તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં ભડકો:વિવાદાસ્પદ MP મનસુખ વસાવાનું પક્ષમાંથી રાજીનામું, કહ્યું - હું પણ માણસ છું, પક્ષ મને માફ કરે, રાજીનામું પાછું નહીં લઉં

ગાંધીનગર2 મહિનો પહેલા
 • મનસુખભાઈએ રાજીનામું નથી આપ્યું, આગામી બજેટસત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે - સી.આર.પાટીલ
 • સાંસદ મનસુખ વસાવાએ પોતાના પક્ષની સરકાર સામે પત્રો લખીને અનેક વિવાદો સર્જ્યા છે
 • મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારાના ભાજપના હોદ્દેદારો સહિત 29 સક્રિય કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યા
 • ભરૂચ સંસદીય બેઠકથી 6 વખત સાંસદ રહેલા મનસુખ વસાવાએ ભાજપને અલવિદા કહી
 • સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યાં

ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાંક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યાં છે. ભાજપનું મોવડીમંડળ તેમને મનામણાં કરી રહ્યું છે. જોકે, તેમણે પક્ષમાંથી અને સાંસદ પદેથી રાજીનામું આપી દેવાનો સ્પષ્ટ નિર્ધાર કરી લીધો હોવાનું જણાવ્યું છે. તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા છે.

મનસુખ વસાવાએ પત્રમાં શું કહ્યું
તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણુંબધું આપ્યું છે, જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષનાં મૂલ્યો, જીવનનાં મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે, પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણેઅજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ના પહોંચે એ કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટસત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ.

પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં મેં સ્પષ્ટ કહ્યું છે. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. મારી ક્ષમતાં કરતાં ઘણું આપ્યું છે. છ ટર્મથી સંસદ સભ્ય તરીકે પાર્ટીએ ચૂંટણીમાં ઉભો રાખ્યો અને જીત મેળવી છે. પાર્ટી કે સરકાર તરફ મને કોઈ નારાજગી નથી. મારા ઘણા બધા નજીકના મિત્રો જાણે છે કે મારે ઘણા વખતથી તબિયત સારી નથી રહેતી કમરની તકલીફ રહે છે. કમરના પ્રોબ્લેમના કારણે મને નાના મગજ પર સીધી અસર થાય છે. જેથી પ્રવાસ કરવો મારા માટે ખૂબજ મુશ્કેલ હોય છે.એટલે મને એમ લાગ્યું કે હવે મારે થોડો આરામ કરવાની જરૂર છે. મારે મારા સમગ્ર લોકસભા વિસ્તારને ન્યાય આપવો પડે અને આજે મારી એવી સ્થિતિ નથી કે હું મારા મત વિસ્તારને ન્યાય આપી શકું. એટલે પાર્ટી કે સરકાર માટે જરાક પણ નારાજગી નથી. મેં જ્યારે જ્યારે પણ સરકારને મારા મત વિસ્તારના પ્રશ્નો અથવા તો આદિવાસી સમાજના પ્રશ્નોની રજુઆત કરી છે. ત્યારે સરકાર દ્વારા પણ એ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ ઈકોસેન્સેટીવનો મુદ્દો છે જ નહીં એમાં તો સરકાર દ્વારા ઉકેલ માટેનાં પગલાં લેવાઈ રહ્યાં છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું
સી.આર.પાટીલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે મનસુખભાઈએ રાજીનામું નથી આપ્યું. આગામી બજેટસત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે. અમે તેમને મનાવી લઈશું. તેઓ લોકો માટે લડતા નેતા છે. ઈકો સેન્સેટિવ ઝોન અંગે તેમની નારાજગી છે. CR પાટીલે કહ્યું, મનસુખ વસાવા અમારા સિનિયર સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસુખ વસાવા લાગણીશીલ માણસ છે. અમારા માટે ગૌરવ છે કે મનસુખ ભાઈ જેવી વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો, જેથી તેમની જે નારાજગી છે એ દૂર કરવામાં આવશે.'

મનસુખ વસાવાનો રાજીનામા પત્ર.
મનસુખ વસાવાનો રાજીનામા પત્ર.

સાંસદ મનસુખ વસાવાએ પત્રો લખીને સર્જેલા વિવાદો
વિવાદ-1

3 ડિસેમ્બર 2020ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતાં ખળભળાટ મચ્યો છે. આ પહેલાં ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)એ ગુજરાતમાં લવ-જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માગ મૂકી હતી.

