ભાસ્કર એક્સક્લૂઝિવ:કોમનવેલ્થ કૌભાંડમાં ખરડાયેલી મેરોફોર્મ ઇન્ડિયા કંપનીને ‘વાઇબ્રન્ટ ગુજરાત 2022’માં નવા નામથી કોન્ટ્રેક્ટ અપાયો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • કોમનવેલ્થ કૌભાંડની તપાસમાં કંપનીના માલિકની ધરપકડ પણ થઈ હતી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન સ્થળ મહાત્મા મંદિરમાં આઉટલે, ડિઝાઇન અને એક્ઝિક્યુશન માટેનો મસમોટો કોન્ટ્રેક્ટ એક એવી કંપનીને સોંપાયો છે જેનું નામ ભૂતકાળમાં કૌભાંડમાં સંડોવાયેલું હતું. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં થયેલા કૌભાંડમાં મેરોફોર્મ ઇન્ડિયા કંપની પર છાંટા ઊડ્યાં હતાં. હવે આ જ કંપની લિટમસ મેરોફોર્મના નામે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કોન્ટ્રેક્ટ મેળવીને કામ કરી રહી છે.

લિટમસ મેરોફોર્મ પ્રાઇવેટ લિમિટેડ - ફાઇલ તસવીર
લિટમસ મેરોફોર્મ પ્રાઇવેટ લિમિટેડ - ફાઇલ તસવીર

સૂત્રો જણાવે છે કે આ કોન્ટ્રેક્ટ હેઠળ મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ માટે જો એક ખીલી પણ લાગે તોય એ લિટમસ મેરોફોર્મ લાવીને જ લગાવે અને ગુજરાત સરકાર તેના પૈસા ચૂકવે. આ કંપનીના માલિક બિનુ નાનુ છે અને કોમનવેલ્થ ગેમ્સની તપાસમાં પોલિસે તેમની ધરપકડ પણ કરી હતી. જોકે ત્યાર બાદ તે જામીનમુક્ત થઈ ગયા હતા. હાલ બિનુ નાનુ મહાત્મા મંદિરમાં સમિટની તૈયારીની દેખરેખ કરી રહ્યા છે. આ અગાઉ 2017 અને 2019માં યોજાયેલી સમિટ વખતે પણ આ કંપનીને જ કોન્ટ્રેક્ટ અપાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર આ કંપની મોટી રાજકીય વગ ધરાવે છે અને તેથી જ તેમને કોન્ટ્રેક્ટ મળે છે.

બીડ જોઈને કોન્ટ્રેક્ટ આપ્યો છે: ઇન્ડેક્સ્ટ-બી
સમિટનું આયોજન ઉદ્યોગ વિભાગ હેઠળનો ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો એટલે કે ઇન્ડેક્સ્ટ-બી કરે છે. તેનાં એમ.ડી. નીલમ રાણી કહે છે કે, અમે આ કોન્ટ્રેક્ટ લોએસ્ટ બિડર તરીકે મેરોફોર્મ કંપનીને આપ્યો છે. અમે આ કંપનીનો ભૂતકાળ ચકાસ્યો નથી. કેટલી રકમનો કોન્ટ્રાક્ટ અપાયો તે હું કહી શકીશ નહીં, કારણ કે અમે ઓપન ટેન્ડર થકી જે બિડ મગાવી હતી તે આઇટમ વાઇઝ હતી અને તે જ પ્રમાણે કંપનીએ ભાવ ભર્યા છે. આખરી ચુકવણું કેટલું કરાશે તે કંપનીનું ફાઇનલ બિલ આવે તે પરથી જ કહી શકાશે. બીજી તરફ આ કંપનીની ઓથોરિટી સાથે વારંવાર પ્રયત્ન કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...