તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌનો સાથ તો ધારાસભ્યોનો વિકાસ:ગાંધીનગરમાં હવે ધારાસભ્યો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ 3 BHK લકઝુરિયસ ક્વાર્ટર બનશે

ગાંધીનગર13 દિવસ પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • સંભવિત સેકટર-17માં 3 BHKના આવાસોનું નિર્માણ કરવાનું આયોજન
  • હયાત ક્વાર્ટર કરતા દોઢ ગણી સુવિધા ધરાવતા ક્વાર્ટરનું નિર્માણ કરવાનું આયોજન

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોના રહેવા માટે નવા આધુનિક ક્વાર્ટર બનાવવાની વિચારણા શરૂ કરવામા આવી છે. ધારાસભ્યો હાલ સેકટર 21માં આવેલા MLA ક્વાર્ટરમાં 3 BHK કવાર્ટરમાં​​​​ વસવાટ કરે છે. જો કે, હવે તે આવાસો નાના પડતા હોય, હયાત આવાસ કરતા દોઢ ગણી સુવિધા ધરાવતા નવા ક્વાર્ટર બનાવવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ ક્વાર્ટર બનાવવા માટે હાલ સરકાર દ્વારા જમીનની પસંદગી કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે.

સેકટર-17માં ક્વાર્ટરનું નિર્માણ કરવાની વિચારણા
રાજય સેવક મનાતા ધારાસભ્યો માટે સેકટર 17 માં કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ભૂકંપ પ્રૂફ હાલ કરતા દોઢ ઘણી સુખ સુવિધાઓ વાળા ઓફિસ સ્પેસ મળી રહે તે રીતના ત્રણ બેડરૂમ હોલ કિચનનાં હાઈ રાઈઝ ક્વાર્ટર બાંધવામાં આવશે. તે સિવાય ધારાસભ્યોના પરિવારજનોને નાની મોટી ખરીદી કરવા માટે અન્ય માર્કેટમાં જવુ ના પડે તે માટે અત્રે ખાસ અલાયદો સ્ટોર્સ બનાવવાનું પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે માટે અગાઉ બજેટમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી હોવાથી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગઈકાલે સેકટર 17 ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

સેકટર-17ને ફરી જૂની ઓળખ મળશે
ગાંધીનગર ની રચના થઈ ત્યારથી 1 થી 30 સેકટરમાં સેકટર 17 શહેરની મધ્યમાં આવેલું હોવાથી આગવું મહત્ત્વ ધરાવે છે. જુના સચિવાલય, વિધાનસભા તેમજ શહેરના સૌથી મોટા માર્કેટ સેકટર 21 ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય તે રીતે નજીક નજીક હોવાના કારણે સેકટર 17 તેની આગવી ઓળખ ધરાવતું સેકટર છે. એક સમયે સેકટર 17ની ઉચ્ચ અધિકારી કર્મચારીઓ માટે રહેવાનું ફેવરિટ સેકટર ગણવામાં આવતું હતું. કેમકે આજ સેકટરમાં સૌથી પહેલાં ધારાસભ્યોને રહેવા માટે ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા.જેથી સુરક્ષાની દૃષ્ટિએ પણ સેકટર 17 ઘણું સુરક્ષિત સેકટર ગણવામાં આવતું હતું. જો કે સમય જતાં ગાંધીનગર હરણ ફાળ ગતિએ વિકાસ કરતાં સમયાંતરે સેકટર 17 તેની આગવી ઓળખ ગુમાવી ચુક્યું છે. જો કે, હવે સેકટર-17ને ફરી તેની જૂની ઓળખ મળી શકે છે.

ધારાસભ્યોને સૌ પ્રથમ 1 BHK ક્વાર્ટર ફાળવાયા હતા
માર્ગ મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાન સભાની રચના થતાં સેકટર 17માં ધારાસભ્યોને ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા. જેમાં એક ડ્રોઇંગ રૂમ, એક બેડરૂમ, કિચન, ટોયલેટ, બાથરૂમ મળીને 51.87 ચો મી. નું બાંધકામ વાળા ક્વાર્ટર હતા. જે હાલમાં છ ટાઈપ કેટેગરીના મકાનો તરીકે ઓળખ ધરાવે છે. એ વખતે અહીં ધારાસભ્યો માટે 28 હજાર સ્કવેર મીટર એરિયામાં વર્ષ 1977-78 માં નિર્માણ પામેલા 24 બ્લોકમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા. જેમાથી નવ યુનિટ વાળા ચાર બ્લોક પાડી દેવામાં આવ્યા છે જે જર્જરીત થઈ ગયા હતા. હાલમાં 20 બ્લોક હયાત છે.

જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બે ક્વાર્ટર તેમજ ફર્સ્ટ ફ્લોર પર બે એમ ચાર ક્વાર્ટર મળી એક બ્લોકમાં ચાર ધારાસભ્યો રહેતા હતા. ત્રણ માળના પણ બ્લોક હતા. તે સમયે ધારાસભ્યોને એટેન્ડન્ટ, કેન્ટીન, નાનો ગાર્ડન તેમજ ઠંડા પાણી માટે કોમન પ્લાન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારે અહીં દેવગઢ બારીયાનાં રાજમાતા એવા ધારાસભ્ય ઉર્વશી દેવી સહિતના ધારાસભ્યો અહીં રહેતા હતા. ત્યારબાદ ગાંધીનગરનાં વિકાસની સાથે ધારાસભ્યો માટે મોટા ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા.

સેકટર-17માં 2 BHK ટાઈપના ક્વાર્ટર બનાવવામા આવ્યા
ધારાસભ્યોને ફાળવેલા આવાસો એકદમ નાના તેમજ નજીક નજીક હોવાના કારણે ધારાસભ્યોની ગુપ્તતા જાળવવા સહિત જોઈએ એવી પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી અહીં નજીકમાં જ બે માળના ક્વાર્ટરનું વર્ષ 1988-89 માં 22 બ્લોક ના 6 યુનિટ મળી કુલ 132 ક્વાર્ટર બાંધવામાં આવ્યા હતા.

અહીં ચાર બ્લોક ની વચ્ચે એક - એક ગાર્ડન પણ બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત ચોવીસ કલાક પાણી ની સુવિધા, ટેલિફોન,લોન્ડ્રી, ચોવીસ કલાક એક બ્લોકમાં એક એક એટેન્ડન્ટ પણ મૂકવામાં આવ્યા હતા. જેનું સંચાલન અહીં બનાવાયેલ સુવિધા કચેરીથી કરવામાં આવતું હતું.

હાલમાં ડી ટાઈપ કેટેગરી ગણાતા 79.50 ચો મી એરિયાના ક્વાર્ટરમાં એક રૂમ, ડાઇનિંગ એરિયા, સ્ટોર રૂમ, બે બેડરૂમ અને ટોયલેટ, બાથરૂમ વાળા હતા. જેમાં ધારાસભ્યો ને પલંગ, ખુરશી ટેબલ, ગાદલા ગોદળા તેમજ ઠંડા પાણી માટે કોમન RO પ્લાન્ટ ની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ધારાસભ્યોનાં પરિવારજનોને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓની ખરીદી માટે અહીં દુકાનો પણ બાંધવામાં આવી હતી. જેમાં લોન્ડ્રી, કરિયાણું, ડેરી, નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ ક્વાર્ટરમાં દિગ્ગજ ધારાસભ્યો રહેતા હતા જેમાં પૂર્વ મુખ્યમંત્રી મંત્રી સુરેશ મહેતા એ વખતે તેઓ નાણાં મંત્રી હતા. તેમજ ગોંડલના ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો અહીં રહેતા હતા.

