લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો:ઉવારસદની કરોડોની જમીને ખોટા પુરાવા રજૂ કરી પચાવી પાડનાર સામે ફરિયાદ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 આરોપીએ તલાટીની સહી, મરણના દાખલા ખોટા બનાવી કારસો રચતાં લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ખોટા દસ્તાવેજ અને નકલી મૃત્યુ પ્રમાણપત્રના આધારે ઉવારસદની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ખેડૂતે 5 આરોપી સામે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી મુજબ અમૃત શનાજી ઠાકોર (રહે. ઉવારસદ ગામ, ખાંટવાસ)ની ગામની સીમમાં સરવે નંબર 80નું ક્ષેત્રફળ ધરાવતી 19482 ચોરસ મીટરની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીન છે. જમીનના રેકર્ડમાં તેમનાં મૃત સગાંનાં નામ છે ત્યારે ખેડૂતની જાણ બહાર અનેક જમીનો વેચાઈ ગઈ છે. આથી તેમણે જમીનની 7/12ની તપાસ કરી હતી, જેમાં સીધી લીટીના વારસદાર તરીકે ભલાજી લલાજી, શનાજી લલાજી, શારદાબેન લલાજી, સીતાબેન લલાજી અને દિનાજી વેલાજીની વારસાઈ નોંધ પડી હતી. દિનાજી વેલાજી નામનો કોઈ વારસદાર જ ન હોવાથી શંકા ઊભી થતાં તેમણે નોંધ પાડવા માટે રજૂ કરલા દસ્તાવેજની નકલ મેળવી તપાસ કરી હતી, જેમાં દિનાજી વેલાજી ઠાકોર (રહે, ઇન્દિરાનગર, ઇસનપુર મોટા, સાણોદાવાળા)એ પેઢીનામું, સોગંદનામું નોટરી પાસે કરાવ્યું હતું.

ઉપરાંત, આરોપીએ ખોટા સોગંદનામા અને નોટરી કરી હતી. ભલાજી લલાજી ઠાકોરના મરણ પ્રમાણપત્ર પણ ખોટા બનાવ્યાં હતાં, જેમાં સાચી મરણ 13/05/2012 છે, જ્યારે મરણના દાખલામાં 03/05/1970 બતાવી છે, તેની સાથે શનાજી ઠાકોરની સાચી મરણ 19/08/2017 છે, જ્યારે મરણના દાખલામા 06/07/1972 બતાવી છે. ઉપરાંત ભલાજીને સંતાનમાં 3 દીકરી અને એક દીકરો બતાવ્યો છે જ્યારે વાસ્તવમાં તેમને એક માત્ર દીકરો અમૃતજી છે. આ બાબતે પ્રાંત કચેરીમાં વાંધા અરજી કરતાં ખેડૂત તરફે હુકમ કરાયો હતો.

આ બાબતે ખેડૂત અમૃતજી ઠાકોરે તેમની જમીન પચાવી પાડવાનો કારસો કરનારા દિનેશ વેલાજી ઠાકોર (રહે. ઇન્દિરાનગર, ઇસનપુર સાણોદા રોડ, સાણોદા), કાનાજી પુંજાજી ઠાકોર (રહે. વડવાસા ગામની સીમ, દહેગામ), નરેન્દ્ર મગન પરમાર (રહે. બાજીગર સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ), જશવંત શંકર નાયક (રહે. નાયકનગર, કલોલ) અને રાજેશ નારાયણ પટેલ (રહે. વાઇટ એલીગન્સ, હંસપુરા, દશક્રોઈ) સામે અડાલજ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...