રાજ્યમાં વીજસંકટના સંકેત:કોલસાનો સ્ટોક ખૂટ્યો; અદાણી, તાતા, એસ્સારે વીજ પુરવઠો બંધ કરતા 3 હજાર મેગાવૉટની ખાધ

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોલસાની તંગીથી અડધું થયેલું ઊર્જા ઉત્પાદન ઠપ થઈ જવાની આશંકા
  • ઉદ્યોગો-કૃષિ ક્ષેત્રમાં કાપની શક્યતા
  • વીજ કંપનીઓનું ઉત્પાદન બંધ થતા મોંઘી વીજળી ખરીદવી પડે એવી સ્થિતિ

ભારત સહિત વિવિધ દેશોમાં કોલસાની અછતના ઝાળ હવે ગુજરાતને પણ અનુભવાઈ છે. હાલ ગુજરાત પાસે ચાર દિવસ ચાલે તેટલો જ કોલસો છે અને નવો કોલસો આવે તેની રાહ જોવાઇ રહી છે. પરંતુ જે કોલસો આવે છે તે ભીનો હોવાને કારણે ઊર્જા ઉત્પાદન પણ તેટલું થતું નથી જેટલી માંગ છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં વીજ સંકટ તોળાય તેવી સ્થિત છે અને રાજ્યના કૃષિ અને ઔદ્યોગિક વપરાશ માટેની વીજળીના પુરવઠામાં કાપ આવે તેવી સ્થિતિ છે.

હાલ ગુજરાતના જે થર્મલ પાવર પ્લાન્ટ છે તેમાં ઉપલબ્ધ કોલસો ભીનો છે અને તેને સૂકવી સૂકવીને કામ ચલાવવું પડે છે. તેના કારણે પ્લાન્ટ લોડ ફેક્ટર એટલે કે પ્લાન્ટની ઊર્જા ઉત્પાદનની સ્થાપિત કક્ષાની સાપેક્ષે થતું સાચું ઉત્પાદન લગભગ અડધું થઇ ગયું છે. તેમાંય આ પ્લાન્ટના ઘણાં યુનિટ હાલ સમારકામ માટે હોવાને કારણે તે ચલાવી શકાય તેમ નથી, તેની પર વીજ ઉત્પાદન પર વિપરીત અસર થઇ રહી છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ અમે આ સમારકામ માટે ગયેલાં પ્લાન્ટને ગમે તેમ કરીને શરૂ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છીએ, પરંતુ તે ઝડપી શક્ય નથી. ચોમાસાને કારણે ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન ઘટી ગયું અને હાલ જે કોલસો આવે છે ત્વરીત વપરાશમાં લઇ શકાય તેવો નથી.

ગુજરાત સરકાર બાકીની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી નેશનલ પાવર ગ્રીડમાંથી વાટે મેળવી રહી છે. પરંતુ આખાં દેશમાં તમામ રાજ્યો માંગ કરી રહ્યાં હોવાથી આ કંપનીઓનો ભાવ ખૂબ ઊંચો છે. તેમ છતાં અમે ગમેતેમ કરીને તે ખરીદી રહ્યાં છીએ, તેથી મોટી અછત ન રહે. આ ઉપરાંત ગેસ આધારિત પ્લાન્ટની ક્ષમતા 2,400 મેગાવોટ છે પણ તે ખૂબ મોંઘી પડે છે, જ્યારે બધું અટકી પડશે ત્યારે તે ખરીદીશું.

ગુજરાત પાસે હાલ કોલસાનો 4 દિવસ ચાલે એટલો જ જથ્થો
ગુજરાત હાલ વીજળી માટે સૌથી વધુ કોલ આધારિત થર્મલ પાવર સ્ટેશન પર નિર્ભર છે. ગુજરાતના કોલસા આધારિત આ પ્લાન્ટની કુલ ક્ષમતા 5,160 મેગાવોટ છે જે કુલ ક્ષમતા 6,776 મેગાવોટના 76 ટકા છે. રાજ્યમાં સરકારના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસીટી કોર્પોરેશન (જી-સેક) પાસે ઉકાઇ, ગાંધીનગર, વણાંકબોરી અને સિક્કા કોલ આધારિત પ્લાન્ટ છે જેની ક્ષમતા 4,510 મેગાવોટ છે, જ્યારે કચ્છ અને ભાવનગર લિગ્નાઇટ બેઝ પ્લાન્ટ છે જેની ક્ષમતા 650 મેગાવોટની છે. આ તમામ પ્લાન્ટમાં હાલ કોલસાની ભારે ખેંચ છે.

ખાનગી કંપનીએ હાથ અદ્ધર કરતા કટોકટી
ઊર્જા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ અમારી સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ ત્રણ ખાનગી ઇમ્પોર્ટેડ કોલ બેઝ પ્લાન્ટ સાવ બંધ છે. તેની ઉત્પાદન ક્ષમતા 4000 મેગાવોટ જેટલી છે, પણ તે મળી રહ્યું નથી. તેમની સાથે સરકારે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યાં છે, પણ તેઓ માની રહ્યા નથી. અમે તેમને હાલ આવાં કપરાં સંજોગોમાં મદદ કરવા સમજાવી રહ્યા છીએ, પણ તેઓ તેમ કરી રહ્યાં નથી.

વીજકાપની વાત અફવા : ઊર્જામંત્રી
ઉત્તર ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ ઉત્તર ગુજરાતમાં વીજળી કાપ મૂકશે તેવી વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી, પરંતુ ઊર્જામંત્રી કનુ દેસાઇએ આ વાતને રદિયો આપ્યો છે અને કહ્યું કે આ અફવા છે, અમે કોઇપણ રીતે આ પ્રકારનો નિર્ણય લીધો નથી. સત્તાવાર રીતે અમે આવી જાહેરાત નથી કરી, પરંતુ કોઇ કારણોસર ગેરસમજને કારણે આવાં સંદેશા પ્રસરી રહ્યાં છે. ગુજરાતમાં કોલસાની અછતને લઇને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાહમીના હુસૈને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હાલ કોલસાની ખૂબ અછત છે અને આખું તંત્ર ભારે દબાણમાં છે. પરંતુ અમે કોલસો મેળવવાની વ્યવસ્થા કરી રહ્યાં છીએ, અન્ય ઉપાય તરીકે અમે અન્ય ખાનગી કંપનીઓ પાસેથી પણ નેશનલ પાવરગ્રીડ મારફતે વીજળી મેળવીને જરૂરી સપ્લાય પૂરો પાડીશું.