ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે બુધવારે સિંગલ ઓર્ડર કરીને બે આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. અગાઉ કચ્છ કલેક્ટર તરીકે રહ્યા તે દરમિયાન જમીન અને અન્ય બાબતોમાં વિવાદોમાં સપડાયેલા એમ નાગરાજનને ઉચ્ચ શિક્ષણ નિયામકપદેથી બદલી કરીને મહેસાણા કલેક્ટર બનાવાયા છે. અગાઉ કચ્છ કલેક્ટર તરીકે રહ્યા બાદ 2009 બેચના આઇએએસ નાગરાજનની માત્ર સાડા ત્રણ મહિનામાં બદલી કરી દેવાઇ હતી.વિવાદિત ભૂતકાળ હોવા છતાં સરકારે લીધેલા આ નિર્ણયથી ઘણાં અધિકારીઓને આશ્ચર્ય થયું છે. આ બદલી પાછળ ક્યાંક રાજકીય બાબતો પણ કારણભૂત હોવાનું જાણવા મળે છે.
મહેસાણા કલેક્ટર અને 2008 બેચના આઇએએસ અધિકારી ઉદિત અગ્રવાલને મહેસાણા કલેક્ટર પદેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય વહીવટદાર તરીકે મુકાયા છે. આ સાથે તેઓને નર્મદા નિગમના જોઇન્ટ એમડી બનાવાયા છે. અગ્રવાલે પત્ની અને નર્મદા કલેક્ટર શ્વેતા તેઓટિયા સાથે રહેવા માટે બદલી માગી હતી. આ સિવાય સરકારે જુનિયર ટાઇમ સ્કેલ પર રહેલા 2019 બેચના નવ આઇએએસ અધિકારીઓને સિનિયર ટાઇમ સ્કેલમાં બઢતી આપવાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.