટે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. 206 ટેસ્ટ કરાયા હતા, તેમાંથી એક જ દિવસમાં 2 જજ સહિત 20 અધિકારી, કર્મચારી પૉઝિટિવ આવ્યા હતા. હાલમાં કોર્ટની કામગીરી વર્ચ્યુઅલ કરવામાં આવી રહી છે, છતાં પૉઝિટિવ થયા હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટેસ્ટિંગ દરમિયાન 2 જજ, રજિસ્ટ્રાર, 2 ડૅપ્યુટી રજિસ્ટ્રાર સહિત 20 કર્મચારીનો રીપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં કોરોનાના એન્ટ્રી થતાં 2 કેસ નોંધાયા છે. ગાંધીનગર મામલતદાર વિવેક દરજી તથા પ્રાંત અધિકારીના શિરસ્તેદાર કોરોનામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...