તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેવડીનીતિ:ગાંધીનગરમાં કોંગ્રેસને ધરણાં કરવા પરવાનગી, પણ આપ પાર્ટીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવા તંત્રનો નનૈયો

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી તંત્રની બેવડી નીતિની પોલ ખુલી જવા પામી

ગાંધીનગરમાં આજથી આપવામાં આવેલી છૂટછાટનાં પગલે કોંગ્રેસ દ્વારા સેકટર 6 સત્યાગ્રહ છાવણીમાં ઈંધણનાં ભાવ વધારાના વિરોધમાં ધરણાં યોજવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સેકટર 30 ના મુક્તિ ધામ ખાતે મૃતાત્માની શાંતિ અર્થેનાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે નનૈયો ભણી દેવામાં આવતા સરકારી તંત્રની બેવડી નીતિની પોલ ખુલી જવા પામી છે.

ગાંધીનગર પહેલાંની જેમ ધબકતું થવાની દિશામાં

સરકારની ગાઈડ લાઈન મુજબ આજથી ગાંધીનગરમાં તમામ વેપાર ધંધા તેમજ રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની અનુમતિ આપી દેવામાં આવી છે. ગાંધીનગરનાં બજારો આજથી રાબેતા મુજબ ખુલી જવા પામ્યા છે. તે સિવાય કોવિડ નિયમો મુજબ એસટી બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવતા આજથી ગાંધીનગર પહેલાંની જેમ ધબકતું થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ઘણા સમયથી રાજય સત્યાગ્રહ છાવણી ભેકાર બની ગઈ હતી

રાજય સરકાર દ્વારા મિની લોકડાઉન નાખી દેવામાં આવતા છેલ્લા ઘણા સમયથી રાજય સત્યાગ્રહ છાવણી ભેકાર બની ગઈ હતી. રોજબરોજનાં આંદોલન તેમજ રજૂઆતો માટે રાજ્યભરમાં જાણીતિ થયેલી સેકટર 6 સત્યાગ્રહ છાવણી નેતાઓ વિના સુની પડી ગઈ હતી. ત્યારે આજથી કડક નિયમો સાથે છૂટછાટ આપવામાં આવતા જ અનલોક 2નાં પ્રથમ દિવસે જ કોંગ્રેસ દ્વારા આજે ઈંધણનાં ભાવ વધારાના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે માટે સરકાર દ્વારાજરૂરી મંજૂરી પણ આપવામાં આવી હતી.

મૃતકોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ત્યારે કોંગ્રેસ દ્વારા કોરોના ગાઈડ લાઈનના કાયદા વચ્ચે પણ ભીડ એકઠી કરીને સોશિયલ ડિસ્ટન્સીનાં લીરે લીરા ઉડાવી દેવામાં આવ્યા હતા. બીજી તરફ આજે આમ આદમી પાર્ટી ગાંધીનગર દ્વારા પણ સેકટર 30 નાં મુક્તિધામ ખાતે સેનેટાઈજેશન તેમજ સફાઈ ઉપરાંત કોરોના કાળમાં મૃત્યુ પામેલા મૃતકોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ મોટી પાર્ટી હોવાથી મંજૂરી આપી દેવામાં આવી

જેનાં માટે શહેર આમ આદમી પાર્ટી દ્વારા તૈયારી પણ કરી દઈને મીડિયાને આમંત્રણ પણ મોકલી આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ સરકારી તંત્ર દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી ન હતી. આ અંગે ગાંધીનગર શહેર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ જીતેન્દ્ર ઘરવડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મોટી પાર્ટી હોવાથી મંજૂરી આપી દેવામાં આવી હશે. પણ અમને સરકારી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે કોરોના કાળને ધ્યાને લઈ નિયમોના પાલન ના ભાગરૂપે હાલ પુરતો ઉપરોક્ત કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...