તપાસ:ધોરણ-10,12ની પરીક્ષામાં ફૂટેજના આધારે 33 વિદ્યાર્થી સામે કોપીકેસ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ બોર્ડની કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો
  • ધોરણ-10 તેમજ 12ના તમામ વિષયોની કુલ-10664 સીડીની તપાસ કરી નિર્ણય લેવામાં આવ્યો

ગાંધીનગર શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષામાં સીસીટીવી કેમેરાની સીડીઓની તપાસ કરવામાં આવતા કુલ-33 વિદ્યાર્થીઓની સામે ગેરરીતિની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ધોરણ-10 અને 12ના તમામ વિષયોની કુલ-10664 સીડીઓની તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત તેનો રિપોર્ટ શિક્ષણ બોર્ડની કચેરીને મોકલી આપ્યો છે.હવે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ગેરરીતિને નાથવા માટે સીસી કેમેરાવાળી શાળામાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં જિલ્લાના ધોરણ-10ના 26992 વિદ્યાર્થીઓ માટે 32 કેન્દ્રોના 933 બ્લોકમાં, ધોરણ-12 સાયન્સના 4614 વિદ્યાર્થીઓ માટે 4 કેન્દ્રોના 233 બ્લોક તેમજ સામાન્ય પ્રવાહના 13382 વિદ્યાર્થીઓ માટે 17 કેન્દ્રોના 424 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવી હતી.

ધોરણ-10 અને 12ના તમામ વિષયોની પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગની સીડીઓ બનાવવામાં આવી હતી. તેમાં ધોરણ-10ના કુલ-933 બ્લોક અને કુલ-7 વિષયોની કુલ-6531 સીડીઓનો અભ્યાસ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં શિક્ષણ બોર્ડે નિયત કરેલા નિયમોનું પાલન થતું હોય નહી તેવા 21 વિદ્યાર્થીઓની સામે કોપીકેસની કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડને રિપોર્ટ મોકલી આપ્યો છે.

જ્યારે ધોરણ-12 સાયન્સના 233 બ્લોક અને કુલ-5 વિષયો લેખે કુલ-1165 સીડીઓ બની હતી. ઉપરાંત સામાન્ય પ્રવાહના 424 બ્લોક અને કુલ-7 વિષયો લેખે કુલ-2968 સીડીઓનો બની હતી. આથી ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની સીડીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં સાયન્સમાંથી એકપણ વિદ્યાર્થીની સામે કોપીકેસની કાર્યવાહી થઇ નથી. પરંતુ ધોરણ-12 સામાન્ય પ્રવાહના 12 વિદ્યાર્થીઓની સામે કોપીકેસની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ શિક્ષણ બોર્ડને મોકલી આપ્યો છે.

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય, કાપલી આપલે કરતા હોય, પાસેના વિદ્યાર્થીની ઉત્તરવહીમાંથી લખતા હોય, ઉત્તરવહીની આપલે કરતા હોય કે ઉત્તરવહીની અદલા બદલી કરતા હોય સહિતની પ્રવૃત્તિ કરતા વિદ્યાર્થીઓની સામે કોપીકેસની કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા કોરોનાના 2 વર્ષ બાદ લેવામાં આ‌વી હતી તેના કારણે પેપરો પણ સરળ કાઢવામાં આવ્યા હતા તેમ છતાં પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય તે માટે બોર્ડ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા તેના આધારે તપાસ કરાતા તેના આધારે 33 કોપી કેસ નોંધવામાં આવ્યા છે.

ધો- 10,12 સામાન્યના પરિણામનો ખોટો સંદેશ વાઇરલ કરનારા સામે ફરિયાદ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનુ પરિણામ એકજ દિવસે જાહેર કરવાનો ખોટો સંદેશ સોશિયલ મીડિયામા વાઇરલ કરાયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનુ કૃત્ય અજાણ્યા શખ્સ દ્વારા કરવામા આવ્યુ હતુ. જેને લઇને શિક્ષણ બોર્ડના નાયબ નિયામક દ્વારા ખોટો સંદેશ વાઇરલ કરનારા શખ્સ સામે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમા ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તુષારકુમાર કિરીટકુમાર મહેતા (રહે, સરગાસણ) માધ્યમિક શિક્ષણ બોર્ડમા મદદનીશ સચિવ અને ઇન્ચાર્જ નાયબ નિયામક પરીક્ષા તરીકે ફરજ બજાવે છે.

તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, ગત 16 મેના રોજ સોશિયલ મીડિયામા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 17 મે સવારે 8 કલાકે રોજ એક જ દિવસે જાહેર કરવામા આવશે તેવો ખોટો પરીપત્ર વહેતો કરવામા આવ્યો હતો.વાઇરલ કરવામા આવેલા પરિપત્રને 11 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનનુ પરિણામ જાહેર કરાયો હતો. તેમા સુધારો કરીને ફેરવવામા આવ્યો હતો.જેમા તારીખ, સમય, સહિત અને પ્રવાહનો ફેરફાર કરીને સોશિયલ મીડીયામા વહેતો કરવામા આવ્યો હતો. જેનાથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા. જ્યારે સરકારી લોગાનો દુરઉપયોગ કરવામા આવ્યો હતો. જેને લઇને અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમમા ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ આ પ્રકારના માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર ખોટા બનાવીને વહેતા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...