વિવાદ-2
20 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વસાવાએ લખ્યું છે કે ભારતના રાજપત્રના માધ્યમથી નર્મદા જિલ્લાના 121 ગામને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવામા આવ્યાં છે. ઝોન જાહેર થતાં સરકારી લોકો ગામના ખેડૂતોની જમીનમાં દખલગીરી કરવા લાગ્યા છે. પત્રમાં મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે 121 ગામના રહીશોને કોઈપણ માહિતી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર ઇકૉ-સેન્સિટિવ ઝોન માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને કારણે લોકોમાં રોષ છે. તેમણે વધુમાં લખ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘોર ઉપેક્ષા થવાના કારણે આદિવાસી સમાજના લોકો દેશની મુખ્ય ધારાથી વિખૂટા પડી ગયા છે. વસાવા માને છે કે ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ થવાથી આ ગામોમાં અંદર રહેતા લોકોને મોટી અસર થશે. રાજસ્થાન અને અન્ય રાજ્યોના દાખલા આપીને તેમણે લખ્યું છે કે ખેડૂતોના હિત માટે આ રાજ્યોએ અભયારણ્યના કાયદાને રદ કરી દીધો છે.

વિવાદ-3
13મી મે 2020ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે અને આ સમગ્ર મામલે વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP કોંગ્રેસ વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચાર કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજનાનાં કામોમાં જિલ્લા અને તાલુકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો મનસુખ વસાવાએ કર્યો છે. વનબંધુ કલ્યાણ યોજનામાં કૌભાંડની શક્યતાને લઈને વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસ કરવાની માગ કરી છે.

વિવાદ 4
7 ઓક્ટોબર 2020ના રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિકોને રોજગારી મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્ર લખી ઓપેલ સહિતના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માગ કરી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના આશ્વાસન બાદ પણ સ્થાનિકોને રોજગારી નથી મળી રહી, સાથે જ તેમણે ઉદ્યોગો સાથે સંકળાયેલા કેટલાક લોકો મનમાની કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

વિવાદ- 5
23 મે 2020ના રોજ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને નર્મદા નદીમાં થતા રેતી ખનનને અટકાવવા અને તપાસ કરાવવાની માગ કરી છે. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના કરજણ તાલુકા વિસ્તારમાં નર્મદા નદીના તટમાં ઘણા સમયથી ખાણખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસની મિલીભગતથી ગેરકાયદે રીતે રેતી ખનન ચાલી રહ્યું છે, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

તબિયત નાદુરસ્ત હોવાથી રાજીનામુ આપ્યું: મનસુખ વસાવા
ભરૂચ-નર્મદા જિલ્લામાં છેલ્લી 6 ટર્મથી સતત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવતાં મનસુખ વસાવા તેમના પત્રબોમ્બ માટે પ્રચલિત છે. જોકે, આજે મંગળવારે તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાનો ધડાકો કરતાં ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ સ્થાનિક રાજકીય પક્ષોમાં પણ સાંસદના રાજીનામાથી સળવળાટ થયો છે. આખાબોલા અને પોતાના જ પક્ષની સરકાર સામે પ્રશ્નો કરનારા સાંસદ મનસુખ વસાવાએ આજે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી તેમણે પક્ષનો આભાર માનવા સાથે તેમની ભુલના કારણે પક્ષને નુકશાન ન પહોંચે તે માટે રાજીનામું આપવાની વાત કરી હતી. જોકે, બાદમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પોતાની તબીયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ તેમના મત વિસ્તારમાં ફરી શકે તેમ ન હોય તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

‘મને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે’
વધુમાં જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી.હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે.મનસુખ વસાવા નહિ હોય તો પાર્ટી નહિ ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી.

લોકસભા સાંસદ પદ પરથી પણ રાજીનામુ આપીશ: વસાવા
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવાની દિશામાં સરકાર પ્રયાસ કરી છે, અને વહેલી તકે હલ પણ થઈ જશે.વનમંત્રી ગણપત વસાવા સાથે વાત પણ મારી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વાત થઈ છે.આ પ્રશ્ન ગંભીર છે ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે.ઈકો સેન્સિટિવ ઝોન સ્થાનિક વહીવટી તંત્રનું ઉતાવળું પગલું હતું, પણ સરકાર એ પ્રશ્ન હલ કરશે. હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ. હું કોઈ પણ સંજોગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ. આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચુંટણીમાં પક્ષના લોકોને માર્ગદર્શન આપતો રહીશ.જો પાર્ટી મારુ રાજીનામું નહિ સ્વીકારે તો મારું રાજીનામું સ્વીકારવા પાર્ટીને સમજાવીશ.હું મારી ભાજપની વિચારધારા આજીવન નહિ છોડું.હું લોકસભા સાંસદ પદ પરથી પણ સ્પીકરને રૂબરૂ મળી રાજીનામુ આપી દઈશ, હું રાજીનામું આપવા બાબતે મક્કમ છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો