ભાસ્કર એક્સક્લૂઝિવ:નવા ધારાસભ્યોને 3 બેડરૂમ સહિત 9 રૂમના ફ્લેટની ગેરંટી, ગાંધીનગરમાં 9 માળના 12 ટાવરનું નિર્માણ શરૂ

ગાંધીનગર3 દિવસ પહેલાલેખક: મૌલિક મહેતા
  • કૉપી લિંક
જ્યાં ફ્લેટ બનવાના છે ત્યાં સેક્ટર 17માં જૂના ક્વાર્ટર તોડી પાડવામાં આવશે - Divya Bhaskar
જ્યાં ફ્લેટ બનવાના છે ત્યાં સેક્ટર 17માં જૂના ક્વાર્ટર તોડી પાડવામાં આવશે
  • ​​ ચૂંટણી જાહેર થયાના માત્ર 6 દિવસ પહેલા ટેન્ડર ફાઇનલ કરાયું હતું
  • 247 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ, દરેક ફ્લેટની કિંમત 1.14 કરોડ રૂપિયા

15મી વિધાનસભાના સભ્ય બનવા હાલ તમામ પાર્ટીના ઉમેદવારો જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે સરકાર તરફથી ચૂંટાઇને આવનાર નવા ધારાસભ્યોને 9 રૂમનો આધુનિક સુવિધા સાથેનો આલિશાન ફ્લેટ ભેટ આપવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ ફ્લેટ તૈયાર થતા હજુ દોઢથી બે વર્ષનો સમય લાગશે પરંતુ આ નવી ટર્મના ધારાસભ્યોને રહેવા માટે આ ફ્લેટ મળશે તે નક્કી છે.

વર્ષો અગાઉ ધારાસભ્યો માટે પહેલા અહીં આવાસો ફાળવવામાં આવ્યા હતા
વર્ષો અગાઉ ધારાસભ્યો માટે પહેલા અહીં આવાસો ફાળવવામાં આવ્યા હતા

નવા ધારાસભ્યોને ઝડપથી આ ફ્લેટ મળે તે માટે સરકારે ચૂંટણી જાહેર થવાના 6 દિવસ પહેલા એટલે કે 28મી ઓક્ટોબરે જ ટેન્ડર ફાઇનલ કરી દીધું છે. હાલ વિધાનસભાની 182 બેઠકો છે પરંતુ આગામી સમયમાં નવા સિમાંકનથી નવી બેઠકો અસ્તિત્વમાં આવે તે સંજોગોમાં કુલ 216 ધારાસભ્યોને ધ્યાનમાં રાખીને એટલા ફ્લેટ બનાવવાનું નક્કી કરાયું છે.

બાદમાં અહીં ધારાસભ્યો માટે આવાસો બનાવાયા હતા
બાદમાં અહીં ધારાસભ્યો માટે આવાસો બનાવાયા હતા

ગાંધીનગરમાં સેક્ટર-17માં જૂના એમએલએ ક્વાર્ટર એટલે કે સૌપ્રથમ જ્યાં એમએલએ માટેના ક્વાર્ટર બન્યા હતા તે સ્થળે જ ફરી નવા ક્વાર્ટર બનાવવાનું નક્કી કર્યું છે. હાલ આ સ્થળે જૂના મકાન તોડીને ગ્રાઉન્ડ લેવલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ડિસેમ્બરમાં નવા બિલ્ડીંગના પાયા ખોદવાનું શરૂ કરાશે.સરકારે નવા એમએલએ ક્વાર્ટર બનાવવા માટે 247 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી દીધી છે.

અદ્યતન સુવિધા સાથેના આલિશાન ફ્લેટ અને આધુનિક એમેનિટીઝ પણ ધારાસભ્યોને આ સંકુલમાં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. હાલ સેક્ટર-21માં આવેલા ક્વાર્ટર કરતા બમણા એટલે કે 274 ચોરસમીટરનો વિસ્તાર ધરાવતા વિશાળ ફ્લેટ બનશે. કુલ 28,576 ચોરસમીટર વિસ્તારમાં સંકુલ આકાર પામશે. આ કેમ્પસમાં 9 માળના કુલ 12 ટાવર બનશે.

ગયા વર્ષે જ નક્કી થઈ ગયું હતું

ગુજરાત રાજ્યના બજેટમાં ધારાસભ્યો માટે આલિશાન આવાસ બનાવવાની કરાયેલી જોગવાઈ અંતર્ગત ગાંધીનગરનાં સેકટર-17માં ધારાસભ્યો માટે અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. આ માટે ગત 13 જૂલાઇના રોજ નાયબ મુખ્યમંત્રી તેમજ વિધાનસભા અધ્યક્ષે સેકટર-17ના સ્થળની મૂલાકાત લીધી હતી. ગાંધીનગરનાં સેક્ટર-21માં હાલમાં એમએલએ ક્વાટરમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન આવેલા છે. જેનું ધારાસભ્યો પાસેથી માત્ર માસિક ભાડુ 37 રૂપિયા અને 50 પૈસા જ વસૂલવામાં આવે છે. આ આવાસોમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાય છે. જોકે, મકાનનું લાઈટબીલ પણ સરકાર દ્વારા ભરવામાં આવે છે.

37 રુપિયા 50 પૈસા ભાડું વસૂલાય છે
રાજ્યમાં ધારાસભ્યોને રૂ. 78 હજાર 800 પગાર અને વિવિધ ભથ્થા સહિત મહિને 1.16 લાખ રૂપિયા મળે છે. જેમાં 7 હજાર ટેલીફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાઉન્સનો સમાવેશ થાય છે. તેમ છતાં ધારાસભ્યો પાસેથી માસિક 37 રૂપિયા અને 50 પૈસા જ ભાડું લેવામાં આવતું હોવાની વાત આશ્ચર્યજનક છે. સરકારે સેકટર-21માં ફાળવવામાં આવેલા આવાસો ધારાસભ્યોને નાના પડતાં હોવાની રાવ ઉઠવા પામી હતી. જેનાં કારણે રાજ્ય સરકારે બજેટમાં ખાસ જોગવાઈ કરી ધારાસભ્યો માટે અદ્યતન મોટા આવાસો બાંધવા નિર્ણય કરાયો હતો પરંતુ તે વખતે ક્યાં સ્થળે નવા આવાસો ઉભા કરવા તે નક્કી કરવામાં આવ્યું ન હતું.

સેકટર 21 માં આવેલ ધારાસભ્ય નિવાસ
સેકટર 21 માં આવેલ ધારાસભ્ય નિવાસ

હવે સરકાર દ્વારા સેકટર-17માં આવેલ જુના એમએલએ કવાર્ટર ખાતે ધારાસભ્યો માટે આવાસો નિર્માણ કરવાનું લગભગ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેનાં માટે ગત 13મી જુલાઈનાં રોજ એ સમયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તેમજ વિધાન સભા અધ્યક્ષે સેકટર 17ની મૂલાકાત લીધી હતી. જે અન્વયે માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓ દ્વારા સેકટર-17માં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. સેકટર-17 હનુમાન મંદિરની પાસે આવેલા જૂના એમએલએ કવાર્ટર વિસ્તારમાં યુદ્ધના સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

નવા ફ્લેટ બનવાના છે તેનો લે આઉટ પ્લાન
નવા ફ્લેટ બનવાના છે તેનો લે આઉટ પ્લાન
અન્ય સમાચારો પણ છે...