આવેદનપત્ર:ગુજરાતમાં વધતા જતાં ડ્રગ્સ નેટવર્ક પર તાત્કાલિક અંકુશ લાવવા રાજ્યપાલને કોંગ્રેસનું આવેદનપત્ર

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સ માફિયાઓના આયોજનબદ્ધ નેટવર્ક માટે હપ્તાખોર શાસકો જવાબદાર હોવાનો કોંગ્રેસનો આરોપ
  • તપાસપંચ નીમીને હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં તપાસ કરવાની માંગણી
  • દરિયાકિનારાની સુરક્ષા માટે માત્ર 22 મરીન પોલીસ સ્ટેશન અને ત્રીસ જ ઇન્ટરસેપ્ટર બોટ

ગુજરાત રાજ્યમાં ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વધતા જતા ડ્રગ્સના નેટવર્ક સામે તાત્કાલિક કડક હાથે અંકુશ મેળવવા રાજ્યપાલને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે, ગાંધી-સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને એકતા માટે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજ્યનો એક-એક વ્યક્તિ આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે. છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં 25 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની શામેલગીરી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. છપ્પનની છાતીની વાતો કરનારા શાસકો ગુજરાતની સરહદો સાચવવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે.

વધુમાં જણાવાયું હતું કે ગુજરાતમાં નશાબંધી હોવા છતા છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 200 કરોડથી પણ વધારે રકમનો દારૂ પકડાયો છે. દરરોજ લગભગ ત્રીસ લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે, જે રાજ્યમાં ભાજપ સરકારના શાસકોની હપ્તાખોરી અને ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવાના કાવતરાનો જ એક ભાગ છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના ચાલી રહેલા આયોજનબદ્ધ નેટવર્ક માટે ક્યાંકને ક્યાંક ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર છે.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજ્યની કોલેજો-યુનિવર્સિટી અને ઇન્સ્ટીટયુટ વિસ્તારોમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યા છે. યુવા પેઢીને નશાખોરીના રસ્તે આગળ લઇ જવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે તેને રોકવામાં નથી આવી રહ્યું. તો બીજી તરફ ગુજરાતમાં દેશના સૌથી લાંબા 1640 કિમીના દરિયાકિનારા પર 144 નાના મોટા ટાપુઓ આવેલા છે, તેવી પરિસ્થિતિમાં દરિયાકિનારાની સુરક્ષા માટે માત્ર 22 મરીન પોલીસ સ્ટેશન અને ફક્ત ત્રીસ જ ઇન્ટરસેપ્ટર બોટ છે. એક મરીન પોલીસ સ્ટેશનેથી સરેરાશ 72 કિમીના દરિયાકિનારાનો વિસ્તાર સાચવવો પડી રહ્યો છે.

ગુજરાત કરતાં ઘણો ઓછો દરિયાકિનારો અને પાકિસ્તાનથી દૂર હોવા છતાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક પાસે વધુ મરીન પોલીસ સ્ટેશન છે. જ્યારે પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનની સંખ્યા તો ઠીક સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે. પરિણામે પૂરતી સુરક્ષાના અભાવે ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. નોંધનીય છે કે 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ. 150 કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે રૂ. 21 હજાર કરોડનું ડ્રગ્સ મુંદ્રા/અદાણી પોર્ટ પરથી ઝડપાયું હતું. જ્યારે 15 નવેમ્બરે મોરબીમાં રૂા. 600 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. તેમજ 10 નવેમ્બરે દ્વારકાથી રૂા. 350 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. આ તમામ ડ્રગ્સ પાછળ વિદેશી કનેક્શનનો ઘટસ્ફોટ થયો હોવા છતાં ગુજરાતના દરિયાકિનારાની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે છે. ગુજરાતને જો સમૃદ્ધ-વિકસીત રાજ્ય બનાવી આવનારા દિવસોમાં ગુજરાતની પેઢીઓને સમૃદ્ધ બનાવવી હશે તો ગુજરાતમાં ડ્રગ્સના વધતા નેટવર્ક સામે તાત્કાલીક કડક અંકુશ લાવવા કાર્યવાહી કરવી પડશે. એ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે અને ગુજરાતમાં એવા લોકો છે કે જેમના ડ્રગ્સના કનેક્શન છેક તાલિબાન સાથે જોડાયેલા છે એમની પણ તપાસ થવી જોઈએ. તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

વધુમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે ડ્રગ્સ પકડવાની બાબતોમાં અનેક દિવસો થયા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ રહી, સરકારમાં બેઠેલા લોકોની આમાં મીલીભગત છે. તેથી એક તપાસપંચ નીમવામાં આવે, તેમજ હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં તપાસ કરવામાં આવે. ગુજરાતની ભાવિ પેઢી માટે આ ખૂબજ ચિંતાનો વિષય છે, તેમજ દરેક પરિવાર સાથે જોડાયેલો વિષય છે. તેથી તેની ન્યાયિક તપાસ થાય તે માટે યોગ્ય આદેશ આપવા કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...