તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યો-સિક્યોરિટી ગાર્ડ વચ્ચે બબાલ:મંત્રીને મળવા જતાં કોંગ્રેસના ત્રણ MLAને સિક્યોરિટી ગાર્ડે અટકાવી કહ્યું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, PSIએ કહ્યું-ધારાસભ્યોએ અપશબ્દો કહ્યા

ગાંધીનગર22 દિવસ પહેલા
ધરણા પર બેઠેલા લલિત કગથરા અને કિરીટ પટેલ
  • પોલીસ જવાને ત્રણેય ધારાસભ્યોને કહ્યું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો
  • ધારાસભ્યનું સન્માન જળવાવું જોઈએ, સિક્યેરિટીએ વિવેકથી વાત કરવી જોઈએઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય એવા લલિત કગથરા, કિરીટ પટેલ અને લલિત વસોયા આજે સ્વર્ણિમ સંકુલમાં-1માં રજૂઆત કરવા મંત્રીને મળવા માટે ગયા હતા. મંત્રીને મળવા માટે પહોંચેલા કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યને ફરજ પરના પોલીસ જવાને અટકાવી અસભ્ય વર્તન કરતાં મામલો બિચક્યો હતો, જેને પગલે ધારાસભ્યો ધરણાં પર બેસી ગયા હતા. જોકે ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ સલામતી શાખાના પીએસઆઇ એમ.બી. સાલ્વીએ દાવો કર્યો હતો કે ધારાસભ્યો દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોવાથી મામલો બિચક્યો હતો.

સ્વર્ણિમ સંકુલનું વાતાવરણ તંગ બન્યું
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મંત્રીને મળવા માટે પહોંચેલા ત્રણેય ધારાસભ્યને ફરજ પરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરે અટકાવ્યા હતા, આથી તેમણે મંત્રીને મળવાની વાત કરી હતી. આમ છતાં પોલીસ જવાને તેમને અંદર પ્રવેશ આપ્યો નહોતો. થોડી વાતચીત દરમિયાન મામલો હુંસાતુંશી પર આવી ગયો હતો. એ દરમિયાન પોલીસ જવાન એકદમ અકળાઈને ધારાસભ્યો સાથે અસભ્ય વર્તન કરીને કહ્યું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો. એથી સ્વર્ણિમ સંકુલમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

અધિકારીઓએ દરમિયાનગીરી કરતાં ધરણાં સમેટી લીધા હતા.
અધિકારીઓએ દરમિયાનગીરી કરતાં ધરણાં સમેટી લીધા હતા.

ઉચ્ચ અધિકારીઓએ દોડી આવી મામલો થાળે પાડ્યો
ધારાસભ્ય અને પોલીસની માથાકૂટ જોઈને સ્વર્ણિમ સંકુલમાંથી લોકો પણ આ તમાશો જોવા માટે દોડી આવ્યા હતા. આખરે ત્રણેય ધારાસભ્યોએ સ્થળ પર જ ધરણાં શરૂ કર્યા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, જેમની દરમિયાનગીરીથી મામલો થાળે પડતાં ધારાસભ્યોએ તરત જ ધરણા સમેટી લીધા હતા.

બીજીવાર આમ ન બને એ માટે સૂચના આપીશઃ ભૂપેન્દ્રસિંહ
બીજી તરફ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ આ બાબતની ગંભીર નોંધ લઈ નિવેદન આપ્યું હતું કે કોઈપણ ધારાસભ્યનું સન્માન જળવાવું જોઈએ. સિક્યોરિટીએ વિવેકથી વાત કરવી જોઈએ. જ્યાં ધ્યાન દોરવાનું છે ત્યાં હું જાણ કરીશ અને બીજી વાર આમ ન બને એ માટે સૂચના આપીશ.

હાર્દિકના ઉપવાસ સમયે ત્રણેય MLAને પોલીસ સાથે બબાલ થઈ હતી
આ પહેલા વર્ષ 2018માં હાર્દિક પટેલે કરેલા ઉપવાસ આંદોલન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય લલિલ વસોયા, કિરીટ પટેલ,લલિત કગથરાને પણ પોલીસે અટકાવ્યા હતાં, જેથી બબાલ મચી હતી.