રાષ્ટ્ર ધ્વજનો વિવાદ ફરી વકર્યો:કલોલમાં આંબેડકરની પ્રતિમા પાસે લગાવેલો રાષ્ટ્ર ધ્વજ પાલિકાએ ઉતારી દેતા વિવાદ, દલિત સમાજે ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • રાષ્ટ્ર ધ્વજ ઉતારી લેવાતાં આંબેડકરનું અપમાન કરાયાનો દલિત સમાજનો આક્ષેપ
  • દલિત સમાજે આંબેડકર જયંતિ નિમિત્તે રેલી કાઢી આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

ડો. બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે આજે કલોલમાં દલિત સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને ટાવર ચોક ખાતે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જોકે, પ્રતિમા પાસે 15 લાખનાં ખર્ચે સ્થાપિત કરવામાં આવેલો રાષ્ટ્ર ધ્વજ આજના દિને જ કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવતાં ચાલુ રેલીએ દલિત સમાજ ભડક્યો હતો. દલિત સમાજે આજના દિવસે જ રાષ્ટ્ર ધ્વજ ગાયબ કરીને આંબેડકરનું હળાહળ અપમાન કરાયું હોવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા વખત અગાઉ ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થતાં દેશભરમાં રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ રાખવામાં આવ્યો હતો. પરંતુ નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ જવા છતાં કલોલ નગરપાલિકાએ બેદરકારી દાખવી કલોલ ટાવર ચોક પાસેના રાષ્ટ્ર ધ્વજને દોઢેક દિવસ સુધી અડધી કાઠીએ રાખી મુકતા કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ જવાબદાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે આજે ફરીવાર એજ રાષ્ટ્ર ધ્વજનો વિવાદ વકર્યો છે.

આજે ડો. બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત કલોલ ખાતે દલિત સમાજ દ્વારા પણ બંધારણના ઘડવૈયા આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી સાથે ભવ્ય વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ તેમજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન કલોલ શહેરમાં ફરીને રેલી ટાવર ચોક ખાતે આવી પહોંચ્યા હતા. અહીં આંબેડકરની પ્રતિમા પાસેના હાઈ રાઇઝ પોલ પર લગાવેલ રાષ્ટ્ર ધ્વજ જોવા નહીં મળતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો. જેનાં કારણે દલિત સમાજે કલોલ નગરપાલિકાના સત્તાધીશોએ જાણી જોઈને આજદિને રાષ્ટ્ર ધ્વજ નહીં લહેરાવી આંબેડકરનું અપમાન કરાયાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ કરી હતી.

દલિત સમાજનાં એક આગેવાને જણાવ્યું હતું કે, આખું વર્ષ અહીં રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ આજે આંબેડકર જયંતિના દિવસે જ રાષ્ટ્ર ધ્વજ ઉતારી લઈ આંબેડકરનું અપમાન કરાયું છે. રાષ્ટ્ર ધ્વજ ખંડિત થઈ ગયો હોય તો સત્તાધીશોએ ત્વરિત નવો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો જોઈએ. જેથી આ અંગે પોલીસ ફરિયાદ કરાવવા માટે જઈ રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...