તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને રૂપિયા 3.36 કરોડના વળતર સામે 10 ટકા લેખે દસ મહિનાનું વ્યાજ ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો આદેશ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીની જીન પ્રેસ ફેક્ટરીમાં વર્ષ 2018માં ભીષણ આગ લાગી હતી
  • ફરિયાદીને વળતર ચૂકવવામાં વિલંબ થતાં ગાંધીનગર ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ થઈ હતી

ગાંધીનગર જિલ્લાના કડીની જીન પ્રેસ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ પ્રકરણમાં કલોલની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા વળતરના દાવાની ચુકવણીમાં વિલંબ કરી IRDની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમના અધ્યક્ષ દ્વારા વળતર પેટે ચૂકવાયેલા રૂપિયા 3.36 કરોડની રકમ ઉપર 10 ટકા લેખે 10 મહિનાનું વ્યાજ ચૂકવવાનો ઐતિહાસીક હુકમ કરવામાં આવ્યો છે.

વીમા કંપનીએ દાવો ચૂકવવામાં ખૂબ વિલંબ કર્યો

ગાંધીનગર જિલ્લાના કડી ખાતે આવેલી જીન પ્રેસ ફેક્ટરી દ્વારા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની કલોલ બ્રાન્ચમાં ફાયર ઈન્સ્યોરન્સ લેવામાં આવ્યો હતો. ત્યારે ફેક્ટરીમાં ગત તારીખ 26/5/2018ના રોજ ભીષણ આગ લાગી હતી અને વ્યાપક નુકશાન થયું હતું. જેનો વીમા કંપનીમાં વળતરનો દાવો કરવામાં આવ્યો હતો. વીમા કંપનીએ દાવો ચૂકવાવમાં ખૂબ વિલંબ કરી આશરે 21 મહિના પછી તારીખ 3/2/2020ના રોજ વળતર પેટે રૂપીયા 3.36 કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા.

વીમા કંપની સામે દાખલ કરાઈ હતી ફરિયાદ

જોકે, IRDની માર્ગદર્શિકા પ્રમાણે ખોટી રીતે દાવાની પતાવટમાં વિલંબ થાય તો ગ્રાહક વ્યાજ મેળવવા માટે હકદાર બને છે. જે ઉક્ત કેસમાં વીમા કંપની દ્વારા ચૂકવાયેલુ નહીં. જેથી ફેક્ટરીના માલિકો દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ગાંધીનગરમાં વીમા કંપની સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

વ્યાજ ચૂકવવા હુકમ

જે કેસ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના અધ્યક્ષ ડી ટી સોની સમક્ષ ચાલી જતાં તેમણે યુનાઇટેડ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની કલોલ બ્રાન્ચને IRDની માર્ગદર્શિકાનું પાલન નહીં કરવા બદલ 10 ટકા લેખે ચૂકવાયેલી રકમ ઉપર 10 મહિનાનું વ્યાજ ચૂકવી આપવા હુકમ કર્યો છે. આ રીતે વીમા કંપનીને સમયસર દાવાની ચુકવણી નહીં કરવા માટે વ્યાજ પણ ચૂકવવું પડે તેવો ઐતિહાસીક હુકમ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...