હાલ સેકટર-21માં 3 BHK ક્વાર્ટરમાં ધારાસભ્યોનો વસવાટ
ગાંધીનગર નાં સેકટર 21 માં હાલમાં MLA ક્વાર્ટરમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન આવેલા છે. જેનું ધારાસભ્યો પાસેથી માત્ર માસિક ભાડુ 37 રૂપિયા અને 50 પૈસા જ વસૂલવામાં આવે છે. આ ક્વાર્ટરમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધા અપાય છે. એટલે સુધી કે પગ લુછણીયા, પડદા ફિનાઈલ ટોયલેટ ક્લીનર પણ પૂરા પાડવામાં આવે છે. મકાનનું લાઈટબીલ પણ સરકાર દ્વારા ભરવામાં આવે છે. રાજ્યમાં ધારાસભ્યોને 78,800 પગાર અને વિવિધ ભથ્થા સહિત મહિને 1.16 લાખ રૂપિયા મળે છે. જેમાં 7 હજાર ટેલીફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાઉન્સનો સમાવેશ થાય છે. તેમ છતાં ધારાસભ્યો પાસેથી માસિક 37 રૂપિયા અને 50 પૈસા જ ભાડું લેવામાં આવતું હોવાની વાત આશ્ચર્યજનક છે. સરકારે સેકટર 21 માં ફાળવવામાં આવેલા ક્વાર્ટર ધારાસભ્યોને નાના પડતાં હોવાની રાવ ઉઠવા પામી હતી.

3 BHK ક્વાર્ટર નાના પડતા હવે આધુનિક સુવિધા વાળા ક્વાર્ટર બનશે!
સમયની માંગ મુજબ ધારાસભ્યોને હાલના સેકટર 21 ના ક્વાર્ટર પણ નાના પડતાં હોવાથી હવે ફરી પાછી સેકટર 17 માં પાંચથી સાત માળના ક્વાર્ટર બાંધવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા બનનાર આવાસો દોઢ ગણા મોટા હશે. જેમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચન, સ્ટોર રૂમ ઉપરાંત ડાઇનિંગ એરિયા તેમજ ધારાસભ્ય ની ઓફિસ માટેની સ્પેસ પણ મળી રહે તે પ્રકારે નિર્માણ કરવામાં આવશે. જેમાં હાલમાં મળતી સુવિધાઓ કરતા વધુ આધુનિક સુવિધાઓ જેવી કે વાઈ ફાઈ, કેન્ટીન, ઓન કોલ ડૉક્ટર, વોક વે, ગાર્ડન, કેન્ટીન, સ્ટોર્સ તેમજ રાચરચીલું સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ માટે આગામી દિવસોમાં કમિટી ની બેઠક પણ મળવા જઈ રહી છે જેમાં વધુ ક્યાં પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરીને આગળની રણનીતિ ઘડવામાં આવશે.

આગામી દિવસોમાં જગ્યાની પસંદગી કરવામા આવશે
હાલમાં સેક્ટર 21 માં આવેલ ધારાસભ્યોના ક્વાર્ટર્સ 30 હજાર ચો મી પ્લોટ એરિયામાં બનેલા છે. જેમાં 67.68 સ્કવેર મિટર કાર્પેટ એરિયા તેમજ 93.80 સુપર બિલ્ડ અપ એરિયા બાંધકામ છે. સેકટર 17 માં નાયબ મુખ્યમંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવેલા 24 હજાર તેમજ 28 હજાર ચોરસમીટર ના પ્લોટ માંથી કોઈ એક પ્લોટની પસંદગી કરવામાં આવશે પછીથી પ્લાનિંગ સહિતની કામગીરી હાથ પર લેવામાં આવશે.

એક ક્વાર્ટરનો ખર્ચ 25 થી 30 લાખ થાય- બિલ્ડર
આ અંગે બિલ્ડર એસોસિએશન કમિટી મેમ્બર અને જાણીતા બિલ્ડર વિક્રાંત પુરોહિતે જણાવ્યું હતું કે, તમામ સુખ સુવિધા સાથેના મોટી સ્પેસ વાળા ક્વાર્ટસ આ વિસ્તારમાં જો સરકાર બનાવે તો રૂ. 25 થી 30 લાખનું કોસ્ટિંગ બેસે. પણ આજ વસ્તુ માર્કેટ વેલ્યુ મુજબ ઉભી કરવામાં આવે તો એક ફ્લેટની કિંમત રૂ. 75 થી 80 લાખ માં પડે. જેનું કારણ છે કે સરકાર પાસે ઈન્ફ્રાસ્ટ્રકચર, જમીન સહિતની બધી વસ્તુઓ તૈયાર છે ખાલી પ્લાન કરીને બાંધકામ જ કરવાનું છે જેની સામે બિલ્ડરને RERA ના નિયમો થી માંડી ઘણી બધી વસ્તુઓનું પાલન કરવાની રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...