ચોરી:સરગાસણમાં ગુડાની સાઇટ પરથી 26 લાખના કોંક્રિટ મશીનની ચોરી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે મશીનની ચોરીને લઇ અનેક તર્ક વિતર્ક

શહેરમાં રોકડ અને વાહન ચોરીના બનાવો બનતા હતા. પરંતુ હવે તો કોંક્રિટનો માલ બનાવતા વાહનની પણ ચોરી થવા લાગી છે. સરગાસણમાં નવી બની રહેલી ગુડાની સાઇટ ઉપરથી 26 લાખની કિંમતના વાહનની ચોરી થવા પામી છે. મહત્વની બાબત એ છેકે, મશીન અન્ય વાહન વિના હલી શકે પણ નહિ ત્યારે વાહનની ચોરી થઇ તે સમયે સાઇટ ઉપરનો સ્ટાફ ક્યા હતો ? જોકે, આ બાબતે કોન્ટ્રાક્ટરે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ કિરણ શંકરભાઇ ચૌધરી (રહે, બંસરી ગ્રીન, ક7 પાસે) દેવી ઇન્ફ્રા નામથી કંપની ચલાવે છે. સરગાસણમાં ટીપી 8માં ગુડાના આવાસ બનાવી રહ્યા છે. ત્યારે ગત 1 માર્ચના રોજ સાઇટ એન્જિનિયર દ્વારા ક્રોક્રિટનુ મશીન ચોરાઇ ગયુ હોવાની વાત કરવામાં આવી હતી. જેને લઇ તપાસ કરવામાં આવતા 28 ફેબ્રુઆરીના રોજ સાઇટ ઉપર બની રહેલા ઇ બ્લોક આગળ મશીન જોવા મળતુ હતુ. પરંતુ બીજા દિવસે મશીન જોવા મળ્યુ ન હતુ.

આશરે 26 લાખની કિંમતનુ કોક્રિટ મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે અન્ય વાહન સિવાય હટાવી શકાય નહિ, તેટલુ વજન હોય છે. તેમ છતા સાઇટ ઉપરથી 26 લાખની કિંમતનુ વજનદાર મશીનની ચોરી થઇ ગઇ હતી. જેને લઇ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે, શહેરમાં રોજબરોજ ચોરીના બનાવો સામાન્ય થઇ ગયા છે. જેને લઇ શહેરીજનોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચોરીની ઘટનાઓ સામાન્ય બની રહી છે.

પોલીસ ચોર સુધી પહોંચી શકતી નથી. એક બનાવનો ભેદ ન ઉકેલાય ત્યાં ચોરીનો બીજો બનાવ પ્રકાશમાં આવે છે. તસ્કરો હવે તો સરકારી મશીનોની પણ ચોરી કરી રહ્યા છે. વજનદાર મશીનની ચોરીને લઇ અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...