તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:શહેરનાં 7 અસરગ્રસ્ત ગામોમાં પુરાવા રજૂ કરનારને મિલકત કાર્ડ આપવા કલેક્ટરનો આદેશ

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરનાં 7 અસરગ્રસ્ત ગામોમાં પુરાવા રજૂ કરનારને મિલકત કાર્ડ આપવા કલેક્ટરનો આદેશ

રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્થાપનામાં ઇન્દ્રોડા, ધોળાકુવા, બોરીજ, આદીવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામોનો સમાવેશ કર્યો છે. ઉપરાંત આ ગામોની જમીન ઉપર ગાંધીનગર બનાવવામાં આવ્યું છે. મનપા સમાવિષ્ઠ ગામોને દર વર્ષે વસુલવામાં આવતા વેરાના બીલોમાં પ્રોપર્ટીના માલિકના નામને બદલે કબ્જેદાર શબ્દ ઉપયોગ કરવામા આવતો હતો. જે મુદ્દે ગ્રામજનોએ અનેક વખત કલેક્ટરથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. ત્યારે હવે સમગ્ર મુદ્દે જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ મિલકતો ભોગવડા ધારકો માટે અને રેકર્ડમાં નોંધાયેલા મિલકતધારકો માટે એક પરિપત્ર જાહેર કર્યો છે.

જેમાં હક્ક ચોકસી અધિકારી અને મિલકત ધારકોના ભોગવટા ધારકોએ કેવી પદ્ધતિથી અને કેવા પ્રકારના પુરાવા રજુ કરવાથી મિલકત કાર્ડ આપવાની કાર્યવાહી થઇ શકે તેની વિગતવાર જાણકારી આપી હતી. મળેલી માહિતી પ્રમાણે સરકારના 30 વર્ષ જૂના કોઈ પણ પુરાવા જેવા કે 7/12નો ઉતારો, ગામના વતની હોવાનો પુરાવો, મતદારયાદીમાં નામ, રેશનકાર્ડ પુરાવા રજૂ કરવા કહેવાયું છે. જરૂરિયાત મુજબના યોગ્ય પુરાવા રજૂ કરનાર સાત ગામના ગ્રામજનોને મિલકત કાર્ડ આપવાની કામગીરી કરવા કલેક્ટરે આદેશ કર્યો છે. કલેક્ટરના આદેશથી સાત ગામોની પાંચ દાયકા જૂનો વડિલો પાર્જિત મિલકતના હક્કનો મુદ્દાનો ઉકેલ આવતા ગ્રામજનોને રાહત થઈ છે. મિલકતોના કબ્જેદાર હોવાને પગલે આ ગામના લોકોને બેંક લોન, કોર્ટ-પોલીસમાં જામીનગીરી, સોલવંશી સર્ટીફીકેટ સહિતની કામગીરીમાં ભારે મુશ્કેલી નડતી હતી. ત્યારે હવે પ્રોપર્ટી કાર્ડ મળી જતા તેમની આ સમસ્યાઓનો અંત આવશે.

કલેક્ટરને આદેશને પગલે વર્ષોથી લડત આપી રહેલાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરત બિહોલાએ ખુશીની લાગણી વ્યક્ત કરીને આભાર માન્યો હતો. કારણ કે મહામંડળ દ્વારા આ મુદ્દે વર્ષોથી લડત આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે સાડા 5 દાયકામાં રાજ્યના પાટનગર ગાંધીનગરની સિકલ બદલાઇ ગઇ છે. અગાઉ કર્મચારી નગર તરીકે ઓળખ મેળવનાર પાટનગરની ઓળખ સમયાંતરે બદલાતી રહી છે. ત્યારે પાટનગરના નિર્માણમાં આસપાસના ગામડાઓના ખેડૂતોએ આપેલી કિંમતી જમીન મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે પોતાના મિલકત હકો માટે આ ગ્રામજનો વર્ષોથી લડત આપી રહ્યાં હતા, જે મુદ્દે કલેક્ટરને નિર્ણય લેતા ગ્રામજનોમાં હાલ તો ખુશીની લાગણી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...