લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ:કલોલના વાયણા ગામની જમીન પચાવી પાડવાના મામલે ફરિયાદ

કલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત મહિલાના અંગુઠા લગાવી દસ્તાવેજ બનાવ્યો હોવાનું ખૂલ્યું
  • નાયબ કલેક્ટરની કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી

કલોલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનાં વધી રહેલા ભાવ વચ્ચે ભૂમાફીયાઓ દ્વારા જમીન પચાવી પાડવાનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે વાયણાની સીમમાં આવેલી જમીન મહિલા મૃત્યુ પામ્યા હોવા છતા તેમનાં અંગુઠા મારીને દસ્તાવેજ બનાવીને પચાવી પાડતા પોલીસ ફરીયાદ નોંધાતા હાલમાં આ મામલે ભારે ચકચાર મચી ગઈ છે.

કલોલનાં વાંસજડા ગામે ધનાજીનાં વાસમાં રહેતા સુરેશજી રમેશજી ઠાકોરે સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમનાં માતા કલીબેનનું વર્ષ 2000માં અવસાન થયુ હતુ. કલોલ તાલુકાનાં વાયણા ગામની સીમમાં જુના બ્લોક નં 237ની જમીન જેનો હાલનો સર્વે નં 838 છે. આ જમીન વર્ષ 2003ની સાલમાં રેવન્યુ રેકર્ડ પર માતા કલીબેનનાં ફોઇ હીરાબેન નાથાજી ઠાકોર, બહેન ઠાકોર મંગુબેન કાળાજી તથા કલીબેનનાં નામે આવેલી હતી.

આ જમીન વેચાણ માટે રાખવા વાયણા ગામનાં કનુ લીલાભાઇ દેસાઇએ પોતે ખેડૂત ન હોવાથી તેમનાં સગા નાગજીભાઇ વિહાભાઇ દેસાઇના નામે સ્ટેમ્પ પેપર ખરીદીને નાગજીભાઇનાં નામે ઉપરોક્ત જમીનનો વેચાણ લેખ ઉભો કરીને હીરાબેન તથા મંગુબેન તથા કલીબેનનાં નામથી રૂ. 2 હજારમાં વેચાણ રાખેલ તેવો ખોટો વેચાણ લેખ ઉભો કર્યો હતો.

સુરેશજીનાં માતા કલીબેન વર્ષ 2000માં મૃત્યુ પામ્યા હોવાનું જાણતા હોવા છતા તેમનાં નામનો ખોટો અંગુઠો કરીને તે અંગુઠો ઠાકોર નારણજી ચહેરાજી દ્વારા બંધાવીને સાક્ષી તરીકે ધનાભાઇ મહાદેવભાઇ તથા ઇશ્વરભાઇની સહી કરાવેલી હતી. આ ખોટા દસ્તાવેજને સબ રજીસ્ટાર કચેરીમાં રજુ કરીને રજીસ્ટર કરાવીને છેતરપીંડી આચરી હતી. સાથે સાથે કલીબેનને રૂ. 3 લાખની રકમ ચુકવ્યાનું નોંધાવ્યુ તે પણ મળી નથી અને જમીન પચાવી પાડી હતી.

આ બાબતે આખરે જિલ્લા નાયબ કલેકટરને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ) આરોપી કનુ લીલાભા દેસાઇ સામે ફરીયાદ કરતા જિલ્લા પોલીસ વડા કાર્યવાહી માટે મોકલાતા સાંતેજ પોલીસ દ્વારા ફરીયાદ લેવાઇ હતી.જેના કારણે હાલમાં ભારે ચકચાર મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...