તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સલામત સવારી ગણાતી એસટી બસની ટક્કરથી ગાંધીનગરમાં ચંડોળા ડેપોના કંડકટરનું મોત

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ સ્ટેન્ડની બહાર ચા પીવા જતા કંડકટરને બસ ડ્રાઇવરે ટક્કર મારી
  • બસને શોધવા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદ લીધી

ગાંધીનગર એસ ટી ડેપોના ગેટ બહાર ગઈકાલે સાંજે સલામત સવારી ગણાતી એસ ટી બસની ટક્કરથી જ ચંડોળા ડેપોના કંડકટરનું કરૂણ મોત નીપજ્યું છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી ફરાર એસ ટી બસને શોધવા સર્કલ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ચંડોળા ડેપોમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ ડ્રાઈવર તરીકે બજાવતા 39 વર્ષીય જયપાલસિંહ કિરીટસિંહ ચૌહાણ (રહે.નવી ભોગીલાલ ચાલી, ન્યુ સિવિલ, અસારવા, મૂળ તા. માલપુર જી. અરવલ્લી)નાં પરિવારમાં પત્ની ભાવનાબેન તેમજ દીકરી મેઘના અને દીકરો મીતરાજ છે. જ્યારે તેમના મોટા ભાઈ ધરમવીરસિંહ પણ નવી ભોગીલાલની ચાલીમાં તેમના પરિવાર સાથે રહે છે. જેઓ પણ ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

ગઈકાલે શુક્રવારે ઢળતી સાંજે જયપાલસિંહ તેમની પોઇન્ટની બસ લઇને ગાંધીનગર આવ્યા હતા. તે દરમિયાન જયપાલસિંહ ચા પીવા માટે એસ ટી ડેપોની બહાર સામે આવેલી ચાની કીટલી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ડેપોના આઉટ ગેટ બહાર કોઈ અજાણી એસ ટી બસના ડ્રાઈવર પોતાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જયપાલસિંહને ટક્કર મારી નાસી ગયો હતો.

એસ.ટી બસની ટક્કર વાગવાથી જયપાલસિંહ ઉછળીને જમીન પર પડ્યા હતા. આ બનાવના પગલે પથીકાશ્રમ ડેપોના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જયપાલસિંહને 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં મૃતકના મોટાભાઈ સહિતના પરિવારજનો સિવિલ દોડી આવ્યા હતા.

ડેપોમાં આવન જાવન કરતી બસો બેફામ ગતિએ દોડતી હોવાની વ્યાપક ફરિયાદો

ગાંધીનગર પથીકાશ્રમ એસટી ડેપોમાં ઇન અને આઉટ ડોર મારફતે આવન જાવન કરતી બસો બેફામ ગતિએ દોડતી હોવાથી ઘણી વાર નાના મોટા અકસ્માત થતાં રહેતા હોવાની અત્રેના વેપારીઓ તેમજ રિક્ષા ચાલકો દ્વારા અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે. નજીકમાં જ સર્કલ હોવાના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાતી રહેતી હોય છે એમાંય બેફામ ગતિએ આવ જા કરતી બસોના કારણે હમેશાં ભયનો માહોલ આ વિસ્તારમાં રહેતો હોય છે. ઉપરોક્ત બનાવ અંગે ગાંધીનગર ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, કઈ બસની ટક્કરથી ડ્રાઈવરનું મૃત્યુ થયું તે હજી જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસને પત્ર લખી ઘ-03 સર્કલનાં સીસીટીવી ફુટેજની મંગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...