તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વીડિયોનો મામલો:ગાંધીનગર સિવિલમાં તબીબ દ્વારા મહિલા સાથે અમાનવીય કૃત્યની તપાસ માટે કમિટીની રચના, તબીબનું નિવેદન લેવાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • ઓર્થોપેડિક વિભાગના હેડ ડો. વિકી પરીખ દ્વારા મહિલાને 50 ફૂટ ઢસેડવામા આવી હતી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાથરણું પાથરી હાથ રૂમાલ સહિતના કપડાનું વેચાણ કરતી વિધવા મહિલા સાથે સિવિલના તબીબે કરેલા ગેરવર્તનનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોને લઈ લોકો તબીબના વર્તનને લઈ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સિવિલ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને ડોકટરનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

તબીબે મહિલાને 50 ફૂટ સુધી ઢસડી હતી
ગાંધીનગર જીઈબી કાચા છાપરામાં રહેતા ઝરીનાબેન સુભાન કટિયા નામની વિધવા મહિલા સિવિલ ખાતે પાથરણું પાથરી હાથ રૂમાલ સહિતના કપડા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. 21 ઓગસ્ટે પણ ઝરીના બહેન દરરોજની માફક અહીં બેસી હાથ રૂમાલ વેચી રહ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં વેપાર ધંધો કરવા પર પ્રતિબંધ હોય, અહીં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ ડો. વિકી પરીખ આવ્યા હતા અને મહિલા સાથે માથાકૂટ કરી થેલ ફેંકવાની કોશિશ કરી હતી. પરંતુ, ઝરીનાબેને પોતાનો થેલો પકડી રાખતા ડોકટર વિકી પરીખે થેલા સાથે ઝરીનાબેનને 50 ફૂટ સુધી જમીન પર ઢસડ્યા હતા. ડોકટરનું આ કૃત્ય જોઈ અહીં ઉપસ્થિત લોકો ડઘાઈ ગયા હતા.

ડોકટરના કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
સિવિલ હોસ્પિટલમાં દિનદહાડે ડોકટરના અમાનવીય કૃત્યનો કોઈ જાગૃત નાગરિકે વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જ ડોકટર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ઝરીનાબેન દ્વારા સેકટર-7માં ડોકટર વિરુદ્ધ અરજી પણ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડોકટરનું નિવેદન લેવામા આવ્યું-સુપ્રિટેન્ડેન્ટ
આ અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે, ડો. વિકી પરીખ પાસે મહિલાને ખસેડવાની કોઈ સત્તા નથી. વડી કચેરીની સૂચના મુજબ કમિટી બનાવવામાં આવી હતી. જેનાં પગલે ડો. વિકી પરીખનું લેખિત નિવેદન લેવામાં આવ્યું છે. આ રિપૉર્ટ વડી કચેરી ખાતે પણ મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે વડી કચેરી કમિટીના રિપોર્ટ ના આધારે ડો. વિકી પરીખ સામે યોગ્ય કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...